Anita Kanwal Slams Financial Crisis Rumours: ટીવી અને હિન્દી સિનેમા ક્ષેત્રના જાણીતા વરિષ્ઠ અભિનેત્રી અનીતા કંવલ હાલમાં પોતાના વિશે ચાલી રહેલા ભ્રામક અને ખોટા સમાચારોને લઈને ભારે નારાજ જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી ઇન્ટરનેટ અને વિવિધ ન્યૂઝ પોર્ટલ્સ પર એવા અહેવાલો વહેતા થયા હતા કે 72 વર્ષીય આ અભિનેત્રી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહી છે અને પોતાનું ગુજરાન ચલાવવા માટે લોકો પાસે આર્થિક મદદ તેમજ કામની માંગણી કરી રહી છે. આ પાયાવિહોણી અને શરમજનક વાતો સામે આવતા આખરે અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોતે એક વિડીયો જાહેર કરીને સમગ્ર સત્ય લોકો સમક્ષ મૂક્યું છે.
મોડી રાત્રે વીડિયો શેર કરી જૂના ઇન્ટરવ્યુનું સત્ય ઉજાગર કર્યું
અનીતા કંવલે પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ભાવુક અને કડક શબ્દોમાં એક વીડિયો સંદેશ શેર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રાત્રે પોણા ચાર વાગ્યે પણ તેમને ઊંઘ નથી આવી રહી, કારણ કે મીડિયામાં વહેતા થયેલા આ ખોટા સમાચારોએ તેમની શાંતિ છીનવી લીધી છે. વિવાદનું મુખ્ય કારણ સ્પષ્ટ કરતા તેમણે કહ્યું કે લગભગ છ મહિના પહેલાં તેમણે એક પત્રકારને ઇન્ટરવ્યુ આપ્યો હતો, જેને ખોટી રીતે તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યો છે. તે સમયે તેમને પૂછવામાં આવ્યું હતું કે જો કોઈ કામ ન મળે તો બચત પર કેટલો સમય રહી શકાય, જેના જવાબમાં તેમણે માત્ર એટલું જ કહ્યું હતું કે કોઈ પણ કમાણી વિના પણ તેઓ એક-દોઢ વર્ષ સુધી પોતાની બચતથી ઘર ચલાવી શકે છે. પરંતુ મીડિયાએ તેને અતિશયોક્તિ સાથે રજૂ કરી લાચારી તરીકે ચિત્રિત કરી દીધું.
"હું સ્વમાની અને સંપન્ન પરિવારમાંથી આવું છું"
પોતાનો આક્રોશ ઠાલવતા અભિનેત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "કેટલાક પોર્ટલ્સ એવું લખી રહ્યા છે કે હું લોકો પાસે ભીખ માંગી રહી છું, જે વાત તદ્દન ખોટી અને શરમજનક છે. હું એક પ્રતિષ્ઠિત, સ્વમાની અને આર્થિક રીતે સક્ષમ પરિવારમાંથી આવું છું. મેં મારી આખી જિંદગીની કમાણીનું યોગ્ય આયોજન કર્યું છે. હું આગામી 10 વર્ષ સુધી કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા પર નિર્ભર રહ્યા વગર પોતાનો તમામ ખર્ચ ખૂબ જ સહેલાઈથી ઉઠાવી શકું તેમ છું." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તેઓ પોતાના બાળકો પાસેથી પણ આર્થિક મદદ લેતા નથી, તો પછી કોઈ અજાણ્યા લોકો પાસે મદદ માંગવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.
નવા પ્રોજેક્ટ્સ અને બ્રાન્ડ કોલેબોરેશનથી કામમાં વ્યસ્ત
પોતાની વર્તમાન સ્થિતિ વિશે વાત કરતા અનીતા કંવલે જણાવ્યું કે છ મહિના જૂના એ ઇન્ટરવ્યુ પછી પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. આજે તેમની પાસે કામની કોઈ અછત નથી. તેમને એક નવો ફિલ્મ પ્રોજેક્ટ મળી ચૂક્યો છે, સાથે જ સોશિયલ મીડિયા પર બ્રાન્ડ કોલેબોરેશન માટેની સતત ઓફર્સ આવી રહી છે. એટલું જ નહીં, તેમણે તાજેતરમાં પોતાની એક સ્વતંત્ર રીલ ડ્રામા સિરીઝ પણ સફળતાપૂર્વક તૈયાર કરી છે. આ તમામ બાબતો પુરવાર કરે છે કે તેઓ સક્રિય છે અને પોતાના કામમાંથી સારું એવું ઉત્સર્જન મેળવી રહ્યા છે.
સનસનાટી મચાવતા મીડિયા અને ટ્રોલર્સને કરી નમ્ર અપીલ
વીડિયોના અંતમાં 72 વર્ષીય અભિનેત્રી અનિતા કંવલ કાવ્યાત્મક અને ભાવુક બની ગયા હતા. તેમણે મીડિયા, સનસનાટી ફેલાવતા પોર્ટલ્સ અને ટ્રોલર્સને અપીલ કરતા કહ્યું કે માત્ર વ્યુઝ (Views) અને ટીઆરપી મેળવવા માટે આ ઉંમરે તેમની છબી ખરડવાનું બંધ કરવામાં આવે. કોઈ પણ ચકાસણી વગર કોઈના વિષે આવી ભ્રામક વાતો ફેલાવવી યોગ્ય નથી. તેમના આ સ્પષ્ટ અને નીડર વલણ બાદ સોશિયલ મીડિયા પર તેમના ચાહકો તેમજ બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીના સાથી કલાકારો તેમના સમર્થનમાં આવ્યા છે અને આવી અફવાઓ ફેલાવનારાઓની ટીકા કરી રહ્યા છે.








