Singer Nisar Wayanad Passes Away: સંગીત જગતમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડના જાણીતા પ્લેબેક સિંગર ઉદિત નારાયણ જેવા અવાજ માટે જાણીતા ભારતીય ગાયક નિસાર વાયનાડનું 5 સપ્ટેમ્બરની સાંજે દુબઈની એક હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ અજમાનમાં યોજાનારા એક મ્યુઝિકલ કાર્યક્રમમાં પરફોર્મ કરવાના હતા, પરંતુ કોન્સર્ટના ગણતરીના કલાકો પહેલાં જ તેમનું અવસાન થતાં સંગીતપ્રેમીઓમાં શોકની લાગણી ફેલાઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નિસાર માત્ર 44 વર્ષના હતા.
કેરળના વાયનાડથી UAE સુધીની સંગીત સફર
નિસારનું પૂરું નામ નિસાર અરોથ ઇબ્રાહિમ હતું. તેઓ કેરળના વાયનાડ જિલ્લાના કંબલક્કડના વતની હતા. ઓગસ્ટ મહિનામાં તેઓ સંગીત કાર્યક્રમોની શ્રેણીમાં ભાગ લેવા માટે યુનાઇટેડ અરબ અમીરાત (UAE) પહોંચ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર, શનિવારે બપોરે તેમને અચાનક ભારે તાવ આવ્યો હતો. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. દુબઈ ઉપરાંત સાઉદી અરેબિયામાં પણ તેમના આગામી મ્યુઝિકલ શો યોજાવાના હતા. નિસારના આકસ્મિક અવસાનથી UAEમાં વસતા મલયાલી સમુદાય અને તેમના ચાહકોમાં શોકની લાગણી ફેલાઈ છે.
ગંભીર ઇન્ફેક્શન બાદ ઓર્ગન ફેલિયર
મેડિકલ રિપોર્ટ્સ અનુસાર, નિસારના મૃત્યુનું કારણ એસિડોસિસ (Acidosis) દર્શાવવામાં આવ્યું છે. આ સાથે ગંભીર ઇન્ફેક્શનને કારણે શરીરમાં વ્યાપક સોજા જેવી સ્થિતિ અને ત્યારબાદ ઓર્ગન ફેલિયર પણ થયું હોવાનું સામે આવ્યું છે. એસિડોસિસ એવી ગંભીર તબીબી સ્થિતિ છે જેમાં શરીરનું લોહી અથવા અન્ય પ્રવાહી સામાન્ય કરતાં વધુ એસિડિક બની જાય છે. ગંભીર બીમારી, ચયાપચયની સમસ્યા અથવા શરીરના અંગોની કાર્યક્ષમતામાં ખામી જેવી વિવિધ પરિસ્થિતિઓમાં તે જોવા મળી શકે છે.
ઉદિત નારાયણ સાથે પણ સ્ટેજ શેર કર્યું હતું
નિસાર વાયનાડ પોતાના લોકપ્રિય ‘માપિલાપટ્ટુ’ (Mappilapattu) પર્ફોર્મન્સ માટે જાણીતા હતા. તેમણે અનેક મલયાલમ આલ્બમ્સમાં ગીતો ગાયા હતા અને અભિનય પણ કર્યો હતો. આ ઉપરાંત તેમણે પ્લેબેક સિંગર તરીકે પણ પોતાની ઓળખ બનાવી હતી. નિસારના અવાજમાં ઉદિત નારાયણ સાથે ઘણી સામ્યતા જોવા મળતી હતી. આ કારણે તેઓ ચાહકોમાં ખાસ ઓળખ ધરાવતા હતા. બહરીનમાં યોજાયેલા એક મોટા સંગીત કાર્યક્રમમાં તેમણે ખુદ ઉદિત નારાયણ સાથે સ્ટેજ શેર કર્યો હતો.
નામ સાથે જોડ્યું ‘વાયનાડ’
નિસારને પોતાના વતન વાયનાડ સાથે ખાસ લગાવ હતો. આ જ કારણસર તેમણે પોતાના નામમાં ‘વાયનાડ’ શબ્દ જોડ્યો હતો. સંગીત ક્ષેત્રમાં તેમણે પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી અને ખાસ કરીને મલયાલી સમુદાયમાં તેઓ લોકપ્રિય હતા. અજમાનના કાર્યક્રમમાં પરફોર્મન્સના થોડા કલાકો પહેલાં જ તેમના નિધનના સમાચાર સામે આવતા તેમના ચાહકો અને સંગીત જગત માટે આ આઘાતજનક સમાચાર બની રહ્યા છે.








