Miss Universe India 2026: કેરળની 19 વર્ષીય કેઝિયા લિઝ મેજોએ ‘મિસ યુનિવર્સ ઈન્ડિયા 2026’નો પ્રતિષ્ઠિત ખિતાબ પોતાના નામે કર્યો છે. જયપુરમાં 23 ઓગસ્ટે યોજાયેલા ભવ્ય ગ્રાન્ડ ફિનાલેમાં કેઝિયાએ પોતાના આત્મવિશ્વાસ, વ્યક્તિત્વ અને શાનદાર પ્રદર્શનથી નિર્ણાયકોને પ્રભાવિત કર્યા હતા. આ જીત સાથે હવે કેઝિયા આંતરરાષ્ટ્રીય મંચ પર યોજાનારી મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ વર્ષે મિસ યુનિવર્સ સ્પર્ધાનું આયોજન પ્યુર્ટો રિકોમાં થવાનું છે.
તમિલનાડુની વૈષ્ણવી ગણેશ ફર્સ્ટ રનર-અપ
ગ્રાન્ડ ફિનાલેમાં કેઝિયા લિઝ મેજોએ ટોચનું સ્થાન મેળવ્યું હતું. જ્યારે તમિલનાડુની વૈષ્ણવી ગણેશ ફર્સ્ટ રનર-અપ રહી હતી. બીજી તરફ ગુજરાતની અનુશ્રી સાતવલેકર સેકન્ડ રનર-અપ બનીને ત્રીજા સ્થાને રહી હતી. દેશભરમાંથી આવેલી પ્રતિભાશાળી સ્પર્ધકો વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામાં ત્રણેય વિજેતાઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
માત્ર સુંદરતા નહીં, વ્યક્તિત્વ અને નેતૃત્વ પર પણ ભાર
મિસ યુનિવર્સ ઈન્ડિયા 2026ની સ્પર્ધા માત્ર બાહ્ય સુંદરતા પૂરતી મર્યાદિત નહોતી. સ્પર્ધકોની બુદ્ધિમત્તા, સંવાદ કૌશલ્ય, આત્મવિશ્વાસ, નેતૃત્વ ક્ષમતા અને ભારતીય સંસ્કૃતિ અંગેની સમજણને પણ મહત્વ આપવામાં આવ્યું હતું. જયપુરના પિંક સિટીમાં યોજાયેલા ગ્રાન્ડ ફિનાલેમાં રાજસ્થાની સંસ્કૃતિ અને આધુનિક ભારતની ઝલક જોવા મળી હતી.
'ભારતનું પ્રતિનિધિત્વ કરવું ગર્વની વાત'
ખિતાબ જીત્યા બાદ કેઝિયા લિઝ મેજોએ આ જીતને માત્ર સિદ્ધિ નહીં પરંતુ મોટી જવાબદારી ગણાવી હતી. તેમણે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની વિવિધતા, સંસ્કૃતિ અને નવી પેઢીની શક્તિને રજૂ કરવાની આશા વ્યક્ત કરી હતી. કેઝિયાએ આશા વ્યક્ત કરી કે આ વર્ષે મિસ યુનિવર્સનો તાજ ભારત પરત આવશે.
સુષ્મિતા સેન સહિત અનેક સેલેબ્સની હાજરી
ભવ્ય ગ્રાન્ડ ફિનાલેમાં બોલિવૂડ અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન ઉપરાંત ઉર્વશી રૌતેલા, સેલિના જેટલી અને ભૂતપૂર્વ મિસ યુનિવર્સ ઈન્ડિયા રિયા સિંઘા તથા મણિકા વિશ્વકર્મા સહિત અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. મિસ યુનિવર્સ ઈન્ડિયાના માલિક નિખિલ આનંદે જણાવ્યું હતું કે સ્પર્ધાનો હેતુ દેશભરની પ્રતિભાશાળી યુવતીઓને વૈશ્વિક મંચ પૂરું પાડવાનો છે. હવે કેઝિયા લિઝ મેજો આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે તૈયાર છે.








