KRK: અભિનેતા અને વિવાદાસ્પદ રિવ્યુઅર કમાલ આર ખાન (KRK) ફરી એકવાર કાયદાકીય સકંજામાં ફસાયા છે. બોલિવૂડ સ્ટાર્સની સતત ટીકા કરવા માટે જાણીતા KRKની મુંબઈ પોલીસે ઓશિવારા ફાયરિંગ કેસમાં ધરપકડ કરી છે. શનિવારે બાંદ્રા કોર્ટે તેમને આ કેસમાં 27 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.
KRK નો ચહેરો કાળા કપડાથી ઠાકયો
ધરપકડ અને કોર્ટ કાર્યવાહી ગઈકાલે પોલીસે કમાલ રશીદ ખાનને પૂછપરછ માટે બોલાવ્યા હતા, જ્યાં આ કેસમાં તેમની સંડોવણીની પુષ્ટિ થયા બાદ ધરપકડ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસ સુરક્ષા વચ્ચે KRKનો ચહેરો કાળા કપડાથી ઢાંકીને તેમને કોર્ટની બહાર લઈ જવામાં આવી રહ્યા છે.
શું છે ઓશિવારા ફાયરિંગ કેસ?
18 જાન્યુઆરીએ અંધેરીના ઓશિવારા વિસ્તારમાં આવેલી નાલંદા સોસાયટીમાં ગોળીબારની ઘટના બની હતી. તપાસ દરમિયાન રહેણાંક બિલ્ડિંગના બીજા અને ચોથા માળેથી બે ગોળીઓ મળી આવી હતી. જે ફ્લેટ્સમાં ગોળીઓ મળી તેમાંથી એક લેખક-દિગ્દર્શકનો અને બીજો એક મોડેલનો છે. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી.
તપાસમાં કેવી રીતે ખુલ્યું નામ?
શરૂઆતમાં સીસીટીવી ફૂટેજમાં કોઈ શંકાસ્પદ ગતિવિધિ ન દેખાતા પોલીસ માટે આ કેસ ઉકેલવો મુશ્કેલ હતો. જોકે, ફોરેન્સિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે ગોળીઓ નજીકના જ એક બંગલામાંથી ચલાવવામાં આવી હતી. આ બંગલો કથિત રીતે KRKની માલિકીનો હોવાનું સામે આવ્યું છે.
આ ગંભીર આરોપો બાદ ઓશિવારા પોલીસ અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે તેની અટકાયત કરી છે. અગાઉ પણ ફિલ્મ સ્ટાર્સ પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ KRK અનેકવાર વિવાદોમાં રહી ચૂક્યા છે.








