Thalapathy Vijay: તમિલ સિનેમાના સુપરસ્ટાર થલપતિ વિજય હાલમાં તેની આગામી ફિલ્મ 'જન નાયગન'ના સેન્સર સર્ટિફિકેટના વિવાદને કારણે ચર્ચામાં છે, પરંતુ આ દરમિયાન તેને મદ્રાસ હાઈકોર્ટ તરફથી વધુ એક મોટો કાનૂની ફટકો પડ્યો છે. કોર્ટે તેમને ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા ફટકારવામાં આવેલો 1.5 કરોડ રૂપિયાનો દંડ ભરવાનો આદેશ આપ્યો છે. વિજયે આવકવેરા વિભાગના એ આદેશને પડકારતી અરજી મદ્રાસ હાઈકોર્ટમાં કરી હતી જેમાં તેમને દંડ ભરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ હાઈકોર્ટે તેની આ અરજી ફગાવી દીધી છે. આ પહેલા 27 જાન્યુઆરીએ કોર્ટે તેમની ફિલ્મના સર્ટિફિકેટ મામલે પણ સિંગલ બેન્ચના નિર્ણયને રદ કર્યો હતો, આમ વિજય મુશ્કેલીઓથી ઘેરાયેલા જોવા મળી રહ્યા છે.
15 કરોડ રૂપિયા છુપાવ્યા હતા
આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2015-16 દરમિયાન થલપતિ વિજયે પોતાની 15 કરોડ રૂપિયાની આવકનો ખુલાસો કર્યો ન હતો. વર્ષ 2015માં ઈન્કમ ટેક્સ વિભાગે તેમના નિવાસસ્થાન પર દરોડા પાડ્યા હતા. તે સમયે જપ્ત કરાયેલા દસ્તાવેજોના આધારે તેમના પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેણે ફિલ્મ ‘પુલી’ (Puli) માંથી કમાયેલા 15 કરોડ રૂપિયા છુપાવ્યા હતા. આ મામલે વિભાગે દંડ ફટકારતા વિજયે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. 23 જાન્યુઆરીએ ન્યાયાધીશે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો, જે હવે જાહેર કરવામાં આવ્યો છે.
કોર્ટે વિજયને રાહત આપવાનો ઇનકાર કરી દીધો
વિજયની અરજીને ફગાવી દેતા ન્યાયમૂર્તિ સેંથિલકુમાર રામમૂર્તિએ સ્પષ્ટ કર્યું કે દંડ લગાવવાનો આદેશ નિર્ધારિત સમયમર્યાદાની અંદર જ પસાર કરવામાં આવ્યો હતો, તેથી તેમાં કોર્ટ દ્વારા હસ્તક્ષેપ કરવાનું કોઈ કારણ નથી. સુનાવણી દરમિયાન વિજયના વકીલે આદેશને પડકારવાની છૂટ આપવા વિનંતી કરી હતી, જેના જવાબમાં ન્યાયાધીશે કહ્યું કે અરજદાર પાસે એપેલેટ ઓથોરિટી સમક્ષ આદેશને પડકારવાનો અધિકાર છે. આમ, કોર્ટે વિજયને સીધી રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે.








