Niti Taylor Shocking Revelation: ટીવી જગતની લોકપ્રિય અને જાણીતી અભિનેત્રી નીતિ ટેલરે તાજેતરમાં જ પોતાના ભૂતકાળના રિલેશનશિપને લઈને એક અત્યંત ચોંકાવનારો અને દર્દનાક ખુલાસો કર્યો છે. અભિનેત્રીએ જણાવ્યું કે તેણે ભૂતકાળમાં એવા સંબંધનો સામનો કર્યો છે જ્યાં તેને માનસિક અને શારીરિક બંને પ્રકારે ભારે ટોર્ચર કરવામાં આવતું હતું. 'કૈસી યે યારીયાં' જેવા પ્રખ્યાત શોથી ઘર-ઘરમાં જાણીતી બનેલી નીતિએ પોતાના આ કડવા અનુભવ વિશે ખુલીને વાત કરી છે, જેને જાણીને તેના ચાહકો પણ સ્તબ્ધ થઈ ગયા છે.
કપડાંથી લઈને મિત્રો સુધીના દરેક બાબત પર કરતો હતો સવાલો
નીતિ ટેલરે પોતાના એ દિવસોને યાદ કરતા જણાવ્યું કે તેનો એક્સ-બોયફ્રેન્ડ તેના પર ખૂબ જ પ્રતિબંધો મૂકતો હતો અને નાની-નાની બાબતોમાં શક કરતો હતો. તે હંમેશા નીતિના કપડાં પહેરવાની રીત, તેના મિત્રો અને તેના ઘરની બહાર આવવા-જવા પર સવાલો ઉઠાવતો હતો. 'કૈસી યે યારીયાં' સિઝન-૧ના શૂટિંગ દરમિયાનનો આ સમય હતો જ્યારે તે આ માનસિક ત્રાસ સહન કરી રહી હતી. જો નીતિ ક્યારેક ટૂંકા કપડાં પહેરતી, તો તેનો બોયફ્રેન્ડ ગુસ્સે થઈને કહેતો કે લોકો તેને જોઈ રહ્યા છે. તે હંમેશા પૂછતો કે તે ક્યાં જાય છે અને શા માટે કોઈની નજીક ઊભી રહે છે. તે સમયે નીતિ નાસમજ હોવાથી પોતાની જાતને જ સાચી સાબિત કરવામાં મથી રહી હતી.
જન્મદિવસની પાર્ટીમાં થઈ હતી ડરામણી ઘટના અને મારપીટ
અભિનેત્રીએ એક ભયાનક પ્રસંગ યાદ કરતા જણાવ્યું કે એકવાર તેઓ બંને એક બર્થડે પાર્ટીમાં ગયા હતા, જ્યાંનું વાતાવરણ નીતિને યોગ્ય ન લાગ્યું. આથી તેણે અને તેની સહેલીઓએ ત્યાંથી નીકળી જવાનો નિર્ણય કર્યો. નીતિની ફ્રેન્ડ્સ નીચે કારમાં રાહ જોઈ રહી હતી, પરંતુ તે જતાં પહેલાં પોતાના બોયફ્રેન્ડને બાય કહેવા ગઈ હતી. આ વાત પર તેનો બોયફ્રેન્ડ ઉશ્કેરાઈ ગયો અને તેને રોકીને પોતાની સાથે જ રહેવાની જીદ કરવા લાગ્યો. જ્યારે નીતિએ ના પાડી, ત્યારે માહોલ ખૂબ જ ડરામણો બની ગયો અને તેણે નીતિને પકડીને ધક્કો માર્યો તેમજ થપ્પડ પણ મારી દીધી. આ આખી ઘટના ત્યાંની બિલ્ડિંગના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી.
સિગારેટથી દઝાડી દીધું અને શરીર પર આજે પણ છે નિશાન
મામલો અહીં જ ન અટક્યો, નીતિની સહેલીઓએ જ્યારે તેને બચાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે પણ તે માન્યો નહીં અને નીતિ રડતી રડતી પોતાની બિલ્ડિંગ પર પહોંચી ગઈ. તેનો એક્સ-બોયફ્રેન્ડ પણ પાછળ-પાછળ ત્યાં આવી પહોંચ્યો અને સિગારેટ પીતા-પીતા પાર્ટીમાંથી અચાનક ચાલ્યા જવા બાબતે સવાલો કરવા લાગ્યો. તે જ ગુસ્સામાં તેણે નીતિને સિગારેટથી ડામ આપ્યા હતા. નીતિએ જણાવ્યું કે તેની સ્કિન પર કેલૉઇડ (Keloid) થવાની સમસ્યા હોવાના કારણે તે ઇજા અને દાઝવાના નિશાન આજે પણ તેના શરીર પર સ્પષ્ટ જોવા મળે છે, જે તે દર્દનાક સમયની યાદ અપાવે છે.








