Pawan Singh threat: સલમાન ખાન સાથે કામ કરવાનું પવન સિંહ માટે મુશ્કેલ બની ગયું છે. પહેલા તેમને ધમકી મળી અને પછી પૈસાની માંગ કરવામાં આવી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી મળેલી ધમકી બાદ અભિનેતાએ મુંબઈ પોલીસને બે અલગ અલગ ફરિયાદો આપી છે.
પવન સિંહને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ચેતવણી
ભોજપૂરી ઇન્ડસ્ટ્રીના પાવર સ્ટાર પવન સિંહ 'બિગ બોસ 19' માં ગેસ્ટ બનીને આવ્યા હતા અને ત્યારથી તેઓ મુશ્કેલીમાં ફસાયા છે. રિયાલિટી શોના ફિનાલેમાં તેમણે હોસ્ટ સલમાન ખાન સાથે સ્ટેજ શેર કર્યો હતો. પવન સિંહને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ચેતવણી આપવામાં આવી હતી કે તેઓ સલમાન સાથે સ્ટેજ શેર ન કરે. છતાંય, પાવર સ્ટારે ધમકીને અવગણીને સલમાન સાથે સ્ક્રીન શેર કરી.
પવન સિંહને મળી ધમકી
હવે આ મામલામાં નવો વળાંક આવ્યો છે. પવન સિંહે મુંબઈ પોલીસને બે અલગ અલગ ફરિયાદો આપી છે. તેમણે જણાવ્યું કે, તેમની પાસે પૈસા માંગવામાં આવ્યા છે અને ધમકી પણ આપવામાં આવી છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની એન્ટી-એક્સટોર્શન સેલને ફરિયાદ સોંપવામાં આવી છે. પવન સિંહ અને તેમની ટીમ થોડા સમય પછી ક્રાઇમ બ્રાન્ચના ઓફિસમાં જશે. પવન સિંહ સાથે જોડાયેલા અને તેમનું કામ સંભાળતા લોકોના નંબર પર, બિહારથી લઈને મુંબઈ સુધીના નંબરોથી મેસેજ મોકલવામાં આવ્યા છે. ઑડિઓ મેસેજ પણ મોકલાયો છે.
કપિલ પછી હવે પવન સિંહને લોરેન્સની ધમકી
આ પહેલાં કપિલ શર્માના શોમાં જ્યારે સલમાન ખાન ગેસ્ટ તરીકે આવ્યા હતા ત્યારે લોરેન્સની ગેંગે કપિલને ચેતવણી આપી હતી કે, તેઓ દબંગ ખાન સાથે સ્ક્રીન શેર ન કરે. સૂત્રોના જણાવ્યા મુજબ, પવન સિંહને બિગ બોસના ફિનાલેમાં જતાં પહેલા એક ફોન કોલ દ્વારા ધમકી આપવામાં આવી હતી. કોલ કરનારાએ પોતાને બિશ્નોઈ ગેંગનો સભ્ય બતાવ્યો અને પવન સિંહને કાર્યક્રમમાં જવાથી રોકવાનો પ્રયત્ન કર્યો. કોલમાં એમ કહેવામાં આવ્યું હતું કે, જો તેમણે સલમાન ખાન સાથે સ્ટેજ શેર કર્યો તો તેઓ આગળ કોઈ કામ કરી શકશે નહીં. સાથે જ પવન સિંહ પાસેથી મોટી રકમની માંગ પણ કરવામાં આવી.
પોલીસ તપાસ શરૂ
આ ઘટના બાદ પવન સિંહની ટીમે સુરક્ષા એજન્સીઓને આખી માહિતી આપી. પોલીસે મોબાઇલ નંબર અને કોલ ડિટેલ્સના આધારે તપાસ શરૂ કરી છે. કહેવાય છે કે ધમકીથી ભરેલા કોલમાં તેમને ગંભીર પરિણામોની ચેતવણી આપવામાં આવી હતી. છતાંય, પવન સિંહે ધમકીની ચિંતા કર્યા વગર બિગ બોસમાં હાજરી આપી. પોલીસ આ મામલાને સંવેદનશીલ માનીને સુરક્ષા વધારી રહી છે અને કોલ ક્યાંથી આવ્યો તે શોધવા પ્રયત્ન કરી રહી છે.
ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય સ્ટાર
પવન સિંહ ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય ચહેરાઓમાંના એક છે. બિગ બોસના ફિનાલેમાં તેમની એન્ટ્રીને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શોમાં પવન સિંહે સલમાન ખાન સામે ડાન્સ કર્યો હતો. તેઓ પોતે પણ નાચ્યા અને સલમાન ખાનને પણ નચાવ્યા હતા. તેમને TRP કિંગ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસોમાં તેઓ અનેક હિન્દી શોઝમાં જોવા મળી રહ્યા છે અને શોની શાન વધારી રહ્યા છે.








