Haiwaan Movie Trailer Reaction: અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'હેવાન'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. 2 મિનિટ 34 સેકન્ડના આ ટ્રેલરમાં સસ્પેન્સ, ક્રાઇમ અને થ્રિલથી ભરેલી કહાનીની જોરદાર ઝલક જોવા મળે છે. ખાસ વાત એ છે કે અક્ષય કુમાર પહેલીવાર એક ખતરનાક સાયકોપાથ વિલનના અવતારમાં જોવા મળી રહ્યો છે.
અક્ષય કુમારના વિલન અવતારે વધાર્યો રોમાંચ
ટ્રેલરમાં અક્ષય કુમારનું પાત્ર અત્યંત ખતરનાક અને રહસ્યમય દેખાઈ રહ્યું છે. તેનો સાયકોપાથ વિલનનો લુક અને ડરામણો અંદાજ ચાહકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. લાંબા સમય બાદ અક્ષયને સંપૂર્ણ નેગેટિવ ભૂમિકામાં જોવા મળતાં સોશિયલ મીડિયા પર પણ ફિલ્મની ચર્ચા તેજ બની છે. બીજી તરફ સૈફ અલી ખાન એક દ્રષ્ટિહીન લિફ્ટમેન અને સિંગલ ફાધરની ભૂમિકામાં જોવા મળે છે. તે માર્શલ આર્ટ્સમાં પણ નિષ્ણાત છે.
મર્ડરનો સાક્ષી બને છે સૈફ, પછી શરૂ થાય છે ખેલ
ફિલ્મની કહાનીમાં સૈફ અલી ખાનનું પાત્ર અકસ્માતે એક હત્યાનું સાક્ષી બની જાય છે. ત્યારબાદ કાયદો પણ તેની પાછળ પડે છે અને તે મુશ્કેલીમાં ફસાઈ જાય છે. જો, કે દ્રષ્ટિહીન હોવા છતાં તેની તીવ્ર સાંભળવાની અને અવાજ ઓળખવાની ક્ષમતા તેને હત્યારા સુધી પહોંચવામાં મદદ કરે છે. આ દરમિયાન અક્ષય કુમારના ખતરનાક પાત્ર સાથે તેનો સીધો મુકાબલો થાય છે.
17 વર્ષ બાદ ફરી સાથે જોવા મળશે અક્ષય-સૈફ
'હેવાન'ની સૌથી મોટી ખાસિયતોમાંની એક અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની જોડી છે. બંને કલાકારો લગભગ 17 વર્ષ બાદ ફરી મોટા પડદા પર સાથે જોવા મળશે. આ પહેલાં બંને 2008માં આવેલી ફિલ્મ 'તશન'માં સાથે જોવા મળ્યા હતા. આ ઉપરાંત 1990ના દાયકામાં બંનેએ 'મૈં ખિલાડી તૂ અનાડી', 'યે દિલ્લગી', 'તૂ ચોર મૈં સિપાહી' અને 'કીમત' જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.
મલયાલમ ફિલ્મ 'ઓપ્પમ'ની હિન્દી રિમેક
'હેવાન' વર્ષ 2016માં આવેલી મલયાલમ ફિલ્મ 'ઓપ્પમ'ની ઓફિશિયલ હિન્દી રિમેક હોવાનું જણાવાયું છે. ફિલ્મમાં અક્ષય અને સૈફ ઉપરાંત બોમન ઈરાની, સૈયામી ખેર, શ્રિયા પિલગાંવકર, શરીબ હાશ્મી અને રાજપાલ યાદવ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન વેંકટ કે. નારાયણ અને શૈલજા દેસાઈ ફેને સાથે મળીને કર્યું છે.
11 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં થશે રિલીઝ
અક્ષય કુમારનો ખતરનાક વિલન અવતાર, સૈફનું દ્રષ્ટિહીન પાત્ર અને બંને વચ્ચેનો જોરદાર મુકાબલો ફિલ્મને લઈને ઉત્સુકતા વધારી રહ્યો છે. હવે દર્શકોની નજર એ વાત પર છે, કે 'હેવાન' બોક્સ ઓફિસ પર કેટલો ધમાકો કરે છે. 'હેવાન' 11 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.








