Yami Gautam Nayyi Navelli Teaser Released: અભિનેત્રી યામી ગૌતમ પોતાની શાનદાર અને વૈવિધ્યસભર એક્ટિંગ માટે જાણીતી છે. દર વખતે કંઈક અલગ જ વિષય સાથે દર્શકો સમક્ષ આવતી યામી આ વખતે એક તદ્દન નવા અને અનોખા અંદાજમાં જોવા મળવાની છે. ગઈકાલે જ તેની નવી ફિલ્મ 'નઈ નવેલી' (Nayyi Navelli)ની જાહેરાત કરવામાં આવી હતી, અને આજે ફિલ્મના નિર્માતાઓએ ચાહકોને સરપ્રાઈઝ આપતા આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરી દીધું છે. આ ફિલ્મ એક હોરર-કોમેડી ડ્રામા છે, જેમાં યામી ગૌતમ પ્રથમ વખત એક ડાયનની ભૂમિકા ભજવતી જોવા મળશે.
સંયુક્ત પરિવાર અને નવી વહુનો ડરાવનો સસ્પેન્સ
રિલીઝ થયેલા ટીઝરની શરૂઆત ખૂબ જ રસપ્રદ રીતે થાય છે. એક મધ્યમ વર્ગના ભર્યાભાદર્યા સંયુક્ત પરિવારનો માહોલ બતાવવામાં આવ્યો છે, જ્યાં પરિવારના તમામ સભ્યો એકસાથે બેઠા હોય છે. ત્યારે અચાનક જ ઘરમાં એક યુવકનો મોટો અવાજ સંભળાય છે, જે ઘરમાં પ્રવેશતા જ પરિવારજનોને કહે છે કે, "તમામ જૂતા-ચપ્પલ અને અણીદાર વસ્તુઓ તાત્કાલિક ઉતારીને દૂર મૂકી દો." આ યુવક બીજું કોઈ નહીં પણ ઘરમાં આવેલી નવી વહુ મોહિનીનો દિયર બંટુ હોય છે.
ભાભીની પોલ ખોલતો દિયર બંટુ
ટીઝરમાં દિયર બંટુ પોતાના જ પરિવારની સામે તેની નવી ભાભી મોહિનીની અસલી ઓળખ છતી કરે છે. યામી ગૌતમ આ ફિલ્મમાં 'મોહિની'નું પાત્ર ભજવી રહી છે, જે દેખાવામાં તો ખૂબ જ સુંદર અને સીધી-સાદી વહુ લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એક ડાયન છે. ટીઝરની આ નાની ઝલક જોયા પછી એ સ્પષ્ટ થઈ જાય છે કે આ ફિલ્મમાં ભયની સાથે સાથે હાસ્યનો પણ ભારે ડોઝ મળવાનો છે.
દશેરાના પવિત્ર તહેવાર પર થશે ધમાકો
યામી ગૌતમના ચાહકો લાંબા સમયથી તેની નવી ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આ ટીઝરે દર્શકોની ઉત્સુકતા વધારી દીધી છે. ડર અને કોમેડીના આ મનોરંજક સંગમવાળી ફિલ્મ 'નઈ નવેલી' આગામી દશેરાના તહેવાર દરમિયાન સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. સોશિયલ મીડિયા પર ફેન્સ આ ટીઝરને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને યામીના આ નવા હોરર અવતારના વખાણ કરી રહ્યા છે.








