Rajpal Yadav check bounce: બોલિવૂડ અભિનેતા અને કોમેડિયન રાજપાલ યાદવની કાનૂની મુશ્કેલીઓ વધુ ઘેરી બની છે. ચેક બાઉન્સ અને નાણાકીય લેણદેણ સાથે જોડાયેલા જૂના કેસમાં 15 સપ્ટેમ્બર 2026ના રોજ સુપ્રીમ કોર્ટે તેમની સામે કડક વલણ અપનાવ્યું હતું. સુપ્રીમ કોર્ટની CJIની અધ્યક્ષતાવાળી બેન્ચે અગાઉના વ્યવહારને લઈને રાજપાલ યાદવની ટીકા કરતા કહ્યું હતું કે તેમના વર્તનને જોતા તેમના પર વિશ્વાસ કેવી રીતે કરી શકાય. કોર્ટે ટિપ્પણી કરી હતી કે તેઓ બોલિવૂડમાં ડ્રામા અને એક્ટિંગ માટે જાણીતા છે અને કોર્ટમાં પણ એવું જ કરી રહ્યા છે.
₹2 કરોડ આગામી બે અઠવાડિયામાં જમા કરાવવાનો અંતિમ મોકો
સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને ખાનગી ફરિયાદી તરફ બાકી રહેલી રકમમાંથી ₹2 કરોડ આગામી બે અઠવાડિયામાં જમા કરાવવાનો અંતિમ મોકો આપ્યો છે. સાથે જ તેમને પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. રાજપાલ તરફથી હાજર વકીલે કોર્ટને ખાતરી આપી હતી કે નિર્ધારિત સમયમર્યાદામાં ₹2 કરોડ જમા કરવામાં આવશે અને બાકીની રકમ માટે યોગ્ય શ્યોરિટી રજૂ કરવામાં આવશે. હાલ કોર્ટે અભિનેતાની ધરપકડ પરની રોક આગામી 5 ઓક્ટોબરે થનારી સુનાવણી સુધી લંબાવી છે.
આશરે ₹5 કરોડની લોન લીધી હતી
આ સમગ્ર કાનૂની વિવાદ વર્ષ 2010નો છે. ‘અતા પતા લાપતા’ ફિલ્મ બનાવવા માટે રાજપાલ યાદવ, તેમની પત્ની અને તેમની પ્રોડક્શન કંપનીએ ‘મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ’ પાસેથી આશરે ₹5 કરોડની લોન લીધી હતી. રકમ પરત કરવાની પ્રક્રિયા દરમિયાન રાજપાલ યાદવ દ્વારા આપવામાં આવેલા કુલ સાત ચેક બાઉન્સ થયા હતા. ત્યારબાદ મુરલી પ્રોજેક્ટ્સ દ્વારા નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળ કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. કેસ 2018માં ટ્રાયલ કોર્ટ સુધી પહોંચ્યો હતો અને 2024માં સેશન કોર્ટે રાજપાલ યાદવને દોષિત ઠેરવ્યા હતા.
₹1.35 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો
ત્યારબાદ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં ટ્રાયલ કોર્ટનો નિર્ણય યથાવત રાખીને રાજપાલ યાદવને ત્રણ મહિનાની જેલની સજા અને દરેક કેસમાં ₹1.35 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. હાઈકોર્ટના આ નિર્ણય સામે અભિનેતાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી અને અગાઉ તેમને જેલ જવાથી રાહત મળી હતી. જોકે, હવે સુપ્રીમ કોર્ટે નાણાકીય ચુકવણીને મહત્વની શરત બનાવી છે. જો બે અઠવાડિયામાં ₹2 કરોડ જમા નહીં થાય તો રાજપાલ યાદવ માટે કાનૂની મુશ્કેલીઓ વધુ ગંભીર બની શકે છે.








