PM MODI BHAJAN CLUBBING SADHU TIWARI: નવી દિલ્હીમાં શુક્રવારે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની 110મી જન્મજયંતી નિમિત્તે દિલ્હીના દીનદયાળ ઉપાધ્યાય પાર્ક ખાતે વિશેષ 'ભજન ક્લબિંગ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન PM મોદી ભજનોનો આનંદ માણતા અને ખંજરી વગાડીને સંગીતની તાલ આપતા જોવા મળ્યા હતા.

સાધુ તિવારી અને વિશાળ ચતુર્વેદીની શાનદાર પ્રસ્તુતિ
આ કાર્યક્રમમાં તાજેતરમાં રિલીઝ થયેલી સુપરહિટ ફિલ્મ 'હનુમાન અંશ'ના ગાયક સાધુ તિવારીએ તેમનું પ્રખ્યાત ભજન 'જબ જીદ પર આ ગઈ પાર્વતી' રજૂ કર્યું હતું. આ સિવાય ફિલ્મ 'હનુમાન અંશ'ના ડિરેક્ટર વિશાળ ચતુર્વેદીએ પણ મંચ પરથી હનુમાન ચાલીસાનો પાઠ કરીને સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.
'પાર્વતી' ગીત ગાઈને ચર્ચામાં આવેલા સાધુ તિવારી કોણ છે?
'હનુમાન અંશ'ના પ્રખ્યાત ભજન 'જબ જીદ પર આ ગઈ પાર્વતી'ને સાધુ એસ. તિવારીએ પોતાનો અવાજ આપ્યો છે, તેમજ આ ગીતના બોલ અને મ્યુઝિક પણ તેમણે જાતે જ કમ્પોઝ કર્યું છે. આ ગીતમાં શિવ-પાર્વતીની કથાને ખૂબ જ સરળ શબ્દો અને દેશી અંદાજમાં રજૂ કરવામાં આવી છે. સાધુ તિવારી મૂળ મધ્યપ્રદેશના ગ્વાલિયર પાસેના કરહિયા ગામના રહેવાસી છે. ગામમાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેમણે ગ્વાલિયરની સાયન્સ કોલેજ અને કેન્સર હોસ્પિટલમાંથી અભ્યાસ કર્યો. સંગીતની તાલીમ તેમણે ગુરુ સંજય દેવલે પાસેથી લીધી હતી.

પ્રોફેસરથી બોલિવૂડ સિંગર બનવાની સફર
સંગીતમાં પ્રવેશતા પહેલા સાધુ તિવારી એક પ્રાઇવેટ કોલેજમાં બાયોકેમિસ્ટ્રીના લેક્ચરર તરીકે કામ કરતા હતા અને લગભગ 4 વર્ષ સુધી વિદ્યાર્થીઓને ભણાવ્યા હતા. વર્ષ 2010માં તેઓ મુંબઈ આવ્યા, જ્યાં જાણીતા મ્યુઝિક ડિરેક્ટર સંદેશ શાંડિલ્ય સાથે આસિસ્ટન્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ તેમને માધુરી દીક્ષિતની ફિલ્મ 'ગુલાબ ગેંગ'ના ગીત 'મૌજ કી મલારે' અને 'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' જેવી ફિલ્મોમાં કામ કરવાની તક મળી.
ડૉક્ટરમાંથી ડિરેક્ટર બનેલા વિશાળ ચતુર્વેદી
ફિલ્મ 'હનુમાન અંશ'ના ડિરેક્ટર 42 વર્ષીય વિશાળ ચતુર્વેદી ડાયરેક્ટર બનતા પહેલા વ્યવસાયે ડૉક્ટર હતા. તેઓ છેલ્લા 7-8 વર્ષથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. 2012માં આવેલી ફિલ્મ 'વોર્નિંગ' બાદ આ તેમની બીજી નિર્દેશિત ફિલ્મ છે. તેઓ એક યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે, જેમાં દરરોજ આશરે 10,000 લોકો એકસાથે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે.
'હનુમાન અંશ'નું બોક્સ ઓફિસ પર ધમાકેદાર કલેક્શન
બાબા નીમ કરોલીના જીવન અને તેમની શિક્ષાઓ પર આધારિત આ ફિલ્મે બોક્સ ઓફિસ પર હિસ્ટોરિક કલેક્શન કર્યું છે.
ભારતમાં નેટ કલેક્શન: ₹291.53 કરોડ
ભારતમાં ગ્રોસ કલેક્શન: ₹344.35 કરોડ
ઓવરસીઝ ગ્રોસ કલેક્શન: ₹37.00 કરોડ
વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન: ₹381.35 કરોડ

બે રાજ્યોમાં ટેક્સ ફ્રી અને અમિત શાહ સાથે મુલાકાત
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ ફિલ્મને ઉત્તરાખંડમાં ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી હતી, ત્યારબાદ છત્તીસગઢ સરકાર દ્વારા પણ તેને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. ફિલ્મની ભવ્ય સફળતા વચ્ચે 21 સપ્ટેમ્બરે ડિરેક્ટર વિશાળ ચતુર્વેદી અને લીડ એક્ટર શોભિનાવ સતૈયા સહિતની ટીમે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.








