Kalichaudas gujarati movie: ગુજરાતી સિનેમામાં હોરર અને સસ્પેન્સની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ ‘કાળીચૌદસ’ ચર્ચામાં છે. ગામડાંની લોકવાયકાઓ, વર્ષોથી ચાલી આવતી માન્યતાઓ અને અંધશ્રદ્ધાની આસપાસ આ ફિલ્મની વાર્તા આકાર લે છે. ફિલ્મનું ટાઇટલ અને રિલીઝની તારીખ જાહેર થયા બાદ તેની કથાવસ્તુ અંગે દર્શકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. આ ફિલ્મ 19 ફેબ્રુઆરી, 2027ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
ચાર રસ્તા પરના કુંડાળામાંથી કોઈ વસ્તુ લેવી
ફિલ્મની કથાનું મુખ્ય આકર્ષણ ગામડાંમાં પ્રચલિત એક રહસ્યમય માન્યતા છે. ફિલ્મની ટેગલાઇન અનુસાર, ગામની સીમમાં આવેલા ચાર રસ્તા પરના કુંડાળામાંથી કોઈ વસ્તુ લેવી નહીં, નહીં તો કાળીચૌદસનું વળગણ લાગી શકે છે. આ માન્યતાની પાછળનું રહસ્ય, લોકોના મનમાં રહેલો ડર અને લોકવાયકાઓ સાથે જોડાયેલી ઘટનાઓ ફિલ્મમાં કેવી રીતે રજૂ થાય છે તે જોવું રસપ્રદ રહેશે. હોરર અને સસ્પેન્સના માધ્યમથી વાર્તા અંધશ્રદ્ધા તથા ગ્રામ્ય માનસિકતાના વિવિધ પાસાંને સ્પર્શે તેવી શક્યતા છે.
કલાકારો પણ વિવિધ પાત્રો ભજવશે
ફિલ્મમાં શ્રુહદ ગોસ્વામી, રીવા રાચ્છ, કૃણાલ પંડિત, હેમિન ત્રિવેદી અને અલ્પના બુચ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત રિદ્ધિ, દીપેન રાવલ, હેમાંગ દવે, પ્રેમ ગઢવી, ગોપી દેસાઈ, યશ વારન અને રીતિકા વાસુ સહિતના કલાકારો પણ વિવિધ પાત્રો ભજવશે. આ કલાકારોની ભૂમિકાઓ વાર્તાના રહસ્ય અને ઘટનાઓને આગળ વધારવામાં કેવી રીતે મહત્ત્વની બને છે તે ફિલ્મ રિલીઝ થયા બાદ જાણી શકાશે.
19 ફેબ્રુઆરી, 2027ના રોજ સિનેમાઘરોમાં આવશે
ફિલ્મનું દિગ્દર્શન ધ્રુવ ગોસ્વામી કરી રહ્યા છે, જ્યારે તેની વાર્તા ગુજરાતી ફિલ્મજગતના લેખક અને અભિનેતા ચેતન દૈયાએ લખી છે. ફિલ્મની સિનેમેટોગ્રાફીની જવાબદારી બિભુ દાસે સંભાળી છે. ગ્રામ્ય લોકવાયકા, ભય અને રહસ્યને કેન્દ્રમાં રાખતી ‘કાળીચૌદસ’ 19 ફેબ્રુઆરી, 2027ના રોજ સિનેમાઘરોમાં આવશે. ફિલ્મની વાર્તામાં રહેલા રહસ્યો અને અંધશ્રદ્ધા પાછળની ઘટનાઓ દર્શકો સમક્ષ કઈ રીતે ખુલશે તે જોવાનું રહેશે.








