Ramayana First Look 2026: રણબીર કપૂર સ્ટારર ફિલ્મ રામાયણના ફર્સ્ટ લુકની રાહ રામનવમી પર ખૂબ ઉત્સાહથી જોવામાં આવી રહી હતી. પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ જણાવ્યું છે કે, ફિલ્મનો ફર્સ્ટ લુક ક્યારે રિલીઝ થશે. આ જાહેરાત પછી રામાયણ માટે ફેન્સનો ઉત્સાહ વધુ વધશે.
રામાયણ વર્ષ 2026ની સૌથી મોટી ફિલ્મોમાંથી એક
નિતેશ તિવારીની રામાયણ વર્ષ 2026ની સૌથી મોટી ફિલ્મોમાંથી એક છે. લગભગ છેલ્લા એક દાયકાથી બની રહેલી આ ફિલ્મની દરેક અપડેટની રાહ લોકો આતુરતાથી જોઈ રહ્યા છે. આશા હતી કે રામનવમીના દિવસે ફિલ્મનો ફર્સ્ટ લુક અથવા કોઈ ટીઝર બહાર આવશે. એવી ખબર પણ આવી હતી કે મેકર્સ રામનવમી પર ફિલ્મની ગ્રાન્ડ લોન્ચ ઈવેન્ટ યોજવાનો પ્લાન કરી રહ્યા છે, પરંતુ તેની કોઈ પાક્કી પુષ્ટિ ન મળતાં ફેન્સ થોડા નિરાશ થયા છે. હવે, રામનવમીનો દિવસ ખાલી ન જવા દેતા પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ એક મોટું અપડેટ આપ્યું છે.
આ દિવસે આવશે 'રામ'
પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ શુક્રવારે, રામનવમીના દિવસે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી. તેમણે જણાવ્યું કે 2 એપ્રિલે, હનુમાન જયંતિના પ્રસંગે, રામાયણનો ફર્સ્ટ લુક શેર કરવામાં આવશે. 'શુભ રામનવમી' થી શરૂઆત કરીને તેમણે આપેલી માહિતી સૂચવે છે કે મેકર્સ ફિલ્મના પાત્રોને ઓળખાવતા પ્રોમોઝ રજૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. તેમણે લખ્યું, "આ એક એવી વાર્તા છે જે આપણાં બધાં સાથે જોડાયેલી છે અને અમે અમારી રામાયણને તેની અસલી ભાવના અને ભવ્યતા સાથે, ખૂબ જ જવાબદારી, શ્રદ્ધા અને કાળજી સાથે સ્ક્રીન પર લાવવા પ્રયત્ન કર્યો છે. અમે 2 એપ્રિલે હનુમાન જયંતીના શુભ અવસર પર અમારી ફિલ્મ 'રામ' ની આગામી ઝલક શેર કરવા માટે ઉત્સાહિત છીએ. અમે એક ભવ્ય લોન્ચ સાથે વિશ્વભરના ચાહકો સમક્ષ વર્ષોની મહેનત રજૂ કરવાની સફર શરૂ કરવા માટે તૈયાર છીએ. તમારા પ્રેમ, વિશ્વાસ અને ધીરજ બદલ આભાર.
દુનિયાની સૌથી મોંઘી ફિલ્મોમાંથી એક
રામાયણનો પહેલો ભાગ દિવાળી 2026માં અને બીજો ભાગ 2027માં રિલીઝ થશે. નમિતે પહેલેથી જ ખુલાસો કર્યો છે કે, આ પ્રોજેક્ટ લગભગ 4000 કરોડ રૂપિયામાં બની રહ્યો છે. આ વિશાળ બજેટ રામાયણને માત્ર ભારત જ નહીં, પણ દુનિયાની સૌથી મોંઘી ફિલ્મોમાંથી એક બનાવે છે. મોશન કૅપ્ચર અને ગ્રાફિક્સની મદદથી ડિરેક્ટર નિતેશ તિવારીએ રામાયણને એટલા ભવ્ય સ્તરે રજૂ કરવાનું વિઝન બનાવ્યું છે, જેમ આપણે પૌરાણિક વાર્તાઓ વાંચતાં કલ્પના કરીએ છીએ. તેથી ડેવલપમેન્ટ ફેઝથી લઈને દરેક તબક્કે ફેન્સમાં આ ફિલ્મ અંગે ભારે ઉત્સાહ રહ્યો છે.
કોણ કયું પાત્ર ભજવશે?
રામાયણમાં ભગવાન રામનું પાત્ર રણબીર કપૂર ભજવશે. માતા સીતાના રોલમાં સાઈ પલ્લવી, લક્ષ્મણ તરીકે રવિ દુબે અને સંકટમોચન હનુમાન તરીકે સની દેઓલ નજર આવશે. રાવણના પાત્રમાં KGF સ્ટાર યશની પસંદગી ફિલ્મની મોટી ખાસિયત ગણાય છે. આ ફિલ્મની રાહ ફેન્સ લાંબા સમયથી જોઈ રહ્યા છે, હવે હનુમાન જયંતિ પણ વધારે દૂર નથી. હવે માત્ર એટલું જ જોવાનું છે કે નિતેશ તિવારીની રામાયણની પહેલી ઝલક ફેન્સની અપેક્ષાઓ પર કેટલી ખરી ઉતરે છે?








