Captain Smit Machhar: દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટ FZ1073માં ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છર પર કો-પાયલટે હુમલો કર્યા બાદ તેમણે ઘાયલ હાલતમાં પણ સમજદારીપૂર્વક પરિસ્થિતિ સંભાળી હતી. આ ઘટનાને લઈને દેશભરમાં કેપ્ટન સ્મિતની હિંમતની ચર્ચા થઈ રહી છે. બોલિવૂડના અનેક સેલેબ્સે પણ સોશિયલ મીડિયા પર તેમની પ્રશંસા કરી છે. શુક્રવારે મોડી રાત્રે સલમાન ખાને પણ કેપ્ટન સ્મિત માટે ખાસ પોસ્ટ શેર કરી હતી.
સલમાન ખાને કહ્યું- ‘કમાલ કરી દીયા પાયલટજી’
સલમાન ખાને પોતાના સત્તાવાર X અકાઉન્ટ પર કેપ્ટન સ્મિત મચ્છરની પ્રશંસા કરતા લખ્યું કે, ‘કમાલ કરી દીધા પાયલટજી, અમે સૌ તમને સલામ કરીએ છીએ. તમારી સાથે ઉડાન ભરવામાં ગર્વ અનુભવાશે. વેલ ડન ભાઈ કેપ્ટન સ્મિત મચ્છર.’ સલમાનની આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર પણ કેપ્ટન સ્મિતની બહાદુરીની ચર્ચા જોવા મળી રહી છે.
જાવેદ અખ્તરે કહ્યું- મહાવીર ચક્રના હકદાર
લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે પણ કેપ્ટન સ્મિતની બહાદુરીને બિરદાવી હતી. તેમણે X પર લખ્યું કે ફ્લાયદુબઈના કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરી અતુલનીય છે અને તેઓ કોઈપણ શંકા વિના મહાવીર ચક્ર જેવા મોટા સન્માનના હકદાર છે. જાવેદ અખ્તર ઉપરાંત શમિતા શેટ્ટી અને રિદ્ધિમા કપૂર સાહનીએ પણ સોશિયલ મીડિયા પર કેપ્ટન સ્મિતના સાહસની પ્રશંસા કરી હતી.
પરેશ રાવલે ‘ક્રાંતિવીર’નો ડાયલોગ યાદ કર્યો
અભિનેતા પરેશ રાવલે કેપ્ટન સ્મિતની અટક ‘મચ્છર’ને લઈને પોતાની ફિલ્મ ‘ક્રાંતિવીર’નો સંદર્ભ આપ્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે તેમને નાના પાટેકરનો ફિલ્મનો જાણીતો ડાયલોગ યાદ આવી રહ્યો છે- ‘એક મચ્છર આદમી કો...!’ અભિનેત્રી રવીના ટંડને પણ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર કેપ્ટન સ્મિત અંગે અનેક પોસ્ટ શેર કરી હતી અને તેમને સાચા હીરો ગણાવ્યા હતા.
રવિ કિશન, આર. માધવન અને વિજય દેવરકોંડાએ પણ કર્યા વખાણ
અભિનેતા અને સાંસદ રવિ કિશને કેપ્ટન સ્મિતને કર્તવ્ય પ્રત્યેની અતૂટ નિષ્ઠા અને અદમ્ય સાહસનું ઉદાહરણ ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ગંભીર રીતે ઘાયલ થયા બાદ પણ અન્ય લોકોની રક્ષા કરવી દરેક ભારતીય માટે ગર્વની વાત છે. બીજી તરફ, આર. માધવન અને વિજય દેવરકોંડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેપ્ટન સ્મિત અંગેની પોસ્ટ શેર કરી હતી. માધવને તેમના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી, જ્યારે વિજય દેવરકોંડાએ કેપ્ટને કરેલા કામને અવિશ્વસનીય ગણાવ્યું હતું.

ફ્લાયદુબઈની ફ્લાઈટમાં શું થયું હતું?
ફ્લાયદુબઈનું બોઇંગ 737 મેક્સ 8 વિમાન 174 મુસાફરોને લઈને દુબઈથી તેલ અવીવ જઈ રહ્યું હતું. પ્લેન સાઉદી અરેબિયાની એરસ્પેસમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે કોકપિટમાં ઓમાની કો-પાયલોટે કેપ્ટન સ્મિત મચ્છર પર કથિત રીતે ચાકુ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા હોવા છતાં કેપ્ટન સ્મિતે કોકપિટનો દરવાજો ખોલી દીધો હતો. ત્યારબાદ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ કોકપિટમાં પહોંચ્યા અને હુમલાખોરને કાબૂમાં લીધો. બાદમાં વિમાનને તબૂકમાં સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું.
PM મોદીએ પણ કેપ્ટન સ્મિત સાથે વાત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વીડિયો કૉલ દ્વારા વાત કરી હતી અને તેમના હાલચાલ પૂછ્યા હતા. PM મોદીએ X પર લખ્યું હતું કે કેપ્ટન સ્મિત એક હીરો છે. ગંભીર ખતરા અને ઈજા છતાં તેમણે અદમ્ય સાહસ બતાવ્યું અને તેમની બહાદુરીથી સેંકડો જિંદગીઓ બચી તથા મોટી દુર્ઘટના ટળી.
સ્પાઇસજેટમાં 11 વર્ષથી વધુ સમય કર્યો કામ
ફ્લાયદુબઈમાં જોડાતા પહેલાં કેપ્ટન સ્મિત મચ્છરે 11 વર્ષથી વધુ સમય સુધી સ્પાઇસજેટમાં પાઇલટ તરીકે કામ કર્યું હતું. આ દરમિયાન તેમણે 9,500 કલાકથી વધુ ઉડાન ભરી હતી, જેમાં 6,400 કલાકથી વધુ સમય પાઇલટ-ઇન-કમાન્ડ તરીકેનો હતો. જૂન 2022માં તેઓ ફ્લાયદુબઈ સાથે જોડાયા હતા. તેમની લિંક્ડઇન પ્રોફાઇલ મુજબ, તેમને કોમર્શિયલ વિમાન ઉડાવવાનો 13 વર્ષથી વધુનો અનુભવ છે અને તેમણે બોઇંગ 737 વિમાનો પર આશરે 9,750 કલાક ઉડાન ભરી છે.








