Miss World 2026 Grand Finale Vietnam Nikita Porwal: વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત અને લોકપ્રિય બ્યુટી પેજન્ટ 'મિસ વર્લ્ડ 2026' નો ગ્રાન્ડ ફિનાલે આજે વિયેતનામના સુંદર દરિયાકાંઠાના શહેર ન્હા ટ્રાંગ (Nha Trang) ખાતે આયોજિત થવા જઈ રહ્યો છે. આ વર્ષે 73મી આવૃત્તિ સાથે મિસ વર્લ્ડ સંસ્થા પોતાની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે. સમગ્ર ભારતવાસીઓ માટે ગર્વની વાત એ છે કે આ વૈશ્વિક મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ વડોદરામાં અભ્યાસ કરી ચૂકેલી નિકિતા પોરવાલ કરી રહી છે. ભારતમાં આ ભવ્ય સમારોહનું લાઈવ સ્ટ્રીમિંગ સાંજે 5.30 વાગ્યાથી 'જિયોહોટસ્ટાર' પર થશે.
ગયા વર્ષે થાઈલેન્ડની ઓપલ સુચાતા બની હતી વિજેતા
ગયા વર્ષે એટલે કે 'મિસ વર્લ્ડ 2025'નું આયોજન ભારતના હૈદરાબાદ ખાતે હાઈટેક્સ એક્ઝિબિશન સેન્ટરમાં યોજાયું હતું, જેમાં 108 દેશોની સુંદરીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં થાઈલેન્ડની ઓપલ સુચાતા ચુઆંગશ્રીએ ખિતાબ પોતાના નામે કર્યો હતો. ભારતની નંદિની ગુપ્તા ટોપ-20 સુધી પહોંચી હતી અને તેને 'ટોપ મોડલ' નો સબ-ટાઈટલ એવોર્ડ મળ્યો હતો. આ વખતે ભારતીય ચાહકોને આશા છે કે નિકિતા પોરવાલ ભારતમાં ફરી એકવાર મિસ વર્લ્ડનો ક્રાઉન પાછો લાવશે.
બિકીની સ્પર્ધાથી થઈ શરૂઆત: કેવી રીતે બન્યું 'મિસ વર્લ્ડ'?
વર્ષ 1951માં બ્રિટનના ટીવી હોસ્ટ એરિક મોર્લેએ 'ફેસ્ટિવલ ઓફ બ્રિટન'ની ઉજવણી દરમિયાન ભીડ આકર્ષિત કરવા માટે એક બિકીની સ્પર્ધા યોજી હતી. 27 મોડેલોએ ભાગ લીધો હતો અને સ્વીડનની કીકી હાકાન્સન તેની પ્રથમ વિજેતા બની હતી. ચર્ચ અને તે સમયના પોપ દ્વારા ધર્મના નામે આ સ્પર્ધાની ભારે ટીકા થતાં આ વિવાદે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી હતી. લોકપ્રિયતા જોઈને એરિક મોર્લેએ તેને 'મિસ વર્લ્ડ' તરીકે રજિસ્ટર કરીને વાર્ષિક સ્પર્ધા બનાવી દીધી હતી.
'મિસ વર્લ્ડ'ના ઈતિહાસ સાથે જોડાયેલા સૌથી મોટા વિવાદો
1970 (સ્ટેજ પર બોમ્બ વિસ્ફોટ): લંડનના રોયલ આલ્બર્ટ હોલમાં ફિનાલે દરમિયાન નારીવાદી વિરોધકર્તાઓએ સ્ટેજ પર લોટના બોમ્બ ફેંક્યા હતા. આ જ વર્ષે પ્રથમ અશ્વેત મિસ ગ્રેનાડા જેનિફર હોસ્ટન વિજેતા બનતા ભેદભાવના આક્ષેપો થયા હતા.
1973 અને 1980 (તાજ છીનવાયો): 1973માં અફેર અને કિસિંગ ફોટો લીક થતાં માર્જોરી વેલેસ પાસેથી તાજ પાછો લેવાયો હતો. 1980માં જર્મનીની ગેબ્રિએલા બ્રુમનું ન્યૂડ ફોટોશૂટ સામે આવતા તેને તાજ પરત કરવો પડ્યો હતો.
2000 (નાઈજીરીયા રમખાણો): નાઈજીરીયામાં આયોજન વખતે ધાર્મિક રમખાણોમાં 200 લોકો માર્યા જતા ઇવેન્ટ લંડન શિફ્ટ કરવી પડી હતી.
પ્રિયંકા ચોપરા વિવાદ: વર્ષ 2000માં પ્રિયંકા ચોપરા વિજેતા બની ત્યારે 'મિસ બાર્બાડોસ' એ સ્પોન્સર ઝીટીવી હોવાના કારણે પ્રિયંકાને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવાનો આરોપ લગાવ્યો હતો.
2025 (મિસ ઈંગ્લેન્ડનો આરોપ): હૈદરાબાદ ખાતે યોજાયેલા ફિનાલે પહેલાં 'મિસ ઈંગ્લેન્ડ' મિલા મેગીએ આયોજકો પર ફાઈનાન્સર્સનું મનોરંજન કરવા દબાણ કરવાનો આરોપ મૂકીને સ્પર્ધા છોડી દીધી હતી.
ભારત અને મિસ વર્લ્ડ સ્પર્ધા અંગે વિશેષ માહિતી
ભારતનો સુવર્ણ ઈતિહાસ: ભારતે અત્યાર સુધીમાં કુલ 6 વખત મિસ વર્લ્ડનો તાજ જીત્યો છે. ભારતે છઠ્ઠી વખત 2017માં મનુષી છિલ્લર દ્વારા આ ખિતાબ મેળવ્યો હતો.
રીટા ફારિયા (1966): મિસ વર્લ્ડ જીતનાર પ્રથમ ભારતીય અને એશિયન મહિલા.
ઐશ્વર્યા રાય (1994): દક્ષિણ આફ્રિકાના સન સિટીમાં વિજેતા બની.
ડાયના હેડન (1997): લંડનમાં ખિતાબ જીત્યો.
યુક્તા મુખી (1999): લંડનમાં ભારતીય ધ્વજ લહેરાવ્યો.
પ્રિયંકા ચોપરા (2000): લંડનમાં મિસ વર્લ્ડનો તાજ પહેર્યો.
માનુષી છિલ્લર (2017): ચીનના સાન્યા ખાતે વિજેતા બની.
'બ્યુટી વિથ અ પર્પઝ' (Beauty With A Purpose): મિસ વર્લ્ડ પેજન્ટ માત્ર શારીરિક સુંદરતા જ નહીં પરંતુ સામાજિક કાર્ય અને સેવાકીય પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે 'બ્યુટી વિથ અ પર્પઝ' સેગમેન્ટ ચલાવે છે, જેમાં દરેક દેશની સ્પર્ધકે પોતાના દેશમાં સોશિયલ પ્રોજેક્ટ્સ પર કામ કરવાનું હોય છે.








