Anushka Sharmas: મુંબઈના ચેંબુરમાં ‘દિલ્હી સે’ નામની નાની રેસ્ટોરન્ટ ચલાવતા બે ભાઈઓની કિસ્મત એક સોશિયલ મીડિયા પોસ્ટ અને એક ઓર્ડર બાદ એવી બદલાઈ કે આજે તેઓ કરોડોની કમાણી કરી રહ્યા છે. જસપાલ સિંહ ખાલસા અને તેમના ભાઈ મહિન્દર સિંહ ખાલસા એક સમયે આશરે રૂ.18 લાખના દેવામાં ડૂબેલા હતા અને ધંધો બંધ કરવાની સ્થિતિમાં આવી ગયા હતા. જોકે, સપ્ટેમ્બર 2022માં સ્ટેન્ડ-અપ કોમેડિયન અભિષેક ઉપમન્યુએ તેમના છોલે-બટૂરેની પ્રશંસા કરતી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી હતી. આ પોસ્ટ બાદ ગ્રાહકોની સંખ્યા વધવા લાગી અને થોડા જ સમયમાં આ નાની રેસ્ટોરન્ટની કાયાપલટ શરૂ થઈ ગઈ.
અભિષેક ઉપમન્યુની પોસ્ટ બની ટર્નિંગ પોઈન્ટ
સપ્ટેમ્બર 2022માં અભિષેક ઉપમન્યુ ચેંબુરના કેમ્પ વિસ્તારમાં આવેલી ‘દિલ્હી સે’ રેસ્ટોરન્ટમાં પહોંચ્યા હતા. તેમણે ત્યાંના છોલે-બટૂરેનો સ્વાદ માણ્યા બાદ સોશિયલ મીડિયા પર તેનો રિવ્યૂ શેર કર્યો હતો. શરૂઆતમાં બંને ભાઈઓને ખબર નહોતી કે અભિષેક કોણ છે, પરંતુ તેમની પોસ્ટના એક-બે દિવસમાં જ રેસ્ટોરન્ટમાં ગ્રાહકોની સંખ્યા અચાનક વધી ગઈ હતી. જોકે, સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે આ પોસ્ટ બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા સુધી પહોંચી. 5 ઓક્ટોબર, 2022ના રોજ અનુષ્કા અને વિરાટ કોહલીના ઘરેથી રેસ્ટોરન્ટમાં ફોન આવ્યો અને જુહુ ખાતે છોલે-બટૂરેની બે પ્લેટ મોકલવા ઓર્ડર આપવામાં આવ્યો.
રૂ.240ના ઓર્ડર માટે આવ્યો વિરાટના ઘરેથી ફોન
એક પ્લેટની કિંમત રૂ.120 હોવાથી બે પ્લેટનો ઓર્ડર માત્ર રૂ.240નો હતો. બીજી તરફ ચેંબુરથી જુહુ આવવા-જવાનો ખર્ચ આશરે રૂ.400 થતો હતો. જસપાલે જ્યારે આ અંગે જણાવ્યું ત્યારે સામેથી વધારાનો ખર્ચ ચૂકવવાની વાત કરવામાં આવી. ત્યારબાદ પેમેન્ટ માટે QR કોડને બદલે બૅંક ડિટેલ્સ માંગવામાં આવતા જસપાલને શંકા ગઈ. તેમણે પહેલાં પૈસા આપવાની વાત કરી અને પોતાના ભાઈ મહિન્દરને ફોન કરીને સમગ્ર મામલો જણાવ્યો. જસપાલને તો ડર હતો કે ક્યાંક કોઈ તેમના બૅંક એકાઉન્ટને હેક કરવાનો પ્રયાસ તો નથી કરી રહ્યું, કારણ કે તેમનું ખાતું પહેલેથી જ નેગેટિવ બેલેન્સમાં હતું. લગભગ 10 વખત ફોન આવ્યા બાદ જ્યારે સામેની વ્યક્તિએ જણાવ્યું કે તે વિરાટ કોહલીના ઘરેથી બોલી રહી છે, ત્યારે પણ બંને ભાઈઓને વિશ્વાસ થયો નહોતો.
અનુષ્કાની પોસ્ટથી અડધા કલાકમાં રેસ્ટોરન્ટ બહાર ભીડ
આખરે ઓર્ડર પહોંચાડ્યા બાદ સ્ટાફ મેમ્બરે બંને ભાઈઓને પૂછ્યું કે તેઓ ઇન્સ્ટાગ્રામ વાપરે છે કે નહીં અને અનુષ્કા-વિરાટને ફોલો કરે છે કે નહીં. ત્યારબાદ અનુષ્કા શર્માની સોશિયલ મીડિયા સ્ટોરી મોકલવામાં આવી, જેમાં તેમણે મુંબઈમાં દિલ્હીના સ્વાદ જેવા છોલે-બટૂરે મળ્યાની ખુશી વ્યક્ત કરી હતી. આ પોસ્ટ સામે આવ્યાના માત્ર અડધા કલાકમાં રેસ્ટોરન્ટની બહાર મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી અને સ્થિતિ એટલી વધી કે પોલીસને પણ બોલાવવી પડી. ગ્રાહકો 6થી 10 પ્લેટ સુધીના ઓર્ડર આપવા લાગ્યા. સ્ટોક ખૂટી પડતાં આસપાસથી સામાન લાવીને કામ ચલાવવું પડ્યું અને માત્ર ત્રણ દિવસમાં ઉત્પાદન 10 ગણું વધી ગયું. જે રેસ્ટોરન્ટ પહેલાં મહિને માંડ રૂ.1 લાખની કમાણી કરતી હતી અને રૂ.18 લાખના દેવાના કારણે બંધ થવાના આરે હતી, ત્યાં આજે 8 કિલોથી વધીને 100 કિલો છોલેનું ઉત્પાદન થાય છે અને રેસ્ટોરન્ટના 4 આઉટલેટ્સમાંથી દર મહિને રૂ.2 કરોડની કમાણી થતી હોવાનું જણાવાયું છે.








