Panchayat Movie Adaptation: તાજેતરમાં જ સુપરહિટ વેબ સીરીઝ 'મિર્ઝાપુર' પર આધારિત ફિલ્મ લાવવાની જાહેરાત બાદ મનોરંજન જગતમાં એક નવો જ ટ્રેન્ડ શરૂ થયો છે. દરેક લોકપ્રિય ઓટીટી સીરીઝને મોટા પડદા પર ફિલ્મ તરીકે ઉતારવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આવા સમયે દર્શકો અને ચાહકોના મનમાં એક જ સવાલ ઘૂમી રહ્યો છે કે, શું દેશભરમાં ધૂમ મચાવનાર અને ગામડાની મીઠી સુંગધ ધરાવતી 'પંચાયત' સીરીઝ પર પણ બિગ સ્ક્રીન ફિલ્મ બનશે? આ ચર્ચા વચ્ચે સીરીઝમાં 'બ્રિજ ભૂષણ દુબે' એટલે કે પ્રધાનજીનું દમદાર પાત્ર ભજવનાર વરિષ્ઠ અભિનેતા રઘુબીર યાદવે પોતાનો સ્પષ્ટ અને સચોટ અભિપ્રાય આપ્યો છે.
રઘુબીર યાદવે શું કહ્યું?
એક ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે રઘુબીર યાદવને પૂછવામાં આવ્યું કે શું 'પંચાયત' પરથી 3 કલાકની ફીચર ફિલ્મ બની શકે? ત્યારે તેમણે ખૂબ જ પરિપક્વતાથી જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, "આ નિર્ણય સંપૂર્ણપણે લેખક અને ક્રિએટર્સના હાથમાં છે. જો તેઓ ફિલ્મ બનાવશે તો હું ચોક્કસપણે કામ કરીશ. પરંતુ મને વ્યક્તિગત રીતે લાગે છે કે લેખકના મગજમાં આ સીરીઝની આગળની ઘણી સીઝન્સનો પ્લાન હોઈ શકે છે. તો પછી એક ફિલ્મ બનાવીને આગળ આવનારી સીઝન્સની મજા કેમ બગાડવી?"
3 કલાકમાં ફૂલેરાની દુનિયા સમાવવી મુશ્કેલ
ગામડાના જીવનને ખૂબ જ નજીકથી જીવી ચૂકેલા રઘુબીર યાદવે વધુમાં સમજાવ્યું કે 'પંચાયત'ની વાર્તા અને તેના પાત્રો એટલા ઊંડા છે કે તેમને 3 થી 4 કલાકની ફિલ્મમાં સીમિત કરવા ખૂબ જ મુશ્કેલ છે. ફૂલેરા ગામમાં માત્ર સચિવજી (જિતેન્દ્ર કુમાર) જ મુખ્ય નથી, પરંતુ મંજુ દેવી, બનરાકસ, પ્રધાનજી, વિનોદ અને વિકાસ જેવા દરેક પાત્રની પોતાની એક આગવી ઓળખ, વાર્તા અને સંબંધો છે. આવી પરિસ્થિતિમાં ફિલ્મની સમયમર્યાદામાં આ બધા પાત્રો સાથે યોગ્ય ન્યાય કરવો અશક્ય બની જાય છે.
'પંચાયત સીઝન 5' અંગે દર્શકોની આતુરતા
બીજી તરફ, 'પંચાયત'ના ચાહકો માટે ખુશીના સમાચાર એ છે કે સીરીઝની આગામી સીઝન પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. સીઝન 4 ના રોમાંચક અને ટ્વિસ્ટથી ભરેલા અંત પછી, હવે દર્શકો 'પંચાયત સીઝન 5' ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સીરીઝને નિર્માતાઓએ ઓક્ટોબર-નવેમ્બર 2026 દરમિયાન રિલીઝ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ફૂલેરા ગામમાં રાજકીય ગરમાવો અને સચિવજીના જીવનમાં આવતા નવા મોડ આગામી સીઝનમાં મનોરંજનનો નવો તડકો લગાવશે.
ઓટીટી સીરીઝ અને થિયેટર કન્ટેન્ટનો તફાવત
એક સફળ વેબ સીરીઝને ફિલ્મમાં બદલવી એ માત્ર વાર્તા ટૂંકી કરવાનો ખેલ નથી, પરંતુ તેમાં વાર્તાની ભાવના જળવાઈ રહે તે સૌથી મહત્વનું છે. 'પંચાયત' સીરીઝ તેની ધીમી, સહજ અને હૃદયસ્પર્શી વાર્તા શૈલી માટે જાણીતી છે. જો તેને 3 કલાકના થિયેટ્રિકલ ફોર્મેટમાં ઉતાવળે રજૂ કરવામાં આવે તો તેનો મૂળ આત્મા ગાયબ થઈ જવાનો ભય રહે છે. રઘુબીર યાદવના આ નિવેદન પરથી એ સ્પષ્ટ થાય છે કે ટીમ હાલમાં કોઈ પણ પ્રકારની ઉતાવળ કર્યા વગર સીરીઝના ફોર્મેટમાં જ દર્શકોને મનોરંજન પીરસવા માગે છે.








