Hanuman Ansh 2: ફિલ્મ ‘હનુમાન અંશ’ને દર્શકો તરફથી મળેલા સારા પ્રતિસાદ બાદ હવે તેના બીજા ભાગને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. ફિલ્મની વાર્તા હજુ પૂરી થઈ નથી અને નિર્માતાઓએ સિક્વલ બનાવવાની દિશામાં કામ શરૂ કરી દીધું છે. ફિલ્મના લેખક-દિગ્દર્શક વિશાલ ચતુર્વેદીએ પણ ‘હનુમાન અંશ 2’ને લઈને મહત્વની માહિતી શેર કરી છે.
ઓછા બજેટમાં ફિલ્મે બનાવી મોટી અસર
‘હનુમાન અંશ’ ખૂબ જ ઓછા બજેટમાં બનાવવામાં આવેલી ફિલ્મ છે. ફિલ્મનું બજેટ આશરે ₹1.8થી ₹2 કરોડ હોવાનું જણાવવામાં આવ્યું છે. મોટા સ્ટાર્સ અને ભારે-ભરખમ VFX વગર બનેલી આ ફિલ્મને શરૂઆતમાં ખાસ મોટું પ્રમોશન મળ્યું નહોતું. જો, કે ફિલ્મ જોનારા દર્શકોએ તેની પ્રશંસા કરી અને સોશિયલ મીડિયા તથા મૌખિક પ્રચારના કારણે ધીમે-ધીમે થિયેટરોમાં દર્શકોની સંખ્યા વધતી ગઈ. નીમ કરોલી બાબાના જીવન અને હનુમાનજી પ્રત્યેની તેમની ભક્તિને દર્શાવતી આ વાર્તાને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે.
ભાગ-2માં જોવા મળશે નીમ કરોલી બાબાના જીવનનો નવો અધ્યાય
ફિલ્મનો પ્રથમ ભાગ સિક્વલની શક્યતા સાથે પૂરો થાય છે. અંતમાં પણ સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે નીમ કરોલી બાબાની વાર્તા હજુ અધૂરી છે. ફિલ્મના લેખક અને દિગ્દર્શક વિશાલ ચતુર્વેદીના જણાવ્યા પ્રમાણે, ‘હનુમાન અંશ 2’ પર કામ શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. સિક્વલમાં નીમ કરોલી બાબાના જન્મસ્થળ ફિરોઝાબાદને મહત્વ આપવામાં આવશે. ત્યારબાદ તેમના જીવન સાથે જોડાયેલા આગ્રા અને મથુરાના પ્રસંગોને પણ વાર્તામાં સામેલ કરવામાં આવશે.
‘હનુમાન અંશ’ની સત્તાવાર જાહેરાત ક્યારે થઈ હતી?
‘હનુમાન અંશ’ની સત્તાવાર જાહેરાત આ વર્ષે 20 ફેબ્રુઆરીએ કરવામાં આવી હતી. તે સમયે નિર્માતાઓએ ફિલ્મને ‘ડિવાઇન ડેટૂર’ પુસ્તકથી પ્રેરિત ત્રિકોણીય શ્રેણી તરીકે રજૂ કરવાની વાત કરી હતી. હાલમાં સિક્વલની ચોક્કસ રિલીઝ તારીખ અથવા શૂટિંગ ક્યારે શરૂ થશે તેની સત્તાવાર માહિતી સામે આવી નથી. જોકે, ફિલ્મના દિગ્દર્શક દ્વારા સિક્વલ અંગે આપવામાં આવેલા સંકેતો બાદ દર્શકોમાં ‘હનુમાન અંશ 2’ને લઈને ઉત્સુકતા વધી છે.
બોક્સ ઓફિસ પર પણ ચર્ચામાં ફિલ્મ
'હનુમાન અંશ'ને મળેલા સારા પ્રતિસાદને કારણે ફિલ્મની કમાણી પણ સતત ચર્ચામાં રહી છે. ઓછા બજેટમાં બનેલી ફિલ્મે શરૂઆતના તબક્કા બાદ બોક્સ ઓફિસ પર ઝડપથી ગતિ પકડી હતી. ફિલ્મની સફળતા પાછળ દર્શકોનો મૌખિક પ્રતિસાદ અને નીમ કરોલી બાબા પ્રત્યેની લોકોની આસ્થા મહત્વપૂર્ણ કારણ હોવાનું માનવામાં આવે છે. હવે ફિલ્મનો બીજો ભાગ આ સફળતાને કેટલી આગળ લઈ જાય છે તેના પર સૌની નજર રહેશે.








