Govinda, Sunita Ahuja and Komal Rani Controversy: બોલિવૂડના સુપરસ્ટાર ગોવિંદા અને અભિનેત્રી કોમલ રાની સ્વર્ણકારના સંબંધોને લઈને છેલ્લા કેટલાક સમયથી અફવાઓનું બજાર ગરમ છે. તાજેતરમાં ગોવિંદાની પત્ની સુનિતા આહુજાના એક નિવેદન બાદ આ વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. સોશિયલ મીડિયાથી લઈને બોલિવૂડના ગલિયારા સુધી આ મામલો અત્યારે ચર્ચાના કેન્દ્રસ્થાને છે. બંને પક્ષો તરફથી આવી રહેલા નિવેદનોને કારણે ફેન્સ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે અને આ મામલે સતત નવી વાતો સામે આવી રહી છે.
મંદિરમાં સુનિતા આહુજાનું ભાવુક નિવેદન
સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ગોવિંદા અને કોમલ રાની મુંબઈના પ્રખ્યાત લાલબાગચા રાજાના દર્શન કરવા એકસાથે પહોંચ્યા હતા. તેના થોડા દિવસો બાદ સુનિતા આહુજા કલકત્તાના દક્ષિણેશ્વર કાલી મંદિરે પહોંચ્યા હતા. ત્યાંથી સામે આવેલા એક વીડિયોમાં સુનિતા અત્યંત ભાવુક દેખાયા હતા અને તેમણે કહ્યું હતું કે, "વિના કારણે મારું ઘર તૂટી રહ્યું છે." આ ઉપરાંત, તેમણે પેપરાઝી સામે પોતાના પાલતુ શ્વાન સાથે વાત કરતા કટાક્ષ કર્યો હતો કે માણસો કરતાં પ્રાણીઓ વધારે વફાદાર હોય છે, જે સીધો ઈશારો ગોવિંદા તરફ માનવામાં આવ્યો હતો.
ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા કોમલ રાનીનો તીખો પલટવાર
સુનિતાના આ ભાવુક નિવેદન બાદ અભિનેત્રી કોમલ રાનીએ પણ મૌન તોડ્યું છે. તેમણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક લાંબી પોસ્ટ શેર કરીને સુનિતા આહુજા પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. કોમલે લખ્યું કે, "જે ઘર પહેલાથી જ તૂટેલું હોય, તેને બીજું કોઈ તોડી શકતું નથી." તેમણે વધુમાં ઉમેર્યું કે કેટલાક લોકો સહાનુભૂતિ મેળવવા માટે પબ્લિક સામે દર્દનો નાટક કરે છે. કોમલે સુનિતા પર માનસિક ત્રાસ આપવાનો અને કાવતરું ઘડવાનો આરોપ લગાવતા કહ્યું કે પોતાના સ્વાર્થ માટે તેમના નામનો દુરુપયોગ બંધ કરવામાં આવે.
ગોવિંદાનો રોષ અને આક્ષેપો પર સ્પષ્ટતા
આ સમગ્ર વિવાદ પર બોલિવૂડના 'હીરો નંબર 1' એટલે કે ગોવિંદાએ પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે તેઓ પોતાની આગામી ફિલ્મ 'રૂપા'ની સફળતા માટે લાલબાગચા રાજાના આશીર્વાદ લેવા ગયા હતા. ગોવિંદાએ ભૂતકાળના ઉદાહરણો આપતા કહ્યું કે અગાઉ પણ તેઓ પોતાની ફિલ્મો હિટ જાય તે માટે કરિશ્મા કપૂર અને રવીના ટંડન સાથે દર્શન કરવા ગયા હતા. તેમણે સવાલ ઉઠાવ્યો કે આ વખતે કોમલ રાની સાથે જવાથી લોકોને શા માટે આટલી બધી તકલીફ થઈ રહી છે.
અફવાઓનું મૂળ અને સત્ય શું છે?
ગોવિંદા અને કોમલ રાની વચ્ચે રોમેન્ટિક સંબંધોની અફવાઓ ત્યારે શરૂ થઈ હતી જ્યારે બંનેને મુંબઈ એરપોર્ટ પર એકસાથે સ્પોટ કરવામાં આવ્યા હતા. વાસ્તવમાં કોમલ રાની, ગોવિંદા સાથે ફિલ્મ 'રૂપા'માં કામ કરી રહી છે. બંને તરફથી આ માત્ર એક વ્યાવસાયિક સંબંધ હોવાનું કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગોવિંદા અને સુનિતાના લગ્ન વર્ષ 1987માં થયા હતા અને તેમને બે બાળકો ટીના અને યશવર્ધન છે. હાલમાં આ કથિત અફેર માત્ર અટકળો જ છે, પરંતુ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા આક્ષેપ-પ્રતિઆક્ષેપે આ મામલાને વધુ ગરમ બનાવી દીધો છે.








