Samay Raina requests Gujarat administration for live show: 'India's Got Latent' સીઝન-2ના છઠ્ઠા એપિસોડ દરમિયાન કોમેડિયન સમય રૈનાએ ગુજરાત અને અમદાવાદમાં શો કરવાની મંજૂરી હજુ સુધી ન મળી હોવાનું જણાવ્યું હતું. અમદાવાદના એક કન્ટેસ્ટન્ટે શહેરના લોકોને સમયના લાઈવ શોમાં આવવાની અપીલ કરી હતી. તેના જવાબમાં સમયે હાથ જોડીને અમદાવાદ અને ગુજરાતના અધિકારીઓને પોતાને શહેરમાં શો કરવાની મંજૂરી આપવા વિનંતી કરી હતી.
ગુજરાતમાં પરફોર્મ કરવાની મુશ્કેલી અંગેની વાત
સમયે કહ્યું કે તેને ગુજરાતમાં પરફોર્મ કરવું ખૂબ પસંદ છે, પરંતુ હજુ અમદાવાદમાં શો કરવાની પરવાનગી મળી નથી. આ સાંભળીને પેનલમાં હાજર અભિનેતા વરુણ ધવન પણ આશ્ચર્યચકિત થયો હતો અને તેણે સમયને પૂછ્યું કે શું તે તેની કોઈ મદદ કરી શકે છે. સમયે પણ મદદની જરૂર હોવાનું કહીને વરુણની ઓફર સ્વીકારી હતી. જોકે, ત્યારબાદ વરુણે મજાકિયા અંદાજમાં સમયને 'ચૂપ રહો' કહીને વાતાવરણ હળવું કરી દીધું હતું. બંને વચ્ચેની આ રમૂજી વાતચીતે પેનલ અને દર્શકોને હસાવ્યા હતા. સમયની ગુજરાતમાં પરફોર્મ કરવાની મુશ્કેલી અંગેની વાત ફરી એકવાર ચર્ચામાં આવી છે, ખાસ કરીને અગાઉના વિવાદ બાદ તેના શોની સ્થિતિને લઈને.
સમય રૈના સામે પણ ભારે વિરોધ અને કાનૂની ફરિયાદો
રણવીર અલ્લાહબાદિયાની વિવાદાસ્પદ ટિપ્પણીઓ ધરાવતા એપિસોડ બાદ સમય રૈના સામે પણ ભારે વિરોધ અને કાનૂની ફરિયાદો થઈ હતી. તેના પરિણામે ગુજરાતમાં અમદાવાદ અને સુરતના 17 માર્ચથી 27 એપ્રિલ 2025 વચ્ચે યોજાનારા શો રદ થયા હતા અને BookMyShow પરથી તેમની લિસ્ટિંગ હટાવવામાં આવી હતી. VHP દ્વારા પણ જાહેરમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિવાદ બાદ ઊભા થયેલા વિરોધને કારણે આ શો રદ કરવામાં આવ્યા હતા.








