Patrick Stewart Death News: હોલીવુડ અને રંગભૂમિના દિગ્ગજ અભિનેતા સર પેટ્રિક સ્ટુઅર્ટનું 86 વર્ષની વયે નિધન થયું છે. ‘સ્ટાર ટ્રેક: ધ નેક્સ્ટ જનરેશન’માં કેપ્ટન જીન-લુક પિકાર્ડ અને ‘એક્સ-મેન’ ફિલ્મોમાં પ્રોફેસર ચાર્લ્સ ઝેવિયરની યાદગાર ભૂમિકાઓથી વિશ્વભરમાં લોકપ્રિય બનેલા સ્ટુઅર્ટનું 28 ઓક્ટોબરે લોસ એન્જલસ સ્થિત નિવાસસ્થાને અવસાન થયું હતું. તેમના લાંબા સમયના પ્રવક્તા કેલી બુશ નોવાકે તેમના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ સમાચારની પુષ્ટિ કરી હતી. તેઓ અલ્ઝાઇમર રોગ અને લેવી બોડી ડિમેન્શિયા સામે લડી રહ્યા હતા. તેમના નિધનથી ફિલ્મ અને રંગભૂમિ જગતમાં શોકની લાગણી ફેલાઈ છે.
પરિવારની હાજરીમાં લીધા અંતિમ શ્વાસ
પેટ્રિક સ્ટુઅર્ટના પ્રવક્તા કેલી બુશ નોવાકે તેમના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પરિવાર તરફથી નિવેદન જાહેર કર્યું હતું. તેમાં જણાવાયું હતું કે સ્ટુઅર્ટનું લોસ એન્જલસ ખાતે પત્ની સની ઓઝેલની હાજરીમાં અવસાન થયું હતું. પરિવારના નિવેદન મુજબ, તેમણે અંતિમ સમય પરિવાર અને મિત્રો વચ્ચે સંગીત, પ્રાર્થના, આંસુ અને હાસ્યની લાગણીઓ સાથે વિતાવ્યો હતો. પરિવારે ફૂલો મોકલવાને બદલે અલ્ઝાઇમર રોગના સંશોધન અને દર્દીઓની સંભાળ સાથે જોડાયેલી સંસ્થાઓને દાન આપવા અપીલ કરી છે. તેમાં જોન્સ હોપકિન્સ અલ્ઝાઇમર ડિસીઝ રિસર્ચ સેન્ટર અને અલ્ઝાઇમર ફાઉન્ડેશન ઓફ અમેરિકાનો સમાવેશ થાય છે.
હ્યુ જેકમેન અને વિલિયમ શેટનરે આપી શ્રદ્ધાંજલિ
પેટ્રિક સ્ટુઅર્ટના નિધનના સમાચાર સામે આવ્યા બાદ તેમના સહકલાકારો અને ફિલ્મ જગતની હસ્તીઓએ તેમને યાદ કર્યા હતા. ‘એક્સ-મેન’માં વોલ્વરાઇનની ભૂમિકા ભજવનારા હ્યુ જેકમેને ભાવનાત્મક સંદેશ દ્વારા સ્ટુઅર્ટને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે પેટ્રિકને અદભુત અભિનેતા અને સારા મિત્ર ગણાવ્યા હતા. તેમની પાસેથી ઘણું શીખવા મળ્યું હોવાનું જણાવી જેકમેને તેમની સાથે વિતાવેલી ક્ષણોને યાદ કરી હતી. ‘સ્ટાર ટ્રેક’માં કેપ્ટન જેમ્સ ટી. કિર્કનું પાત્ર ભજવનારા વિલિયમ શેટનરે પણ શોક વ્યક્ત કર્યો હતો. તેમણે સ્ટુઅર્ટને મિત્ર, સાથી કલાકાર અને પ્રતિભાશાળી અભિનેતા ગણાવ્યા હતા. કેપ્ટન પિકાર્ડના પાત્ર દ્વારા તેમણે દર્શકો સુધી માનવતા અને સમજણનો સંદેશ પહોંચાડ્યો હોવાનું શેટનરે જણાવ્યું હતું.માર્વેલ સ્ટુડિયોએ પણ સત્તાવાર નિવેદન જાહેર કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. સ્ટુડિયોએ જણાવ્યું હતું કે પેટ્રિક સ્ટુઅર્ટે પ્રોફેસર ચાર્લ્સ ઝેવિયરના પાત્રને ગૌરવ, બુદ્ધિમત્તા અને માનવતાથી જીવંત બનાવ્યું હતું અને અનેક પેઢીઓના દર્શકો માટે તેને યાદગાર બનાવ્યું હતું.

'સ્ટાર ટ્રેક'થી 'એક્સ-મેન' સુધી યાદગાર સફર
પેટ્રિક સ્ટુઅર્ટને સૌથી વધુ લોકપ્રિયતા 1987થી 1994 દરમિયાન પ્રસારિત થયેલી ટીવી શ્રેણી ‘સ્ટાર ટ્રેક: ધ નેક્સ્ટ જનરેશન’થી મળી હતી. તેમાં તેમણે કેપ્ટન જીન-લુક પિકાર્ડની ભૂમિકા ભજવી હતી. આ પાત્ર તેમની ઓળખ બની ગયું હતું અને ત્યારબાદ પણ તેમણે ‘સ્ટાર ટ્રેક’ની ફિલ્મો તથા અન્ય પ્રોજેક્ટ્સમાં આ ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત, ‘એક્સ-મેન’ ફ્રેન્ચાઇઝીમાં પ્રોફેસર ચાર્લ્સ ઝેવિયર તરીકેનો તેમનો અભિનય પણ વિશ્વભરમાં વખણાયો હતો. તેમની ગંભીર અવાજશૈલી, સંવાદ રજૂ કરવાની અનોખી રીત અને વ્યક્તિત્વે આ બંને પાત્રોને વિશેષ ઓળખ અપાવી હતી.
રંગભૂમિમાં પણ આપ્યું મહત્ત્વપૂર્ણ યોગદાન
પેટ્રિક સ્ટુઅર્ટની કારકિર્દી માત્ર ફિલ્મો અને ટેલિવિઝન પૂરતી મર્યાદિત નહોતી. તેમણે રોયલ શેક્સપિયર કંપની સાથે લાંબા સમય સુધી કામ કર્યું હતું અને ‘મેકબેથ’, ‘હેમ્લેટ’ તથા ‘એન્ટની એન્ડ ક્લિયોપેટ્રા’ જેવા નાટકોમાં અભિનય કર્યો હતો. તેમના અભિનય માટે તેમને અનેક પુરસ્કારો અને સન્માન મળ્યાં હતાં. ‘પીટર એન્ડ ધ વુલ્ફ’ના નેરેશન માટે તેમને ગ્રેમી એવોર્ડ પણ મળ્યો હતો. વર્ષ 2010માં બ્રિટિશ નાટ્યક્ષેત્રમાં તેમના યોગદાન બદલ મહારાણી એલિઝાબેથ દ્વિતીયે તેમને નાઇટહૂડથી સન્માનિત કર્યા હતા.
પત્ની સની ઓઝેલ અને બે બાળકોને છોડીને ગયા
પેટ્રિક સ્ટુઅર્ટના પરિવારમાં તેમની પત્ની સની ઓઝેલ અને બે બાળકો ડેનિયલ તથા સોફિયાનો સમાવેશ થાય છે. સની ઓઝેલ ગાયિકા અને ગીતકાર છે. સ્ટુઅર્ટનાં બંને બાળકો તેમની પ્રથમ પત્ની અને અભિનેત્રી શીલા ફાલ્કનરથી છે.
'એવેન્જર્સ: ડૂમ્સડે'માં જોવા મળશે અંતિમ ફિલ્મી ભૂમિકા
પેટ્રિક સ્ટુઅર્ટના ચાહકો માટે તેમની આગામી ફિલ્મ ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ ખાસ બની શકે છે. માર્વેલની આ ફિલ્મમાં તેઓ પ્રોફેસર ચાર્લ્સ ઝેવિયરના પાત્રમાં ફરી જોવા મળવાના છે. ફિલ્મનું નિર્ધારિત રિલીઝ શેડ્યૂલ ડિસેમ્બર 2026નું છે. તેમના નિધન બાદ આ ફિલ્મમાં તેમનો દેખાવ ચાહકો માટે વધુ ભાવનાત્મક બની શકે છે. છ દાયકાથી વધુ સમય સુધી થિયેટર, ટેલિવિઝન અને સિનેમામાં પોતાની પ્રતિભાની છાપ છોડનારા પેટ્રિક સ્ટુઅર્ટ હવે ભલે આપણી વચ્ચે નથી, પરંતુ કેપ્ટન પિકાર્ડ અને પ્રોફેસર ઝેવિયર જેવા પાત્રો દ્વારા તેઓ દર્શકોની યાદોમાં હંમેશાં જીવંત રહેશે.








