Salman Khan AI Deepfake: ‘બિગ બોસ 20’ના વીકએન્ડ કા વારમાં સલમાન ખાને AIના દુરુપયોગ અને સોશિયલ મીડિયા પર ફેલાતા ફેક વીડિયોને લઈને ભારે નારાજગી વ્યક્ત કરી છે. સલમાને કહ્યું કે લોકો AI દ્વારા અવાજ અને વીડિયો સાથે છેડછાડ કરીને સેલેબ્સને કંઈક બોલતા કે કરતા દેખાડે છે. તેમણે આવા કન્ટેન્ટને જાણી જોઈને બનાવનારા લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માગ કરી અને કહ્યું કે આવા લોકોને જેલમાં મોકલવા જોઈએ.
‘એક-બે લોકોને જેલમાં મોકલવા પડશે’
સલમાને કહ્યું કે કોઈ વ્યક્તિનો AI અવાજ લઈને તેને કોઈને ગાળો આપતા બતાવવામાં આવે છે. તેમણે પોતે પણ આવા AI વીડિયોમાં જોવા મળ્યા હોવાનું જણાવ્યું. તેમના જણાવ્યા મુજબ, કેટલાક લોકો AIથી બનાવેલા ફેક વીડિયો સાચા માનીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દે છે, પરંતુ જે લોકો આ વીડિયો બનાવે છે અને તે નકલી હોવાનું જાણતા હોવા છતાં ફેલાવે છે, તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. સલમાને કહ્યું કે જ્યાં સુધી એકાદ-બે લોકોને જેલમાં નહીં મોકલવામાં આવે ત્યાં સુધી આ પ્રકારનું કન્ટેન્ટ અટકશે નહીં. સાથે જ તેમણે સોશિયલ મીડિયા માટે વધુ કડક નિયમો અને સેન્સરશિપની જરૂરિયાતની વાત કરી હતી.
પાપારાઝીના ફોટોગ્રાફી ટ્રેન્ડ પર પણ સલમાન ભડક્યા
આ પહેલાંના ‘વીકએન્ડ કા વાર’ એપિસોડમાં સલમાને અભિનેત્રીઓની તસવીરો લેવાની પાપારાઝી સંસ્કૃતિ પર સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે કેટલીક વખત અભિનેત્રીઓના શરીરના ચોક્કસ ભાગોને ટાર્ગેટ કરીને તસવીરો લેવામાં આવે છે અને બાદમાં તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવે છે. સલમાને આવી તસવીરોથી અસહજ થતી મહિલાઓને તેનો વિરોધ કરવાની સલાહ પણ આપી હતી. સલમાને એ પણ સવાલ ઉઠાવ્યો હતો કે કોઈ વ્યક્તિ હાથમાં કેમેરો પકડી લે એટલે તેને પત્રકાર કેમ માની લેવો જોઈએ. તેમના જણાવ્યા મુજબ, પાપારાઝી અને અસલી પ્રેસે આવા લોકોને રોકવા જોઈએ.
સોશિયલ મીડિયા માટે ‘સેન્સર બોર્ડ’ જેવી વ્યવસ્થાની વાત
સલમાને કહ્યું હતું કે સોશિયલ મીડિયા પર લોકો પોતાના શબ્દો અને ટિપ્પણીઓ માટે જવાબદાર હોવા જોઈએ. તેમના મતે, ઇન્ફ્લુએન્સર્સ સોશિયલ મીડિયા પરથી કમાણી કરે છે અને રોજગારની દૃષ્ટિએ આ સારી બાબત છે, પરંતુ તેનો દુરુપયોગ ન થવો જોઈએ. તેમણે પોતાના AI વીડિયો અંગે કહ્યું કે ક્યારેક તેઓ પોતે પણ આવા વીડિયો જોઈને ચોંકી જાય છે, કારણ કે તેમાં અવાજ પણ ખૂબ વાસ્તવિક લાગે છે. સલમાને આ પ્રકારની ટેક્નોલોજીના દુરુપયોગને ગંભીર મુદ્દો ગણાવ્યો છે.
ફાતિમા સના શેખ સહિત સેલેબ્સે સલમાનની વાતને સમર્થન આપ્યું
‘બિગ બોસ 20’માં ફિલ્મ ‘હુકસ’ના પ્રમોશન માટે પહોંચેલી ફાતિમા સના શેખે પાપારાઝી અંગે સલમાન દ્વારા મુદ્દો ઉઠાવવામાં આવ્યો તેની પ્રશંસા કરી હતી. આ મુદ્દે નેહા ધૂપિયાએ પણ સલમાનના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી હતી. રિચા ચઢ્ઢાએ પણ ટ્રોલિંગ અને બોડી-શેમિંગ સામે સલમાનના વલણને સમર્થન આપ્યું હતું અને મહિલાઓ પ્રત્યે વધુ સંવેદનશીલતા રાખવાની વાત કરી હતી.
સલમાનના નિવેદન બાદ સોફિયા હયાતે લગાવ્યો ‘દંભ’નો આરોપ
બીજી તરફ, ‘બિગ બોસ 7’ની પૂર્વ સ્પર્ધક સોફિયા હયાતે સલમાનના અગાઉના બોડી-શેમિંગ વિરોધી નિવેદન પર સવાલ ઉઠાવ્યો હતો. તેણે સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે જ્યારે તે ‘બિગ બોસ’માં હતી ત્યારે સલમાને તેના શરીર અને ચહેરા અંગે ટિપ્પણી કરી હતી અને ગૌહર ખાનના શરીરની પ્રશંસા કરી હતી. આ આધારે સોફિયાએ સલમાનને ‘હિપોક્રિટિકલ’ ગણાવ્યો હતો. જોકે, બાદમાં સોફિયાએ સ્પષ્ટતા કરી હતી કે તેની ટીકા સલમાનના દેખાવ કે ઉંમર અંગે નહોતી.








