Salman Khan YouTube Channel: બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાને પોતાના ચાહકોને એક નવી સરપ્રાઈઝ આપી છે. સલમાને સત્તાવાર રીતે યુટ્યુબની દુનિયામાં પ્રવેશ કરીને પોતાની યુટ્યુબ ચેનલ લોન્ચ કરી છે. અભિનેતાએ સોશિયલ મીડિયા પર આ અંગેની જાહેરાત કરી હતી. તેઓ આ ચેનલ દ્વારા પોતાના અંગત અને વ્યાવસાયિક જીવન સાથે જોડાયેલી ખાસ ક્ષણો ચાહકો સાથે શેર કરશે. ચેનલ શરૂ થયાના માત્ર 9 કલાકમાં જ તેમના પરિચયના વીડિયોને 1.3 હજારથી વધુ વ્યૂઝ મળ્યા હતા.
સલમાન ખાને કરી યુટ્યુબ ચેનલની જાહેરાત
સલમાન ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ટૂંકો વીડિયો શેર કરીને યુટ્યુબ ચેનલ શરૂ કરવાની જાણકારી આપી હતી. આ વીડિયોમાં તેમણે સંકેત આપ્યો હતો કે ચેનલ પર અલગ-અલગ પ્રકારનું કન્ટેન્ટ જોવા મળશે. વીડિયો સાથે તેમણે લખ્યું હતું, “ચાલો શરૂઆતથી શરૂ કરીએ… મારી સત્તાવાર યુટ્યુબ ચેનલ—તમને અહીં A થી Z સુધી બધું જ જોવા મળશે.” તેમની આ જાહેરાત બાદ ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ચેનલનું બાયો રાખ્યું એકદમ સરળ
સલમાન ખાને પોતાની યુટ્યુબ ચેનલનું બાયો પણ સરળ રાખ્યું છે. તેમાં લખ્યું છે, “ફિલ્મ અભિનેતા, કલાકાર, ચિત્રકાર, સમાજસેવક આ મારી સત્તાવાર ચેનલ છે.” નોંધનીય છે કે જાહેરાતના વીડિયો પહેલાં જ ચેનલ પર આઠ શોર્ટ્સ ઉપલબ્ધ હતા. પરિચયના વીડિયોમાં સલમાન ખાન નારંગી રંગના શોર્ટ્સ પહેરેલા જોવા મળે છે. તેમનો આ કેઝ્યુઅલ લુક પણ ચાહકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.
‘બિગ બોસ 20’ને લઈને પણ ચર્ચામાં સલમાન
સલમાન ખાન હાલમાં રિયાલિટી શો ‘બિગ બોસ’ની 20મી સીઝન હોસ્ટ કરી રહ્યા છે. તાજેતરમાં ‘વીકેન્ડ કા વાર’ દરમિયાન તેમણે બોડી-શેમિંગ, ટ્રોલિંગ અને પાપારાઝી દ્વારા અયોગ્ય એંગલથી ફોટા પાડવા જેવા મુદ્દાઓ પર વાત કરી હતી. તેમના આ વલણની અનેક સેલિબ્રિટીઓએ પ્રશંસા કરી હતી. હવે યુટ્યુબ ચેનલના લોન્ચ સાથે સલમાન ફરી ચર્ચામાં આવ્યા છે.
આ બોલિવૂડ સ્ટાર્સની પણ છે યુટ્યુબ ચેનલ
સલમાન ખાન પહેલાં પણ અનેક બોલિવૂડ કલાકારો યુટ્યુબ પર પોતાની સત્તાવાર ચેનલ શરૂ કરી ચૂક્યા છે. આલિયા ભટ્ટ, જેકલીન ફર્નાન્ડિઝ, ફરાહ ખાન, અર્ચના પુરણ સિંહ, સોનાક્ષી સિંહા, નોરા ફતેહી, વરુણ ધવન અને શિલ્પા શેટ્ટી જેવા કલાકારો આ પ્લેટફોર્મ પર વ્લોગ્સ, ટ્રાવેલ, કૂકિંગ, ફિટનેસ અને બિહાઇન્ડ ધ સીન જેવા વીડિયો શેર કરે છે. હવે ચાહકો એ જોવા માટે ઉત્સુક છે કે સલમાન ખાન પોતાની ચેનલ પર કેવા પ્રકારનું કન્ટેન્ટ રજૂ કરશે.
ઈદ 2027માં નવી ફિલ્મની પણ ચર્ચા
વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન વંશી પૈડિપલ્લીના આગામી પ્રોજેક્ટ ‘SVC63’ સાથે પણ જોડાયેલા છે. આ ફિલ્મ ‘મોન્સ્ટર’ શીર્ષક હેઠળ ઈદ 2027ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની અપેક્ષા છે. એક તરફ ફિલ્મને લઈને ચર્ચા છે, તો બીજી તરફ યુટ્યુબ ચેનલ દ્વારા સલમાન ખાન હવે ડિજિટલ પ્લેટફોર્મ પર પણ ચાહકો સાથે સીધા જોડાવાની તૈયારીમાં છે.








