Police Complaint Against Palash Muchhal: જાણીતા સંગીતકાર અને દિગ્દર્શક પલાશ મુછલ ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાયા છે. સ્ટાર ક્રિકેટર સ્મૃતિ મંધાના સાથેના લગ્ન તૂટ્યા બાદ પલાશ હવે નાણાકીય છેતરપિંડીના ગંભીર આરોપોનો સામનો કરી રહ્યા છે. મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં એક ફિલ્મ ફાઈનાન્સર દ્વારા પલાશ મુછલ વિરુદ્ધ ₹40 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ મામલે પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી દીધી છે.
શું છે સમગ્ર મામલો?
સાંગલીના રહેવાસી અને વ્યવસાયે ફિલ્મ ફાઈનાન્સર વિજ્ઞાન માનેએ પોલીસમાં લેખિત ફરિયાદ આપી છે. વિજ્ઞાન માનેના જણાવ્યા મુજબ, તેઓ સ્મૃતિ મંધાનાના બાળપણના મિત્ર છે. સ્મૃતિના પિતા શ્રીનિવાસ મંધાનાએ જ સાંગલીની મુલાકાત દરમિયાન પલાશ મુછલ સાથે તેમનો પરિચય કરાવ્યો હતો.
ફિલ્મ બનાવવા માટે વિજ્ઞાન માને પાસેથી પૈસા લીધા
ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે પલાશે "નઝારિયા" નામની ફિલ્મ બનાવવા માટે વિજ્ઞાન માને પાસેથી પૈસા લીધા હતા. પલાશે વચન આપ્યું હતું કે તે આ ફિલ્મનું દિગ્દર્શન કરશે અને નિર્માતા તરીકે રોકાણ પણ કરશે. ઉપરાંત, વિજ્ઞાન માનેને ફિલ્મમાં અભિનયની તક આપવાનું અને OTT પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝ થયા બાદ ₹12 લાખનું વળતર પરત કરવાનું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું.
પૈસા માંગતા ફોન બ્લોક કર્યો હોવાનો આક્ષેપ
ફરિયાદી વિજ્ઞાન માનેએ જણાવ્યું હતું કે, ઘણો સમય વીતવા છતાં પ્રોજેક્ટ પૂર્ણ થયો ન હતો. જ્યારે તેમણે પલાશ પાસેથી પોતાના પૈસા પરત માંગ્યા, ત્યારે શરૂઆતમાં પલાશે પૈસા આપવાની હા પાડી હતી, પરંતુ ત્યારબાદ સંપર્ક તોડી નાખ્યો હતો અને ફરિયાદીનો નંબર બ્લોક કરી દીધો હતો. વિજ્ઞાન માનેએ નાણાકીય વ્યવહારના તમામ પુરાવા પોલીસને સોંપ્યા છે અને ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 406 (વિશ્વાસઘાત) અને 420 (છેતરપિંડી) હેઠળ ગુનો નોંધવા માંગ કરી છે. સાંગલીના પોલીસ અધિક્ષકે પુષ્ટિ કરી છે કે ફરિયાદ મળી છે અને હાલ તેની ખરાઈ કરવામાં આવી રહી છે.
સ્મૃતિ મંધાના સાથેના લગ્ન કેમ તૂટ્યા?
પલાશ અને સ્મૃતિના છ વર્ષ જૂના સંબંધો ગયા નવેમ્બરમાં લગ્ન સુધી પહોંચ્યા હતા. 23 નવેમ્બરે લગ્ન થવાના હતા અને હલ્દી-મહેંદીના સમારોહ પણ શરૂ થઈ ગયા હતા, પરંતુ અચાનક લગ્ન રદ કરવામાં આવ્યા. સત્તાવાર રીતે સ્મૃતિના પિતાની નાદુરસ્ત તબિયતનું કારણ આપવામાં આવ્યું હતું, પરંતુ અંદરખાને પલાશની એક કથિત ચેટ વાયરલ થઈ હતી જેમાં તેના પર છેતરપિંડીના આરોપો લાગ્યા હતા. આ વિવાદ એટલો વધ્યો કે સ્મૃતિએ ઇન્સ્ટાગ્રામ પરથી લગ્નના તમામ વીડિયો અને ફોટા ડિલીટ કરી દીધા હતા. બંનેએ સોશિયલ મીડિયા પર 'મૂવ ઓન' થવા અંગેની પોસ્ટ મૂકીને પુષ્ટિ કરી હતી કે હવે તેઓ સાથે નથી.
વર્તમાન સ્થિતિ
લગ્ન તૂટ્યા બાદ સ્મૃતિ મંધાના અત્યારે સંપૂર્ણપણે પોતાની ક્રિકેટ કારકિર્દી પર ધ્યાન આપી રહી છે, જ્યારે પલાશ મુછલે તાજેતરમાં જ અભિનેતા શ્રેયસ તલપડે સાથે એક નવી ફિલ્મની જાહેરાત કરી છે. જોકે, સાંગલીમાં નોંધાયેલી આ ફરિયાદ પલાશની મુશ્કેલીઓ વધારી શકે તેમ છે.








