Malini Sharma Raaz Actress Farmstay Pune: વર્ષ 2002માં આવેલી બોલીવુડની સુપરહિટ હોરર ફિલ્મ 'રાઝ'માં પોતાની ડરામણી એક્ટિંગથી લોકોને થથરાવી દેનાર એક્ટ્રેસ માલિની શર્મા એકવાર ફરી અચાનક ચર્ચામાં આવી ગઈ છે. બે દાયકા કરતાં પણ વધુ સમયથી બોલીવુડથી સંપૂર્ણપણે દુર થઈ ગયેલી માલિનીની બદલાયેલી લાઈફસ્ટાઈલના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
પુણેના સહ્યાદ્રિ પર્વતો વચ્ચે શરૂ કર્યો ફાર્મસ્ટે 'The Slow Local'
બોલીવુડની લાઈમલાઈટ અને ફિલ્મોની ભાગદોડ છોડીને માલિની શર્માએ કુદરતના ખોળે શાંત જિંદગી જીવવાનું પસંદ કર્યું છે. તે હાલમાં પુણે નજીક આવેલી સહ્યાદ્રિની પહાડીઓમાં 'ધ સ્લો લોકલ' (The Slow Local) નામે એક ખૂબ જ સુંદર ફાર્મસ્ટે ચલાવે છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર જ્યારે લોકોએ તેને ઓળખી લીધી કે આ 'રાઝ' ની ફેમસ એક્ટ્રેસ જ છે, ત્યારે તેના ફાર્મસ્ટેની તસવીરો અને વીડિયો જોતજોતામાં વાયરલ થઈ ગયા હતા.
વાયરલ થતાં જ ફોન કોલ્સ અને મેસેજના ઢગલા થયા
આટલા વર્ષો પછી પણ ફેન્સનો અણધાર્યો પ્રેમ જોઈને માલિની શર્મા ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. માલિનીએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને ચાહકોનો આભાર માન્યો હતો. જોકે, તેણે ચાહકોને વિનંતી પણ કરી હતી. માલિનીએ જણાવ્યું કે, "અમારો ફાર્મસ્ટે ખૂબ નાનો છે. અચાનક હજારોની સંખ્યામાં ફોન કોલ્સ આવવાના કારણે અમારી ટીમ માટે બધા કોલ્સ પ્રોસેસ કરવા મુશ્કેલ બની રહ્યા છે." તેણે લોકોને ફાર્મસ્ટેના નંબર પર ડાયરેક્ટ કોલ કરવાના બદલે વોટ્સએપ પર સંપર્ક કરવા અપીલ કરી છે.
'રાઝ'માં ભૂત બનીને ફેન્સને ડરાવ્યા હતા
માલિની શર્માએ પોતાના કરિયરની શરૂઆત એક સફળ મોડેલ તરીકે કરી હતી. તે 'આપકે પ્યાર મેં' જેવા સુપરહિટ મ્યુઝિક વીડિયો અને લોકપ્રિય ટીવી સિરીઝ 'C.A.T.S.' માં જોવા મળી હતી. ત્યારબાદ 2002માં વિક્રમ ભટ્ટની ફિલ્મ 'રાઝ'માં બિપાશા બાસુ અને ડિનો મોરિયા સાથે તેણે હોરર પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ અને તેનું પાત્ર એટલું હિટ રહ્યું કે, લોકો આજે પણ તેને યાદ કરે છે. જોકે, આ સફળતા બાદ તેણે ધીમે-ધીમે એક્ટિંગમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી.
માલિની શર્મા અને ફિલ્મ 'રાઝ' અંગે વિશેષ માહિતી
મ્યુઝિક વીડિયોની ક્વીન: 'રાઝ' ફિલ્મ પહેલાં માલિની શર્મા અલ્તાફ રાજાના સુપરહિટ ગીત "તુ તો ઠહરા પરદેશી" અને પંકજ ઉધાસના સોંગ્સમાં મોડેલ તરીકે ચમકી ચૂકી હતી.
અંગત જીવન અને લગ્ન: માલિની શર્માએ 1997માં મોડેલ અને એક્ટર પ્રિયાંશુ ચેટર્જી (ફિલ્મ 'તુમ બિન' ફેમ) સાથે લગ્ન કર્યા હતા. જોકે, વર્ષ 2001માં જ તેમના ડિવોર્સ થઈ ગયા હતા, જેના પછી માલિનીએ ગ્લેમર વર્લ્ડથી અંતર બનાવી લીધું હતું.
'ધ સ્લો લોકલ' ફાર્મસ્ટેનો કોન્સેપ્ટ: માલિનીનો ફાર્મસ્ટે 'ઓર્ગેનિક લિવિંગ' અને 'ઓર્ગેનિક ફૂડ' પર આધારિત છે. તે પોતાના મહેમાનોને ઓર્ગેનિક ખેતી, પ્રકૃતિ અને સ્થાનિક મહારાષ્ટ્રીયન વાનગીઓનો અનોખો અનુભવ પૂરો પાડે છે.








