Sanjay Dutt Marathi Language Controversy: બોલિવૂડ એક્ટર સંજય દત્ત મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા બોલવાનો ઇનકાર કરવા બદલ ભારે વિવાદોમાં ઘેરાઈ ગયા હતા. તાજેતરમાં ઠાણેમાં આયોજિત દહી હાંડી કાર્યક્રમ દરમિયાન શિવસેના (શિંદે જૂથ)ના નેતા અને મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે તેમને મરાઠીમાં વાત કરવા કહ્યું હતું. તે સમયે સંજય દત્તે મજાક ઉડાવતા કહ્યું હતું કે, તેઓ 6 વર્ષ યેરવડા જેલમાં રહ્યા છતાં મરાઠી શીખી શક્યા નથી. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર વિરોધ અને રાજકીય વિવાદ વધતાં સંજય દત્તે મંત્રી સરનાઈકને ફોન કરીને સત્તાવાર માફી માંગી છે.
ફોન પર બાલાસાહેબને પણ યાદ કર્યા
પ્રાપ્ત અહેવાલો મુજબ, પ્રતાપ સરનાઈક એક બેઠકમાં હતા ત્યારે સંજય દત્તનો ફોન આવ્યો હતો. સંજયે મરાઠીમાં "પ્રતાપ ભાઈ, જય મહારાષ્ટ્ર" કહીને વાતચીત શરૂ કરી હતી. તેણે સ્પષ્ટતા કરી કે, દહી હાંડીના કાર્યક્રમમાં તેમણે આ વાત માત્ર હળવાશથી મજાકમાં કહી હતી. જો તેનાથી કોઈની લાગણી દુભાઈ હોય તો તે માફી માંગે છે. સંજયે ઉમેર્યું કે, "મારો પરિવાર મુંબઈકર છે, હું આ જ માટીમાં મોટો થયો છું અને મહારાષ્ટ્ર મને ઘણું આપ્યું છે." આ દરમિયાન તેણે હિન્દુ હૃદયસમ્રાટ બાલાસાહેબ ઠાકરેને યાદ કરતા કહ્યું કે, મુશ્કેલ સમયમાં બાલાસાહેબ તેમના પરિવાર સાથે મજબૂતીથી ઊભા રહ્યા હતા.
જાણો શું હતો સમગ્ર મરાઠી ભાષા વિવાદ?
રવિવારે શિવસેના નેતા પ્રતાપ સરનાઈકના દહી હાંડી પ્રોગ્રામમાં સ્ટેજ પરથી સંજય દત્ત હિન્દીમાં ભાષણ આપી રહ્યા હતા ત્યારે સરનાઈકે માઈક લઈને કહ્યું કે, "આજકાલ હું બધાને મરાઠી શીખવી રહ્યો છું, તો કેમ નહિ સંજય દત્ત પણ મરાઠીમાં વાત કરે?" આ સાંભળીને સંજય દત્તે માઈક પર 'હર હર મહાદેવ'ના નારા લગાવ્યા અને કહ્યું કે, "પ્રતાપ ભાઈ, હું 6 વર્ષ યેરવડા જેલમાં રહ્યો છતાં મરાઠી શીખી શક્યો નથી."
ભાજપના ધારાસભ્યનો પ્રહાર અને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ
સંજય દત્તના આ વલણ પર ભાજપના ધારાસભ્ય નરેન્દ્ર મહેતાએ શિવસેનાના મંત્રી પર નિશાનો સાધ્યો હતો. તેમણે કહ્યું કે, "સામાન્ય રિક્ષા અને ટેક્સી ચાલકો પર મરાઠી ભાષાનું દબાણ લાવવામાં આવે છે, જ્યારે મોટા સેલેબ્સ ના પાડે તો હસી કાઢવામાં આવે છે, આ કેવો ન્યાય?" આ સિવાય સોશિયલ મીડિયા પર પણ લોકોએ સંજય દત્તને ટ્રોલ કરતાં કહ્યું કે, "આખી જીંદગી મુંબઈમાં રહ્યા છતાં મરાઠી ન આવડવી એ શરમજનક છે."
સંજય દત્તના ભૂતકાળના 3 સૌથી ચર્ચિત વિવાદો
2009 - TADA અને સભામાં નિવેદન: 2009ની લોકસભા ચૂંટણીમાં મૌ (યુપી) માં પ્રચાર કરતી વખતે સંજય દત્તે કહ્યું હતું કે તેમની માતા મુસ્લિમ હોવાના કારણે મુંબઈ બોમ્બ ધમાકા બાદ તેમના પરિવારને હેરાન કરવામાં આવ્યો હતો. ચૂંટણી પંચે આ સાંપ્રદાયિક નિવેદનની નોંધ લીધી હતી.
2016 - સલમાન ખાનને 'એરોગન્ટ' કહ્યો: એક ઈવેન્ટમાં સલમાન ખાન માટે એક શબ્દ વાપરવાનું કહેતા સંજયે 'એરોગન્ટ' (અહંકારી) કહ્યું હતું, જેનાથી બંને વચ્ચે અણબનાવની અફવાઓ વહેતી થઈ હતી.
2026 - 'ધુરંધર' ફિલ્મના ડાયલોગ પર વિવાદ: 2026માં રિલીઝ થયેલી ફિલ્મ 'ધુરંધર' માં સંજય દત્તના કિરદાર એસપી ચૌધરી અસલમના એક ડાયલોગ સામે બલોચ સમુદાયે વાંધો ઉઠાવ્યો હતો, જેથી થિયેટરમાં તે શબ્દ મ્યૂટ કરવો પડ્યો હતો.
મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા અને દહી હાંડી કલ્ચર
મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાનું મહત્ત્વ: મહારાષ્ટ્ર સરકાર અને સ્થાનિક પક્ષો (જેમ કે શિવસેના અને એમએનએસ) દ્વારા રાજ્યમાં સાઈનબોર્ડ, સરકારી કામકાજ અને જાહેર ક્ષેત્રોમાં મરાઠી ભાષાના કડક અમલ માટે અવારનવાર ઝુંબેશ ચલાવવામાં આવે છે.
મુંબઈનું દહી હાંડી અને બોલિવૂડ કનેક્શન: મુંબઈ અને ઠાણેની ગોવિંદા મંડળીઓ અને દહી હાંડી ઉત્સવોમાં બોલિવૂડ કલાકારોની હાજરી એક પ્રથા બની ગઈ છે, જ્યાં રાજકીય નેતાઓ પોતાના વિસ્તારમાં મોટા કલાકારોને આમંત્રિત કરે છે.








