Anjali Raghav Casting Couch Controversy: મનોરંજન ક્ષેત્રે ઝગમગાટ અને ગ્લેમરની પાછળ એક એવું અંધારું સત્ય પણ છુપાયેલું છે, જેને કાસ્ટિંગ કાઉચ તરીકે ઓળખવામાં આવે છે. બોલિવૂડથી લઈને સ્થાનિક મ્યુઝિક ઈન્ડસ્ટ્રી સુધી અવારનવાર શારીરિક શોષણ અને અયોગ્ય શરતોના કિસ્સાઓ સામે આવતા રહે છે. તાજેતરમાં જ હરિયાણવી અને ભોજપુરી મ્યુઝિક વિડીયોઝથી કરોડો ફેન્સના દિલ જીતનારી જાણીતી અભિનેત્રી અંજલિ રાઘવે પોતાના કરિયર સાથે જોડાયેલો એક અત્યંત ચોંકાવનારો અને ખરાબ અનુભવ શેર કર્યો છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન અંજલિએ પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં પોતાની સાથે ઘટેલી કાસ્ટિંગ કાઉચની ઘટનાનો ખુલાસો કરીને સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચાવી દીદો છે.
પંજાબી ગીતના પ્રોજેક્ટ દરમિયાન મુકાઈ હતી અશ્લીલ શરત
અંજલિ રાઘવે પોતાની વાતચીતમાં સ્પષ્ટ કર્યું કે, જ્યારે તેમણે પોતાના કરિયરની શરૂઆત કરી હતી ત્યારે શરૂઆતી દિવસોમાં તેમને ક્યારેય આવા અપ્રિય કે ખરાબ અનુભવોનો સામનો કરવો પડ્યો નહોતો. તે સમયે તેમની સામે ક્યારેય આવા અસામાજિક કે અનૈતિક લોકો આવ્યા ન હતા. પરંતુ, જ્યારે તેઓ ઈન્ડસ્ટ્રીમાં સેટલ થઈ રહ્યા હતા, ત્યારે એક મોટા પંજાબી મ્યુઝિક વિડીયો પ્રોજેક્ટ દરમિયાન તેમની સમક્ષ એક અત્યંત શરમજનક શરત મૂકવામાં આવી હતી. અંજલિના જણાવ્યા અનુસાર, એક પ્રખ્યાત પંજાબી સિંગરની ટીમમાંથી એક વ્યક્તિએ તેમને ગીતમાં મુખ્ય રોલ આપવાના બદલામાં 'કોમ્પ્રોમાઈઝ' (Compromise) કરવાની ખુલ્લેઆમ ડીલ ઓફર કરી હતી.
'સિંગર નહીં, પણ ડાયરેક્ટર કે પ્રોડ્યુસરની હોઈ શકે છે ચાલ'
અંજલિએ આ ગંભીર બાબતે વધુ ખુલાસો કરતા જણાવ્યું હતું કે, આ પ્રકારની નીચ માગ કદાચ તે મુખ્ય ગાયક તરફથી ન હતી. તેમને એવું જ લાગે છે કે આ અશ્લીલ માંગણી પ્રોજેક્ટના ડાયરેક્ટર, પ્રોડ્યુસર અથવા તો ટીમમાં સામેલ કોઈ વચેટિયા વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી. અંજલિએ ઉમેર્યું કે ઘણા લોકો આર્ટિસ્ટ અને મેઈન સ્ટાર વચ્ચેના અંતરનો ગેરફાયદો ઉઠાવીને આ પ્રકારના કામ કરતા હોય છે અને કલાકારોને દબાણમાં લાવવાનો પ્રયત્ન કરે છે.
અભિનેત્રીએ ખરી-ખોટી સંભળાવી, સામેવાળો વ્યક્તિ પોતાની વાત પરથી ફરી ગયો
જ્યારે તે વ્યક્તિએ આ અશ્લીલ અને અનૈતિક માગણી રજૂ કરી, ત્યારે અંજલિ રાઘવનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો. તેમણે સહેજ પણ ડર્યા વગર તે વ્યક્તિનો સખત વિરોધ કર્યો અને તેને જાહેરમાં જ બરાબરની ફિટકાર લગાવી હતી. અંજલિનો આકરો રૂપ અને ગુસ્સો જોઈને તે વ્યક્તિ ગભરાઈ ગયો હતો અને તુરંત પોતાની વાતોમાંથી ફરી જઈને સફાઈ આપવા લાગ્યો હતો. તેણે પોતાની વાત ફેરવતા એવું બહાનું બનાવ્યું કે, "મેં તમને કોમ્પ્રોમાઈઝ કરવાનું નથી કહ્યું! પરંતુ જો તમારી નજરમાં કોઈ એવી છોકરી હોય કે જે કામ માટે તૈયાર હોય તો તેનું નામ બતાવો."
વાત ફેરવવાનો પ્રયાસ કરતા અંજલિનો ગુસ્સો વધુ ભડક્યો
તે વ્યક્તિની આવી નિર્લજ્જ સ્પષ્ટતા અને વાત બદલવાની રમત સાંભળીને અંજલિ રાઘવનો ગુસ્સો બેવડાઈ ગયો હતો. પોતાના સિદ્ધાંતો સાથે ક્યારેય સમાધાન ન કરનારી આ હરિયાણવી અભિનેત્રીએ તે પ્રોજેક્ટને અને તે વ્યક્તિને કડક શબ્દોમાં ફગાવી દીધો હતો. અંજલિ રાઘવના આ ખુલાસા બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ અને ચાહકો તેમના આત્મસન્માન અને હિંમતની ભરપૂર પ્રશંસા કરી રહ્યા છે, જ્યારે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં કામ આપવાના નામે થતા શોષણ સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે.








