National Film Awards: રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના 72 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આ પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહ નવી દિલ્હી બહાર ગુજરાતના એકતા નગર (કેવડિયા) ખાતે યોજાવા જઈ રહ્યો છે. 22 સપ્ટેમ્બર 2026ના રોજ યોજાનારા 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સના સ્થળ પરિવર્તનને લઈને મહારાષ્ટ્રના રાજકારણમાં વિરોધના સૂર ઉઠ્યા છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે, શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉત સહિતના નેતાઓએ આ નિર્ણય સામે સવાલો ઉઠાવ્યા છે.
દિલ્હીના મહત્વને પણ ઓછું કરવાનો પ્રયાસ
રાજ ઠાકરેએ સવાલ કર્યો છે કે મુંબઈનું મહત્વ ઘટાડ્યા બાદ હવે શું દિલ્હીના મહત્વને પણ ઓછું કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે? તેમણે દાદાસાહેબ ફાળકે દ્વારા મહારાષ્ટ્રમાં ભારતીય સિનેમાના પાયાની વાત કરતા કહ્યું કે તમિલનાડુ, કેરળ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણા જેવા રાજ્યોમાં પણ મોટા પાયે ફિલ્મો બને છે, તો પછી નેશનલ ફિલ્મ એવોર્ડ્સ માટે માત્ર ગુજરાતની પસંદગી કેમ કરવામાં આવી? બીજી તરફ સંજય રાઉતે આ નિર્ણયને રાજકીય એજન્ડા ગણાવી દેશભરના કલાકારોને એવોર્ડ સમારોહના બહિષ્કારની અપીલ કરી છે.
“શું ગુજરાત બાંગ્લાદેશ કે પાકિસ્તાનમાં છે?”
મહારાષ્ટ્રના નેતાઓના વિરોધ વચ્ચે અભિનેતા પરેશ રાવલે આ સમગ્ર વિવાદ પર તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે ગુજરાતમાં રાષ્ટ્રીય કાર્યક્રમ યોજવા સામે વાંધો ઉઠાવનારાઓને સવાલ કરતા કહ્યું કે, “શું ગુજરાત બાંગ્લાદેશ કે પાકિસ્તાનમાં છે?” તેમણે સ્પષ્ટ કર્યું કે ગુજરાત પણ ભારતનો જ એક ભાગ છે અને દેશના ભવ્ય રાષ્ટ્રીય કાર્યક્રમો કોઈપણ રાજ્યમાં યોજાઈ શકે છે. પરેશ રાવલના આ નિવેદનથી નેશનલ ફિલ્મ એવોર્ડ્સના સ્થળને લઈને ચાલી રહેલો રાજકીય અને ફિલ્મી વિવાદ વધુ ચર્ચામાં આવ્યો છે.
‘શ્યામચી આઈ’ને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની શરૂઆત 1954માં નવી દિલ્હીના વિજ્ઞાન ભવનથી થઈ હતી અને શરૂઆતમાં તેને ‘સ્ટેટ ફિલ્મ એવોર્ડ્સ’ તરીકે ઓળખવામાં આવતા હતા. પ્રથમ સમારોહમાં 1953માં રિલીઝ થયેલી મરાઠી ફિલ્મ ‘શ્યામચી આઈ’ને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. આ વર્ષે ‘આર્ટિકલ 370’ને સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ, ‘શ્રીકાંત’ને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મ અને રણદીપ હૂડાની ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ને બેસ્ટ ડેબ્યૂ ફિલ્મ ઓફ એ ડિરેક્ટરનો પુરસ્કાર મળ્યો છે. મમૂટી અને કાર્તિક આર્યનને લીડિંગ રોલમાં બેસ્ટ એક્ટરનો સંયુક્ત એવોર્ડ મળ્યો છે, જેમાં મમૂટી ચોથી વખત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત થશે.








