એન્ટરટેઇનમેન્ટ

750થી વધુ ફિલ્મો કરી, સ્ટાર બન્યો છતાં ગરીબીનો ડર નહીં ગયો! રવિ કિશને કહી દિલની વાત

11 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
750થી વધુ ફિલ્મો કરી, સ્ટાર બન્યો છતાં ગરીબીનો ડર નહીં ગયો! રવિ કિશને કહી દિલની વાત

Ravi Kishan Struggle Story: ગરીબીથી શરૂ થયેલી અને મુંબઈ સુધી પહોંચેલી રવિ કિશનની સફર આજે 750થી વધુ ફિલ્મો અને સંસદ સુધી પહોંચી છે. એક સમય એવો હતો જ્યારે પરિવારના 12 લોકો માટે એક જ ખીચડી બનતી અને પેટ ભરવા માટે તેમાં પાણી ઉમેરવું પડતું. ત્યારબાદ મુંબઈમાં વડાપાંઉ અને ચા પર દિવસો પસાર કર્યા અને લાંબા સમય સુધી સન્માનજનક મહેનતાણું પણ મળ્યું નહીં. આજે ભોજપુરી સિનેમાના સ્ટાર, બોલિવૂડ અને OTTના જાણીતા અભિનેતા તેમજ ગોરખપુરના સાંસદ હોવા છતાં રવિ કિશન કહે છે, કે ગરીબીનો ડર હજુ પણ તેમની અંદર ક્યાંક જીવંત છે.

વાર્તાની શરૂઆત માટીના ઘરથી થઈ
રવિ કિશનનો જન્મ 17 જુલાઈ 1969ના રોજ મુંબઈમાં થયો હતો, પરંતુ પરિવારની આર્થિક સ્થિતિને કારણે તેમનું બાળપણ ઉત્તર પ્રદેશના જૌનપુરમાં પસાર થયું. પરિવાર પર આર્થિક મુશ્કેલીઓ હતી અને ખેતર પણ ગીરવે મૂકાયું હતું. નાનપણથી જ તેમને અભિનયનો શોખ હતો અને તેઓ ગામની રામલીલામાં સીતાનું પાત્ર ભજવતા હતા. જો, કે તેમના પિતા તેમની આ પસંદગીની વિરુદ્ધ હતા અને ખેતી, સરકારી નોકરી અથવા દૂધના વ્યવસાયમાં જવા ઈચ્છતા હતા. રવિ કિશને પોતાના સંઘર્ષને યાદ કરતાં જણાવ્યું હતું, કે તેમના પરિવારે અત્યંત ગરીબી જોઈ છે. એક સમય એવો હતો જ્યારે 12 લોકો માટે માત્ર એક જ ખીચડી બનાવવામાં આવતી અને તેમાં પાણી ઉમેરીને પરિવારનું પેટ ભરવામાં આવતું. તેમના જણાવ્યા અનુસાર, આ ગરીબી માત્ર એક આર્થિક સ્થિતિ નહોતી, પરંતુ તેમના વ્યક્તિત્વનો પણ એક ભાગ બની ગઈ.

17 વર્ષની ઉંમરે ઘર છોડીને મુંબઈ પહોંચ્યા
અભિનયના સપનાને સાકાર કરવા રવિ કિશન 17 વર્ષની ઉંમરે મુંબઈ જતી ટ્રેનમાં બેસી ગયા હતા. તેમણે એક વાતચીત દરમિયાન પોતાના સંઘર્ષને યાદ કરતાં કહ્યું હતું કે લોકો મુંબઈમાં ચાલીને આવે છે, પરંતુ તેઓ જાણે રખડતા-રખડતા અહીં પહોંચ્યા હતા. મુંબઈ આવ્યા ત્યારે તેમની પાસે કોઈ ફિલ્મી બેકગ્રાઉન્ડ કે મજબૂત આર્થિક સહારો નહોતો. તેમના જણાવ્યા અનુસાર, તેમના પિતા અભિનય કારકિર્દીની વિરુદ્ધ હતા. તેમ છતાં રવિ કિશને પોતાનો નિર્ણય બદલ્યો નહીં. મુંબઈમાં શરૂઆતના દિવસોમાં તેમણે ભારે સંઘર્ષ કર્યો અને લાંબા સમય સુધી કામની શોધમાં રહ્યા.

હિન્દી ફિલ્મોમાં કામ મળ્યું, પરંતુ ઓળખ ન મળી
રવિ કિશને 1990ના દાયકામાં હિન્દી ફિલ્મોથી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી. તેમણે 'પિતામ્બર', 'આગ કા તુફાન', 'રાની ઔર મહારાની', 'ઝખ્મી દિલ', 'ઉધર કી જિંદગી', 'આતંક' અને 'અગ્નિ મોરચા' સહિતની ફિલ્મોમાં કામ કર્યું. જોકે, શરૂઆતની આ ફિલ્મોથી તેમને મોટી ઓળખ મળી નહીં. તેમના જણાવ્યા અનુસાર, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લગભગ 15 વર્ષ સુધી તેમને સન્માનજનક મહેનતાણું પણ મળ્યું નહોતું. રવિ કિશનને સલમાન ખાન અને ભૂમિકા ચાવલા અભિનિત ફિલ્મ 'તેરે નામ'થી હિન્દી દર્શકોમાં ખાસ ઓળખ મળી. ફિલ્મમાં તેમણે પંડિત રામેશ્વરની ભૂમિકા ભજવી હતી. તેમના જણાવ્યા અનુસાર, તેઓ નીતિન મનમોહનની ઓફિસમાં દિગ્દર્શક સતીશ કૌશિકને મળ્યા હતા, જ્યાં તેમને પંડિતની ભૂમિકા વિશે જણાવવામાં આવ્યું હતું. આ પાત્ર માટે રવિ કિશનને રાષ્ટ્રીય પુરસ્કાર માટે નોમિનેશન પણ મળ્યું હતું.

અપમાન પણ સહન કર્યું, પણ હાર ન માની
સતત કામ મળવા છતાં રવિ કિશનને લાંબા સમય સુધી ઈચ્છિત ઓળખ મળી નહોતી. તેમણે પોતાના અનુભવો વિશે વાત કરતાં કહ્યું હતું કે તેમને એક-બે વખત નહીં, પરંતુ હજારો વખત અપમાન સહન કરવું પડ્યું. તેમના મતે, જીવનમાં મળેલા આ સંઘર્ષ અને અપમાનને તેમણે નબળાઈ નહીં પરંતુ પોતાની તાકાત બનાવ્યા. હિન્દી ફિલ્મોમાં લાંબા સંઘર્ષ બાદ રવિ કિશનને ભોજપુરી સિનેમામાં મોટો બ્રેક મળ્યો. 2003માં તેમણે મોહનજી પ્રસાદની ફિલ્મ 'સૈયાં હમાર'થી ભોજપુરી સિનેમામાં પ્રવેશ કર્યો. શરૂઆતમાં તેઓ આ ઉદ્યોગને લઈને થોડા અનિશ્ચિત હતા, પરંતુ પરિવારના પ્રોત્સાહન બાદ તેમણે ભોજપુરી ફિલ્મોમાં કામ શરૂ કર્યું. આ નિર્ણય તેમની કારકિર્દીનો મોટો વળાંક સાબિત થયો. ભોજપુરી દર્શકોએ તેમને અપનાવ્યા અને તેઓ ઝડપથી સ્ટાર બની ગયા. ત્યારબાદ તેમને સતત ફિલ્મોની ઓફર મળવા લાગી અને તેમની લોકપ્રિયતા ઉત્તર ભારતમાં મોટા પાયે ફેલાઈ.

ભોજપુરી સ્ટારથી બહુભાષી અભિનેતા બન્યા
ભોજપુરી સિનેમામાં સફળતા મળ્યા બાદ રવિ કિશને પોતાની જાતને માત્ર એક ભાષા સુધી મર્યાદિત રાખી નહીં. તેમણે હિન્દી ઉપરાંત તેલુગુ, તમિલ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું. 'ફિર હેરા ફેરી', 'વેલકમ ટુ સજ્જનપુર', 'રાવણ', 'તનુ વેડ્સ મનુ' અને 'બુલેટ રાજા' જેવી હિન્દી ફિલ્મો ઉપરાંત તેમણે સાઉથની અનેક ફિલ્મોમાં પણ વિવિધ ભૂમિકાઓ ભજવી. રવિ કિશનની ખાસિયત એ રહી કે તેમણે માત્ર હીરોની ભૂમિકાઓ પર ભાર મૂક્યો નહીં. સહાયક પાત્રો, ખલનાયક અને કેરેક્ટર રોલ્સ પણ તેમણે સ્વીકાર્યા. જેના કારણે તેઓ સમય જતાં માત્ર ભોજપુરી સ્ટાર નહીં, પરંતુ વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવી શકતા અભિનેતા તરીકે ઓળખાયા.

ટીવી અને OTTમાં પણ બનાવી અલગ ઓળખ
ફિલ્મો ઉપરાંત રવિ કિશને ટીવી અને OTT પર પણ પોતાની અભિનય ક્ષમતા સાબિત કરી. 'રંગબાઝ', 'હસમુખ', 'મત્સ્ય કાંડ', 'ધ વ્હિસલબ્લોઅર', 'ખાકી: ધ બિહાર ચેપ્ટર' અને 'મામલા લીગલ હૈ' જેવા પ્રોજેક્ટ્સમાં તેમણે અલગ-અલગ પાત્રો ભજવ્યા. ખાસ કરીને 'મામલા લીગલ હૈ'માં વી.ડી. ત્યાગીના પાત્રને ડિજિટલ દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો. 'મિસિંગ લેડીઝ'માં પોલીસ અધિકારી શ્યામ મનોહરની ભૂમિકાએ પણ તેમના અભિનયનું અલગ પાસું દર્શાવ્યું. આ પાત્ર માટે તેમને દર્શકો અને વિવેચકો તરફથી પ્રશંસા મળી. 2006માં તેઓ 'બિગ બોસ'ની પ્રથમ સીઝનમાં પણ સ્પર્ધક બન્યા હતા અને ત્રીજા સ્થાને રહીને ફિનાલે સુધી પહોંચ્યા હતા.

750થી વધુ ફિલ્મોની સફર
રવિ કિશનના જણાવ્યા અનુસાર, તેમણે અનેક ભાષાઓમાં 750થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની ફિલ્મોગ્રાફીમાં હિન્દી, ભોજપુરી, તેલુગુ, તમિલ અને કન્નડ સિનેમાનો સમાવેશ થાય છે. જોકે, તેમના માટે આ સફર માત્ર ફિલ્મોની સંખ્યા સુધી મર્યાદિત નથી. અસ્વીકાર, આર્થિક મુશ્કેલીઓ અને સતત સંઘર્ષ વચ્ચે તેમણે પોતાની જાતને સમય સાથે બદલતા રાખી.

સાત સ્ટાર હોટેલમાં પણ ખીચડી પસંદ છે
રવિ કિશનની સફળતાની સૌથી રસપ્રદ વાત એ છે કે સ્ટારડમ અને રાજકીય કારકિર્દી બાદ પણ ગરીબીના દિવસોની અસર તેમના જીવનમાં જોવા મળે છે. તેમણે જણાવ્યું હતું કે આજે પણ સાત સ્ટાર હોટેલમાં જાય ત્યારે મોંઘું ભોજન મંગાવવામાં તેમને ખચકાટ થાય છે અને તેઓ ખીચડી ઓર્ડર કરવાનું પસંદ કરે છે. તેઓ પોતાના કરતાં પરિવાર પર ખર્ચ કરવામાં વધુ ખુશી અનુભવે છે. તેમના શબ્દોમાં, તેઓ ગરીબીમાંથી બહાર આવ્યા છે, પરંતુ ગરીબીની માનસિકતા હજુ પણ ક્યાંક તેમની અંદર છે. લાંબા સંઘર્ષે તેમને પૈસાની કિંમત અને જીવનમાં મળેલી સુવિધાઓ પ્રત્યે અલગ દૃષ્ટિકોણ આપ્યો છે. ફિલ્મોમાં સફળતા બાદ રવિ કિશને રાજકારણમાં પ્રવેશ કર્યો. 2014માં તેમણે કોંગ્રેસની ટિકિટ પર જૌનપુરથી લોકસભા ચૂંટણી લડી હતી, પરંતુ હારનો સામનો કરવો પડ્યો. ફેબ્રુઆરી 2017માં તેઓ ભાજપમાં જોડાયા અને 2019માં ગોરખપુરથી લોકસભા ચૂંટણી જીતીને પહેલીવાર સંસદ પહોંચ્યા. 2024માં તેમણે સપાના કાજલ નિષાદને હરાવીને ગોરખપુર બેઠક પરથી સતત બીજી વખત જીત મેળવી.

સંઘર્ષ આજે પણ પ્રેરણાનો સ્ત્રોત
રવિ કિશનની સફર ગરીબી અને સંઘર્ષથી શરૂ થઈને ભોજપુરી સિનેમાના સ્ટારડમ, બોલિવૂડ, OTT અને સંસદ સુધી પહોંચી છે. એક સમયે વડાપાંઉ અને ચા પર દિવસો પસાર કરનારા રવિ કિશને અપમાન અને અસ્વીકારને પોતાની નબળાઈ બનવા દીધા નહીં. આજે પણ તેઓ અલગ-અલગ પ્રકારની ભૂમિકાઓ સ્વીકારી રહ્યા છે અને તેમની કારકિર્દીની આ સફર સંઘર્ષમાંથી સફળતા સુધી પહોંચવાની કહાની તરીકે જોવામાં આવે છે.

Tags:
#OTTIndia#PovertyFear#IndianActor#StruggleStory#BollywoodNews
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026