Ankit Baliyan Murder: ઉત્તર પ્રદેશના શામલીમાં બુધવારે સાંજે હરિયાણવી સિંગર અને યુટ્યુબર અંકિત બાલિયાનની સનસનાટીભરી હત્યાથી ખળભળાટ મચી ગયો છે. 32 વર્ષીય અંકિત જીમમાંથી બહાર આવી પોતાની સ્કોર્પિયોમાં બેસી રહ્યા હતા ત્યારે ઘાત લગાવીને બેઠેલા હુમલાખોરોએ તેમના પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. હુમલાખોરોએ આશરે 18 રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાંથી 5 ગોળીઓ અંકિતના માથા અને પેટમાં વાગી હતી. ગંભીર રીતે ઘાયલ અંકિતને હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
જીમની બહાર ઘાત લગાવી બેઠા હતા હુમલાખોરો
ઘટના બુધવારે સાંજે આશરે 7 વાગ્યાની હોવાનું સામે આવ્યું છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ચાર હુમલાખોરો પહેલેથી જ જીમની બહાર અંકિતની રાહ જોઈ રહ્યા હતા. અંકિત જીમમાંથી બહાર આવી પોતાની સ્કોર્પિયોમાં બેસવા જતા હતા ત્યારે અચાનક હુમલાખોરોએ ગોળીબાર શરૂ કરી દીધો. અંકિતે બચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ડ્રાઇવિંગ સીટ તરફ દીવાલ હોવાથી તેઓ બીજી તરફથી ગાડીમાં બેસવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા. આ દરમિયાન હુમલાખોરોએ સ્કોર્પિયોનો દરવાજો ખોલી અંકિત પર નજીકથી ફાયરિંગ કર્યું હતું. ગોળીબારમાં સ્કોર્પિયોના આગળના કાચ પર પણ ત્રણ ગોળીઓ વાગી હતી.
18 રાઉન્ડ ફાયરિંગ બાદ હુમલાખોરો ફરાર
ફાયરિંગનો અવાજ સાંભળીને આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. હુમલાખોરોએ અંકિતના શરીર પર અનેક ગોળીઓ ચલાવી અને ત્યારબાદ નંબર પ્લેટ વગરની બાઇક પર ફરાર થઈ ગયા હતા. પોલીસે ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરી તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. પ્રાથમિક તપાસમાં હરિયાણાના શૂટર્સની સંડોવણી હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
માતાનો આક્રંદ જોઈ લોકોના આંખમાં આવ્યા આંસુ
અંકિતની હત્યા બાદ પરિવાર અને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ અંકિતનો મૃતદેહ રસ્તા પર રાખીને જામ કરી દીધો હતો અને આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ કરી હતી. આ દરમિયાન અંકિતની માતા પુત્રની લાશને ખોળામાં લઈને રસ્તા પર બેસી ગઈ હતી. માતાના આ કરુણ દ્રશ્યથી સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી.
હત્યાના એક કલાક પહેલાં જ પોસ્ટ કર્યો હતો વીડિયો
અંકિત બાલિયાનની હત્યાના માત્ર એક કલાક પહેલાં તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કર્યો હતો. સાંજે 6 વાગ્યે શેર કરવામાં આવેલા આ વીડિયોમાં તેઓ કારમાં બેસીને ‘મર્ડર માર દે સડક કે ઉપર’ ગીત ગાતા જોવા મળ્યા હતા. અંકિત ગન કલ્ચર આધારિત ગીતો માટે પણ જાણીતા હતા. તેમનું ‘ભરી કોર્ટ મેં ગોલી મારેંગે’ ગીત 15 ફેબ્રુઆરી 2023ના રોજ રિલીઝ થયું હતું. આ ગીતને લઈને વિવાદ પણ થયો હતો અને તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ હરિયાણવી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં અંકિતની ઓળખ વધુ મજબૂત બની હતી.
જિલ્લા પંચાયત ચૂંટણીની તૈયારી કરી રહ્યા હતા
અંકિત બાલિયાન મૂળ શામલીના બંતીખેડા ગામના રહેવાસી હતા અને હરિયાણાના સોનીપતમાં પણ રહેતા હતા. છેલ્લા કેટલાક મહિનાથી તેઓ પરિવાર સાથે પોતાના ગામમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. અંકિત જિલ્લા પંચાયતની ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હોવાની પણ માહિતી સામે આવી છે. જોકે, તેમની હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
હાલ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. સીસીટીવી ફૂટેજ, ઘટનાસ્થળેથી મળેલા પુરાવા અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોના આધારે હુમલાખોરો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હરિયાણવી મ્યુઝિક જગતમાં જાણીતા અંકિત બાલિયાનની આ રીતે જાહેરમાં થયેલી હત્યાથી શામલી સહિત આસપાસના વિસ્તારોમાં ભય અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે.








