Sanjay Dutt Marathi Language Statement Pratap Sarnaik: મહારાષ્ટ્રમાં હાલના દિવસોમાં મરાઠી ભાષાને લઈને રાજકીય અને સામાજિક સ્તરે મોટો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે બોલિવૂડના 'સંજૂ બાબા' એટલે કે સંજય દત્તનો એક રમુજી વીડિયો અને કિસ્સો સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે. મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન મહારાષ્ટ્ર સરકારના મંત્રી પ્રતાપ સરનાઈક સાથે મંચ પર હાજર સંજય દત્તને જ્યારે મરાઠીમાં બોલવાની વિનંતી કરવામાં આવી ત્યારે એક્ટરે એવો જવાબ આપ્યો કે ત્યાં હાજર તમામ લોકો હસી પડ્યા હતા.
મંત્રી પ્રતાપ સરનાઈકે કરી મરાઠી બોલવાની વિનંતી
કાર્યક્રમ દરમિયાન મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે મરાઠી ભાષા અંગે વાત કરતાં મજાકના સૂરમાં કહ્યું હતું કે, તેઓ આજકાલ દરેકને મરાઠી શીખવી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, સંજય દત્ત અહીં આવ્યા છે તો તેમની પાસે પણ મરાઠીમાં બે શબ્દો બોલાવવા જોઈએ. મંત્રીએ કહ્યું કે, સંજય સામાન્ય રીતે હિન્દીમાં વાત કરે છે પરંતુ અહીં ઉપસ્થિત તમામ લોકો મરાઠી સારી રીતે સમજે છે.
યરવડા જેલના દિવસો યાદ કરી સંજય દત્તે આપ્યો મજેદાર જવાબ
માઈક હાથમાં આવતાં જ સંજય દત્તે મરાઠીમાં બોલવાને બદલે ખૂબ જ રમુજી રીતે મંત્રીની વિનંતીને ટાળી દીધી હતી. સંજય દત્તે મંત્રીને સંબોધતા કહ્યું, "પ્રતાપ ભાઈ, હું 6 વર્ષ યરવડા જેલમાં રહ્યો હતો, તો પણ મરાઠી શીખી ન શક્યો. થોડી-ઘણી શીખ્યો હતો પણ પૂરી નથી આવડતી." સંજય દત્તનો આ પ્રામાણિક અને મજેદાર જવાબ સાંભળીને મંચ અને હોલમાં હાજર લોકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. આ સાથે જ તેણે મંત્રી સાથે પોતાના 25 વર્ષ જૂના સબંધોનો ઉલ્લેખ કરીને તેમનો આભાર માન્યો હતો.
સોશિયલ મીડિયા પર મરાઠી ભાષા મુદ્દે નવો વિવાદ અને ચર્ચા
આ ઘટના એવા સમયે બની છે જ્યારે મહારાષ્ટ્ર પરિવહન વિભાગે મુંબઈમાં ઓટો અને ટેક્સી ડ્રાઈવરો માટે મરાઠી ભાષાના કેટલાક જરૂરી વાક્યોનું જ્ઞાન હોવું ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધો છે. સંજય દત્તના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, 50 વર્ષથી મુંબઈમાં રહેતા અને 6 વર્ષ જેલમાં ગાળ્યા પછી પણ મરાઠી ન શીખી શકનારા સંજય દત્ત સામે MNS (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના) કે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી એવો જ વિરોધ દર્શાવશે જેવો તેઓ સામાન્ય ઓટો ડ્રાઈવરો અને ફેરિયાઓ સામે દર્શાવે છે?
સંજય દત્તના આગામી અને તાજેતરના પ્રોજેક્ટ્સ
સલમાન ખાન સાથે કેમિયો રોલ (2026): સંજય દત્ત તાજેતરમાં 2026માં રિલીઝ થયેલી અરબી ફિલ્મ '7 Dogs' માં સ્પેશિયલ કેમિયો રોલમાં જોવા મળ્યા હતા, જેમાં તેમણે લાંબા સમય પછી સલમાન ખાન સાથે ઓન-સ્ક્રીન સ્પેસ શેર કરી હતી.
છેલ્લી થિયેટ્રિકલ રિલીઝ: તેમની છેલ્લે રિલીઝ થયેલી ફિલ્મ 'આખરી સવાલ' (Aakhri Sawal) હતી, જેનું નિર્દેશન અભિજીત મોહન વારંગે કર્યું હતું. આ પોલિટિકલ ડ્રામા ફિલ્મમાં નમાશી ચક્રવર્તી, અમિત સાધ, ત્રિધા ચૌધરી અને સમીરા રેડ્ડી પણ મુખ્ય ભૂમિકામાં હતા.
મરાઠી સિનેમા સાથે જોડાણ: સંજય દત્ત અગાઉ પણ કેટલીક મરાઠી ફિલ્મોના પ્રમોશનમાં અને નિર્માણ ક્ષેત્રે સહયોગ આપી ચૂક્યા છે, પરંતુ તેઓ પોતે જાહેર મંચ પર મરાઠી બોલવામાં હંમેશા સંકોચ અનુભવતા રહ્યા છે.








