Kinjal Dave intercaste marriage controversy: સમાજમાં પરંપરા, સંસ્કૃતિ અને રિવાજોનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. વિવિધ સમાજો સમયાંતરે બેઠક યોજીને પોતાની સંસ્કૃતિ, શિસ્ત અને એકતાને જાળવવા માટે નિયમો ઘડે છે, પરંતુ બદલાતા સમય સાથે યુવાનોમાં વિચારધારાનું પરિવર્તન જોવા મળી રહ્યા છે. આજના શિક્ષિત અને આધુનિક યુવાનો પોતાના જીવનના મહત્વના નિર્ણયોમાં સ્વતંત્રતા ઇચ્છે છે, જેના કારણે ઘણી વખત પરંપરાગત સમાજ અને નવી વિચારસરણી વચ્ચે અથડામણ સર્જાય છે.
કિંજલ દવેની આંતરજ્ઞાતિય સગાઈને લઈને સમાજમાં વિવાદ
આવો જ એક વિવાદ તાજેતરમાં ગુજરાતની જાણીતી લોકગાયિકા કિંજલ દવેને લઈને સામે આવ્યો છે. કિંજલ દવેએ આંતરજ્ઞાતિય યુવક સાથે લગ્ન કરવાની પસંદગી કરી અને સગાઈ કરી છે. આ નિર્ણય તેમના વ્યક્તિગત જીવનનો ભાગ હોવા છતાં, તેમના સમાજમાં તેને લઈને અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.
કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર!
કિંજલ દવે ઔદિચ્ય બ્રહ્મ સમાજ સાથે સંકળાયેલા પરિવારથી આવે છે. તેમની સગાઈ એક એવા બિઝનેસમેન સાથે થઈ છે, જે બ્રહ્મ સમાજના નથી. આ મુદ્દે સમાજના આગેવાનો દ્વારા કાંકરેજના શિહોરી ખાતે બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં આંતરજ્ઞાતિય લગ્નના નિર્ણય સામે કડક વલણ અપનાવવામાં આવ્યું અને કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો.
સમગ્ર પરિવારને બ્રહ્મ સમાજમાંથી આજીવન બહાર કરવામાં આવ્યા
સમાજના નિર્ણય મુજબ, કિંજલ દવેના પિતા સહિત સમગ્ર પરિવારને બ્રહ્મ સમાજમાંથી આજીવન બહાર કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, સમાજના કોઈ પણ સામાજિક, ધાર્મિક કે લગ્ન પ્રસંગોમાં તેમને આમંત્રિત ન કરવા અને જો કોઈ સભ્ય તેમને સહકાર આપે તો તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની જાહેરાત કરવામાં આવી છે.
સમાજમાં ચર્ચાનો વિષય
આ ઘટનાએ સમાજમાં ચર્ચાનો વિષય ઉભો કર્યો છે. એક તરફ સમાજ પોતાના પરંપરાગત નિયમો અને વડીલો દ્વારા સ્થાપિત કરાયેલા સંસ્કારોને સાચવવા ઈચ્છે છે, તો બીજી તરફ આજની પેઢી પોતાના જીવનના નિર્ણયો સ્વતંત્રપણે લેવા માંગે છે. લગ્ન જેવી બાબત વ્યક્તિગત હોવા છતાં, ભારતીય સમાજમાં તેને હજુ પણ સામૂહિક મુદ્દા તરીકે જોવામાં આવે છે.
સમાજ અને વ્યક્તિગત સ્વતંત્રતા વચ્ચે સંતુલન અંગે સવાલો
ઘણા લોકોનું માનવું છે કે પરંપરાઓનું સંરક્ષણ જરૂરી છે, કારણ કે એ સમાજની ઓળખ છે, પરંતુ સાથે સાથે, શિક્ષિત યુવક-યુવતીઓને પોતાના જીવનસાથીની પસંદગી કરવાનો અધિકાર હોવો જોઈએ, એ પણ એટલું જ મહત્વનું છે. આ ઘટનાએ ફરી એકવાર એ પ્રશ્ન ઉભો કર્યો છે કે સમાજ અને વ્યક્તિગત સ્વતંત્રતા વચ્ચે સંતુલન કેવી રીતે સાધવું?








