Prem Chopra health update: દિગ્ગજ અભિનેતા પ્રેમ ચોપડાની નવેમ્બર મહિનામાં અચાનક તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેમના જમાઈ અને અભિનેતા શરમન જોશીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે, તેમના સસરાને શું થયું હતું અને હાલમાં તેમની તબિયત કેવી છે?
પ્રેમ ચોપડાને શું થયું હતું?
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા પ્રેમ ચોપડાને નવેમ્બરમાં હૃદય સંબંધિત સમસ્યા થવાથી મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. થોડા દિવસોની સારવાર બાદ તેમને ડિસ્ચાર્જ મળી ગયો હતો. હાલ તેમની તબિયત સારી છે અને તે ઘરે આરામ કરી રહ્યા છે. આ દરમિયાન પ્રેમ ચોપડાના જામાઈ શરમન જોશીએ તેમના સસરાની તબિયત વિશે ફેન્સને એક મોટું અપડેટ આપ્યું છે. શરમને જણાવ્યું કે તે વખતે એક્ટરને શું થયું હતું?
પ્રેમ ચોપડાની તબિયત અંગે શરમન જોશીનું અપડેટ
શરમન જોશીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ખાસ પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે તેમના સસરા અને દિગ્ગજ અભિનેતા પ્રેમ ચોપડાની તબિયત અંગે મોટી માહિતી આપી છે. શરમને જણાવ્યું કે પ્રેમ ચોપડાને એઓર્ટિક સ્ટેનોસિસની સમસ્યા થઈ હતી. ત્યારે તેમનો TAVI પ્રોસિજર કરાવવી પડી હતી. જોકે હવે તેમની તબિયતમાં સુધારો છે.
શરમન જોશીએ ફોટોઝ પણ શેર કર્યા
શરમન જોશીએ હોસ્પિટલમાં લીધેલ તે સમયની કેટલીક તસવીરો પણ શેર કરી છે. તસવીરોમાં તેમની સાથે પ્રેમ ચોપડા અને ડોક્ટર્સ દેખાઈ રહ્યા છે. અભિનેતા જીતેન્દ્ર પણ તસવીરોમાં જોવા મળે છે, જે તે સમયે પ્રેમ ચોપડાને મળવા હોસ્પિટલ ગયા હતા. પોસ્ટના કેપ્શનમાં શરમને લખ્યું છે, "અમારા સમગ્ર પરિવાર તરફથી હું કાર્ડિયોલોજિસ્ટ ડૉ. નિતિન ગોખલે અને ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. રવિંદર સિંહ રાવનો આભાર માનું છું. તેમણે મારા સસરા શ્રી પ્રેમ ચોપડા જીની ખૂબ સારી સારવાર કરી."
પ્રેમ ચોપડાની તબિયત હાલ કેવી છે?
પ્રેમ ચોપડાની તબિયત અંગે માહિતી આપતાં શરમન જોશીએ આગળ લખ્યું, "પપ્પાને ગંભીર એઓર્ટિક સ્ટેનોસિસ થયું હતું. ડૉ. રાવે સફળતાપૂર્વક TAVI પ્રોસિજર કરીને, ઓપન-હાર્ટ કર્યા વગર સર્જરી વાલ્વ બદલી દીધો. દરેક પગલે ડૉ. ગોખલેના માર્ગદર્શનથી અમને આત્મવિશ્વાસ રહ્યો. પપ્પા હવે ઘરે છે અને પહેલાં કરતા ઘણું સારું અનુભવી રહ્યા છે. અમને જે સપોર્ટ અને કાળજી મળી છે, તેના માટે અમે હંમેશા આભારી રહીશું."
ઇન્ડસ્ટ્રીના સૌથી મનપસંદ વિલન છે પ્રેમ ચોપડા
પ્રેમ ચોપડાની વાત કરીએ તો તેઓ હાલ 90 વર્ષના થઈ ગયા છે. પોતાના ફિલ્મી કરિયરમાં તેમણે 380થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે વિલન તરીકે તેમને ખૂબ મોટી ઓળખ મળી છે. તેઓ આજે પણ બોલિવૂડના સૌથી ઉત્તમ વિલનમાં ગણાય છે. તેમની ફિલ્મી સફર 6 દાયકાથી વધુ રહી છે. 90 વર્ષની ઉંમરે પણ તેઓ અભિનયમાં સક્રિય છે. છેલ્લે તેઓ 2024માં ટીવી સિરીઝ 'શો ટાઈમ' અને રણબીર કપૂર અભિનીત ફિલ્મ એનિમલમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળ્યા હતા.








