Priyanka Chopra Indian Culture USA: બોલિવૂડ અને હોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ ભલે અમેરિકન સિંગર નિક જોનાસ સાથે લગ્ન કરીને વિદેશમાં ઘર વસાવ્યું હોય, પરંતુ તે પોતાના ભારતીય મૂળ, સંસ્કાર અને સંસ્કૃતિને ક્યારેય ભૂલી નથી. પ્રિયંકા આ જ સનાતન મૂલ્યો અને સંસ્કાર પોતાની 4 વર્ષની વહાલી દીકરી માલતી મેરીને પણ આપી રહી છે. તાજેતરમાં જ પ્રિયંકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ક્યૂટ વીડિયો શેર કર્યો છે, જેમાં તે માલતીને ખોળામાં બેસાડીને પ્રેમથી દુર્ગા સપ્તશતીના મંત્રો શિખવાડતી નજરે પડે છે. પ્રિયંકા મંત્ર બોલે છે અને નાની માલતી તેની પાછળ પાછળ તેને દોહરાવવાનો પ્રયાસ કરે છે.
"મમ્મા અને મામાસિટા" - વીડિયોમાં દેખાઈ પ્રિયંકાની બે અલગ પર્સનાલિટી
પ્રિયંકા ચોપરાએ આ વિડીયો શેર કરતા કેપ્શનમાં લખ્યું કે તે એક 'મમ્મા' પણ છે અને 'મામાસિટા' (Mamacita) પણ છે. વીડિયોના પહેલા ભાગમાં પ્રિયંકા તેની પુત્રીને ભક્તિભાવ સાથે મંત્રોચ્ચાર કરતા શિખવાડે છે, જ્યારે વીડિયોના બીજા ભાગમાં તે એક સુંદર ડ્રેસ પહેરીને ગ્લેમરસ અંદાજમાં ડાન્સ કરતી જોવા મળે છે. પ્રિયંકાના આ વિડીયોને લાખો વ્યુઝ અને લાઈક્સ મળી ચૂક્યા છે.
વીડિયો જોઈને ગદગદ થયા ફેન્સ, સંસ્કારોના કર્યા મુક્તકંઠે વખાણ
આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ ફેન્સે પ્રિયંકા અને માલતી પર પ્રેમનો વરસાદ વરસાવ્યો છે. એક ચાહકે કોમેન્ટ કરતા લખ્યું, "એટલા માટે જ તું અમારી ફેવરિટ છે!" અન્ય એક યુઝરે લખ્યું, "બાળકોને નાનપણથી જ ભગવાન સાથે જોડવા ખૂબ જરૂરી છે, પ્રથમ ગુરુ માતા-પિતા જ હોય છે." ઘણા યુઝર્સે માલતીની તોતડી ભાષામાં મંત્રો બોલવાની માસુમિયતની પ્રશંસા કરી હતી અને પ્રિયંકાની ભારતીય સંસ્કૃતિ જાળવી રાખવાની આદતને બિરદાવી હતી.
બાળકી માટે સિક્યુરિટી રાખવા પાછળનું સાચું કારણ બતાવ્યું
તાજેતરમાં જ આપેલી એક મુલાકાતમાં પ્રિયંકા ચોપરાએ પોતાની પુત્રી માલતીની આસપાસ સિક્યુરિટી ગાર્ડ્સ રાખવાના કારણ વિશે ખુલાસો કર્યો હતો. પ્રિયંકાએ જણાવ્યું હતું કે, "મને ફેન્સ સાથે ફોટો પડાવવામાં કોઈ વાંધો નથી, પરંતુ મારી પુત્રીની પ્રાઈવસી જળવાઈ રહે તે માટે સિક્યુરિટી જરૂરી છે. ઘણીવાર એવું બને છે કે, અમે પાર્કમાં હોઈએ કે આઈસ્ક્રીમ ખાતા હોઈએ અને અમારી સંમતિ વગર કોઈ વીડિયો બનાવીને ઓનલાઈન મૂકી દે છે. આ જ કારણસર માલતીની સુરક્ષા માટે ગાર્ડ્સ રાખવા પડ્યા છે."








