Aparna Yadav Neem Karoli Baba Hanuman Ansh: પ્રસિદ્ધ સંત નીમ કરોલી બાબાના દિવ્ય જીવન અને શિક્ષાઓ પર આધારિત ફિલ્મ 'હનુમાન અંશ' હાલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ ટૂંક સમયમાં જ 200 કરોડ રૂપિયાના ક્લબમાં સામેલ થવા જઈ રહી છે. આ ભવ્ય સફળતા વચ્ચે સોશિયલ મીડિયા પર એક અત્યંત ભાવુક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભાજપ નેતા અપર્ણા યાદવ ફિલ્મની સમગ્ર કાસ્ટ અને ટીમ સાથે આધ્યાત્મિક માહોલમાં ભજન ગાતી અને નીમ કરોલી બાબા પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરતી જોવા મળી રહી છે.
અપર્ણા યાદવના લખનઉ સ્થિત નિવાસ્થાને પહોંચી 'હનુમાન અંશ'ની કાસ્ટ
ફિલ્મને મળી રહેલા અદ્ભુત પ્રતિસાદ અને સફળતા બાદ 'હનુમાન અંશ'ની સ્ટારકાસ્ટ હાલ ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. લખનઉમાં ફિલ્મના પ્રમોશન દરમિયાન આખી ટીમે ભાજપ નેતા અપર્ણા યાદવ સાથે મુલાકાત કરી હતી. વીડિયોમાં અપર્ણા યાદવે ફિલ્મમાં નીમ કરોલી બાબાની મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેતા શોભિનવ સત્યાને આદરપૂર્વક તિલક કર્યું હતું. ત્યારબાદ તેમણે ટીમ સાથે મળીને ભક્તિગીતો અને ભજનો ગાયા હતા અને કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો.
ડિરેક્ટર-પ્રોડ્યુસર ડો. વિશાલ ચતુર્વેદી અને ટીમની પ્રશંસા
કાર્યક્રમ દરમિયાન અપર્ણા યાદવે ફિલ્મના નિર્દેશક અને નિર્માતા ડો. વિશાલ ચતુર્વેદી સહિત સમગ્ર ક્રૂના પ્રયાસોની ખુલ્લા મનથી પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 'હનુમાન અંશ' માત્ર એક ફિલ્મ નથી, પરંતુ તેના દ્વારા નીમ કરોલી બાબાના પ્રેમ, કરુણા, સેવા અને માનવતાના સંદેશને ઘર-ઘર સુધી પહોંચાડવાનો એક પવિત્ર પ્રયાસ કરવામાં આવ્યો છે, જે આજની યુવા પેઢી માટે પ્રેરણાદાયી છે.
દિવંગત પતિ પ્રતીક યાદવને યાદ કરી અપર્ણા ભાવુક બન્યા
આ આધ્યાત્મિક કાર્યક્રમ દરમિયાન અપર્ણા યાદવ પોતાના દિવંગત પતિ પ્રતીક યાદવને યાદ કરીને અત્યંત ભાવુક થઈ ગયા હતા. તેમણે ભાવુક અવાજે જણાવ્યું કે, પ્રતીકનો નીમ કરોલી બાબા સાથે ખૂબ જ ઊંડો અને ભાવનાત્મક સંબંધ હતો. આ જ કારણ છે કે બાબાના જીવન પર બનેલી આ ફિલ્મ સાથે તેમનું વ્યક્તિગત જોડાણ છે. આ સાથે જ તેમણે પ્રતીકના રમતગમત (સ્પોટ્સ) ક્ષેત્ર સાથે જોડાયેલા સપનાઓનો ઉલ્લેખ કરતા આશા વ્યક્ત કરી હતી કે, તેમની દીકરીઓ ભવિષ્યમાં તેમના પિતાના આ સપનાઓને ચોક્કસપણે પૂરા કરશે.
નીમ કરોલી બાબા અને અપર્ણા યાદવ અંગે વિશેષ માહિતી
નીમ કરોલી બાબા (કૈંચી ધામ): ઉત્તરાખંડના નૈનીતાલ નજીક આવેલા કૈંચી ધામના નીમ કરોલી બાબા દેશ-વિદેશમાં કરોડો ભક્તો ધરાવે છે. એપલના સ્થાપક સ્ટીવ જોબ્સ, ફેસબુકના માર્ક ઝુકરબર્ગ અને હોલીવુડ એક્ટ્રેસ જુલીયા રોબર્ટ્સ જેવી વૈશ્વિક હસ્તીઓ પણ તેમના આશ્રમની મુલાકાત લઈ ચૂકી છે.
અપર્ણા યાદવ અને પરિવાર: અપર્ણા યાદવ સમાજવાદી પાર્ટીના સ્થાપક સ્વ. મુલાયમ સિંહ યાદવના નાના પુત્ર સ્વ. પ્રતીક યાદવના પત્ની છે. તેઓ સામાજિક કાર્યોમાં સક્રિય રહેવાની સાથે ઉત્તરપ્રદેશના રાજકારણમાં ભાજપના અગ્રણી નેતા તરીકે કાર્યરત છે.








