Riya Ahir Bigg Boss-20: NEET પરીક્ષામાં કથિત ગોટાળા અને પેપર લીક સામે થયેલા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન મુંબઈમાં પોલીસ વેન સામે અડીખમ ઊભી રહીને રાતોરાત સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી રિયા આહીર ફરી એકવાર ચર્ચામાં છે. તાજેતરમાં ટેલિવિઝન રિયાલિટી શો ‘બિગ બોસ-20’માં તેમની એન્ટ્રીને લઈને મોટો ડ્રામા જોવા મળ્યો હતો. જોકે, શોના સ્ટેજ પર પહોંચ્યા બાદ જનતાના વોટિંગમાં લવ ગિલ સામે હારી જતાં રિયા માત્ર 2 મિનિટમાં જ બિગ બોસના ઘરમાંથી બહાર થઈ ગઈ હતી.
NEETની ઉમેદવાર ન હોવા છતાં કેમ લીધો આટલો મોટો રિસ્ક?
મુંબઈના શિવાજી પાર્ક ખાતે NEETના સમર્થનમાં યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ વેન સામે લગભગ 40 મિનિટ સુધી ઊભા રહેવાનો રિયાનો વીડિયો વાયરલ થયો હતો. જ્યારે રિયા પોતે NEETની એસ્પિરન્ટ નથી છતાં તેણે વિદ્યાર્થીઓ માટે આટલું મોટું જોખમ કેમ લીધું? તેના જવાબમાં રિયાએ જણાવ્યું હતું કે, તેની પરવરિશ એવી રીતે થઈ છે કે કોઈ મુદ્દો તેને અંગત રીતે સ્પર્શે નહીં તો પણ નાગરિક તરીકે તેને અવાજ ઉઠાવવો જરૂરી લાગે છે. આ બાળકો દેશનું ભવિષ્ય છે અને પ્રિવિલેજ્ડ લાઇફ હોવાનો અર્થ એ નથી કે બીજાનું દર્દ ન સમજી શકાય.
'કેમેરા ન હોત તો પણ હું ત્યાં જ ઊભી હોત'
પબ્લિસિટી માટે પ્રદર્શન કરવાનો આરોપ લગાવનારાઓને જવાબ આપતાં રિયાએ કહ્યું કે, પ્રદર્શનના પહેલા જ દિવસે (21 તારીખે) જ્યારે કોઈ મીડિયા કે કેમેરા નહોતા ત્યારે પણ તે એકલી જઈને વિરોધમાં જોડાઈ હતી. તેણે અગાઉથી જ કાનૂની મદદ માટે વકીલોના નંબર શોધી રાખ્યા હતા કારણ કે, પોલીસ એક્શનની આશંકા હતી. CJP મૂવમેન્ટ સાથેના કનેક્શન પર સ્પષ્ટતા કરતા તેણે કહ્યું કે, તેનું કોઈ રાજકીય પાર્ટી કે સંગઠન સાથે પર્સનલ કનેક્શન નથી.
રાહુલ ગાંધીથી લઈને રાજ ઠાકરે સુધીના નેતાઓ સાથે મુલાકાત
આંદોલન દરમિયાન અને ત્યારબાદ રિયાએ રાહુલ ગાંધી, સુપ્રિયા સુલે, રાજ ઠાકરે, ઉદ્ધવ ઠાકરે, ડિમ્પલ યાદવ અને ધર્મેન્દ્ર યાદવ જેવા દેશના મોટા નેતાઓ સાથે મુલાકાત કરી હતી. તેમાંથી કોણ વધુ જેન્યુઇન લાગ્યું તે અંગે રિયાએ જણાવ્યું કે, કોઈ પણ નેતાએ તેની સાથે પોતાની પાર્ટીના સ્વાર્થની વાત નથી કરી. રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સમાં પણ માત્ર દેશના યુવાનો અને વિદ્યાર્થીઓની જ વાત થઈ હતી.
PM નરેન્દ્ર મોદી વિશે શું બોલી રિયા આહીર?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘જસ્ટ ડૂ યોર જોબ’ કહેનારા અગાઉના નિવેદન પર વાત કરતા રિયાએ પીએમ મોદીના કામના વખાણ કર્યા હતા. તેણે કહ્યું કે, આટલા મોટા દેશને ચલાવવો સરળ નથી, મોદી પાસે બહોળો અનુભવ અને પોટેન્શિયલ છે. દેશમાં થયેલા સારા કામો અને સ્ટાર્ટઅપ કલ્ચરનો શ્રેય PM મોદીને મળવો જોઈએ. જોકે, તેણે ઉમેર્યું કે વિરોધ પ્રદર્શન પછી મહિલાઓ સાથે થયેલી ગેરવર્તણૂક કે બર્બરતા પર પણ સરકારે જવાબ આપવો જોઈએ.
'જો રાહુલ ગાંધી PM હોત તો પણ હું તેમની સામે ઊભી રહેત'
રિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તેને કોઈ પાર્ટીના લેબલ (લેફ્ટિસ્ટ કે રાઇટિસ્ટ) સાથે બંધાવું નથી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું રાહુલ ગાંધીના શાસનમાં પેપર લીક કે પોલીસ એક્શન થઈ હોત તો શું તે વિરોધ કરત? ત્યારે રિયાએ કહ્યું, "એબ્સોલ્યુટલી, 100 ટકા." વિરોધ કરવા માટે કોઈ રાજકીય પાર્ટીનો ભાગ હોવું જરૂરી નથી.
વધારાની માહિતી
રિયા આહીર કોણ છે? રિયા આહીર (અસલી નામ: રિયા એકુસિયા) 27 વર્ષીય મુંબઈ સ્થિત મોડેલ, એક્ટ્રેસ, એન્કર અને આંત્રપ્રિન્યોર છે. તે મુંબઈ યુનિવર્સિટીમાંથી ડિસ્ટન્સ એજ્યુકેશન દ્વારા ઈંગ્લિશ લિટરેચરમાં અભ્યાસ કરે છે અને તેણે 13 વર્ષ સુધી થિયેટરની તાલીમ લીધી છે. આ સિવાય તે ‘રિચાસત’ નામના ફેશન બ્રાન્ડની સ્થાપક પણ છે, જે ભારતીય કારીગરો સાથે મળીને કામ કરે છે.
‘બિગ બોસ-20’માં ‘ફેન્સ કા ફેસલા’: બિગ બોસ-20ની શરૂઆતમાં મેકર્સે જનતાને વોટિંગ કરવાનો મોકો આપ્યો હતો. જેમાં રિયા આહીર અને મોડેલ/એક્ટ્રેસ લવ ગિલ વચ્ચે સ્પર્ધા હતી. જનતાએ લવ ગિલને પસંદ કરી અને રિયા સલમાન ખાન સાથે સ્ટેજ પરથી જ શોમાંથી બહાર થઈ ગઈ.
સ્ટંટ હોવાના આરોપો પર સફાઈ: સોશિયલ મીડિયા પર ફેમ મેળવવા કે બિગ બોસમાં એન્ટ્રી મેળવવા માટે આંદોલનનો ઉપયોગ કરવાનો આરોપ મૂકનારા ટ્રોલ્સને રિયાએ જવાબ આપ્યો હતો કે, આ પ્રદર્શન કોઈ પબ્લિસિટી સ્ટંટ નહોતો પણ એક નાગરિક તરીકે ફરજ બજાવવાનો પ્રયાસ હતો.








