Ranveer Singh Mimicking Devi Scene: અભિનેતા રણવીર સિંહ હાલમાં તેમની આગામી ફિલ્મ 'ધુરંધર'ને લઈને ચર્ચામાં છે, પરંતુ આ દિવસોમાં તેઓ એક મોટા વિવાદના કારણે સમાચારોમાં છે. ગોવામાં આયોજિત ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI)ના મંચ પર સુપરહિટ કન્નડ ફિલ્મ 'કાંતારા'માં દર્શાવવામાં આવેલ 'દૈવ નૃત્ય' એટલે કે ચામુંડા દેવીના એક્ટની મિમિક્રી કરવી રણવીર સિંહને ભારે પડી છે. આ કૃત્યથી અનેક હિંદુઓની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી હતી, જેના કારણે સોશિયલ મીડિયામાં તેમની આકરી ટીકા શરૂ થઈ હતી.
હિન્દુ સંગઠનોએ 'ચામુંડા દેવી'નું અપમાન કરવા બદલ કાયદેસરની કાર્યવાહીની માંગ કરી
IFFIના મંચ પર રણવીર સિંહે 'કાંતારા'ના મુખ્ય અભિનેતા રિષભ શેટ્ટીની સામે જ આ 'દૈવ એક્ટ'ની મિમિક્રી કરી હતી. આ એક્ટ મૂળભૂત રીતે ચામુંડા દેવીના નૃત્ય પર આધારિત છે અને તેને દક્ષિણ ભારતમાં ધાર્મિક વિધિ તરીકે જોવામાં આવે છે. આ કારણે આ વિવાદ એટલો વકર્યો કે હિન્દુ જનજાગૃતિ સમિતિ સહિત અનેક સંગઠનોએ 'ચામુંડા દેવી'નું અપમાન કરવા બદલ રણવીર સિંહ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી.
રિષભ શેટ્ટીએ મંચ પર જ વિનમ્રતાથી રોક્યો હતો
આ ઘટનાની સૌથી ચોંકાવનારી વિગત એ છે કે, 'કાંતારા' ફિલ્મના મુખ્ય અભિનેતા અને ડિરેક્ટર રિષભ શેટ્ટી મંચ પર તેમની સામે જ હાજર હતા. જ્યારે રણવીર સિંહે દૈવ એક્ટની મિમિક્રી શરૂ કરી, ત્યારે રિષભ શેટ્ટીએ વિનમ્રતાથી તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં, રણવીર સિંહે તેમની વાતને બરાબર સમજ્યા વિના મિમિક્રી ચાલુ રાખી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રણવીરનો વિરોધ વધુ મજબૂત બન્યો હતો.
ચોતરફ ટીકા બાદ આખરે રણવીરે માફી માંગી
સોશિયલ મીડિયા સહિત ચોતરફ ભારે ટીકા અને કાયદેસરની કાર્યવાહીની માંગણીઓ બાદ આખરે અભિનેતા રણવીર સિંહે શિર ઝુકાવ્યું છે. તેમણે તાત્કાલિક પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરીને આ મામલે માફી માગી છે. આ ઘટના પછી રણવીરની ઈમેજને મોટો ફટકો પડ્યો છે.
'મારો ઇરાદો લાગણી દુભાવવાનો નહોતો, માત્ર પર્ફોર્મન્સની પ્રશંસા કરતો હતો'
માફી માંગતા રણવીર સિંહે સ્પષ્ટતા કરી છે કે, "મારો ઇરાદો કોઈની પણ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નહોતો." તેમણે કહ્યું કે, "હું તો માત્ર ફિલ્મમાં રિષભ શેટ્ટીના જબરદસ્ત પર્ફોર્મન્સની પ્રશંસા કરી રહ્યો હતો. એક અભિનેતા જ સમજી શકે છે કે આવી કલા પ્રસ્તુત કરવા માટે કેટલી મહેનત કરવી પડે છે." તેમણે દેશની પરંપરાઓ અને સંસ્કૃતિઓનું સન્માન કરવાની વાત દોહરાવી અને દિલથી માફી માંગી.
'ધુરંધર'ના પ્રમોશન વચ્ચે વિવાદનો સામનો
નોંધનીય છે કે, અભિનેતા રણવીર સિંહ હાલમાં તેમની આગામી ફિલ્મ 'ધુરંધર'ના પ્રમોશનમાં વ્યસ્ત છે, જે 5 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મ રિલીઝ થવાના ગણતરીના દિવસો પહેલા જ આ પ્રકારનો મોટો વિવાદ ઊભો થતાં રણવીર સિંહને તેની કરિયર માટે નુકસાન પહોંચ્યું છે.








