Kareena Kapoor Locket Controversy: બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાનના દિવાળી લુકમાં પહેરેલા 200 વર્ષ જૂના શાહી લોકેટને લઈને શરૂ થયેલો વિવાદ હવે વધુ ચર્ચામાં આવ્યો છે. લોકેટ પર કુરાનની આયત લખેલી હોવાના મુદ્દે મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા અબ્બાસ હાફિઝે અભિનેત્રીને કાનૂની નોટિસ મોકલી છે. આ દરમિયાન હિન્દુ ઉત્સવ સમિતિ અને સંસ્કૃતિ બચાવો મંચ કરીનાના સમર્થનમાં આગળ આવ્યાં છે. હિન્દુ ઉત્સવ સમિતિએ સ્પષ્ટ કહ્યું છે કે કરીનાએ આ મામલે કોઈની માફી માંગવાની જરૂર નથી.
હિન્દુ ઉત્સવ સમિતિએ કરીનાનો કર્યો બચાવ
હિન્દુ ઉત્સવ સમિતિના અધ્યક્ષ ચંદ્રશેખર તિવારીએ કરીનાના સમર્થનમાં નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કરીનાએ આ બાબતે કોઈની પાસે માફી માંગવાની જરૂર નથી. લોકેટ ગળામાં પહેરવા માટે હોય છે અને તેના પર કુરાનની આયત લખેલી હોવા છતાં કરીના તેનું અપમાન થાય તેવી કોઈ જગ્યાએ તેને નહીં પહેરે. ચંદ્રશેખર તિવારીએ વધુમાં જણાવ્યું કે કરીના ભોપાલના પૂર્વ શાહી પરિવારની વહુ છે. આવી સ્થિતિમાં સાસરી પક્ષના પરિવાર સાથે જોડાયેલી વારસાગત વસ્તુઓ પહેરવી સ્વાભાવિક બાબત છે. હિન્દુ સંગઠનોના આ નિવેદન બાદ લોકેટનો વિવાદ વધુ ચર્ચામાં આવ્યો છે.
શું છે 200 વર્ષ જૂના શાહી લોકેટનો વિવાદ?
આ સમગ્ર મામલો કરીના કપૂરની દિવાળીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ શરૂ થયો હતો. આ તસવીરોમાં અભિનેત્રીએ પન્નાનું એક પ્રાચીન શાહી લોકેટ પહેર્યું હતું. સેલિબ્રિટી સ્ટાઈલિશ રિયા કપૂરે જણાવ્યું હતું કે કરીનાએ પહેરેલું આ લોકેટ લગભગ 200 વર્ષ જૂનું છે અને ભોપાલના પૂર્વ શાહી પરિવારના વારસા સાથે જોડાયેલું છે. લોકેટ પર કુરાનની આયત લખેલી હોવાની વાત સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ હતી.
કોંગ્રેસ પ્રવક્તાએ મોકલી કાનૂની નોટિસ
લોકેટના મુદ્દે મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા અબ્બાસ હાફિઝે વકીલ મારફતે કરીના કપૂરને કાનૂની નોટિસ મોકલી છે. તેમનું કહેવું છે કે ધાર્મિક આયતને આ રીતે સોશિયલ મીડિયા પર પ્રદર્શિત કરવાથી મુસ્લિમ સમુદાયની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે. નોટિસમાં કરીનાને સોશિયલ મીડિયા પરથી સંબંધિત તસવીરો હટાવવા અને આ મામલે માફી માંગવાની માગ કરવામાં આવી છે. જોકે, બીજી તરફ હિન્દુ ઉત્સવ સમિતિ અને સંસ્કૃતિ બચાવો મંચે અભિનેત્રીનું સમર્થન કરતાં હવે આ વિવાદે નવો વળાંક લીધો છે.








