Malaika Arora Slams Khesari Lal Yadav: મુંબઈમાં યોજાયેલા એક રેડ કાર્પેટ ઈવેન્ટ દરમિયાન બનેલી ઘટનાએ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે. ભોજપુરી અભિનેતા ખેસારી લાલ યાદવનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ફોટોશૂટ દરમિયાન એક રખડતા શ્વાનને બળજબરીથી ત્યાંથી હટાવવામાં આવતો જોવા મળે છે. આ વીડિયો સામે આવ્યા બાદ અભિનેત્રી મલાઈકા અરોરાએ સોશિયલ મીડિયા પર કડક પ્રતિક્રિયા આપતાં ઘટનાને 'ઘૃણાસ્પદ' ગણાવી છે.
શું છે સમગ્ર મામલો?
મુંબઈમાં યોજાયેલા એક ઈવેન્ટ દરમિયાન ખેસારી લાલ યાદવ મીડિયા સામે પોઝ આપવા પહોંચ્યા હતા. તે સમયે ગ્રીન કાર્પેટ પર એક રખડતું શ્વાન બેઠેલું હતું. વાયરલ વીડિયોમાં જોવા મળે છે, કે ઈવેન્ટ સ્ટાફનો એક સભ્ય શ્વાનને ઘસડીને ત્યાંથી દૂર લઈ જાય છે, જ્યારે ખેસારી લાલ યાદવ આ સમગ્ર ઘટના દરમિયાન ત્યાં જ ઊભા રહી ફોટોશૂટ ચાલુ રાખે છે. આ દૃશ્યને લઈને સોશિયલ મીડિયા પર અનેક લોકોએ નારાજગી વ્યક્ત કરી છે.
મલાઈકા અરોરાનો તીખો સવાલ
પ્રાણીઓ પ્રત્યેના પ્રેમ માટે જાણીતી મલાઈકા અરોરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ વીડિયો શેર કરીને આક્રોશ વ્યક્ત કર્યો. તેમણે લખ્યું કે, "આ કેવા લોકો છે? અને આ માણસ કોણ છે જે ત્યાં ઊભો રહીને પોઝ આપી રહ્યો છે? ખૂબ જ ઘૃણાસ્પદ." ત્યારબાદ બીજી પોસ્ટમાં તેમણે વધુ કડક શબ્દોમાં સવાલ ઉઠાવ્યો કે, "આ માણસ છે કોણ? શું ફોટો પડાવવો એટલો જરૂરી હતો?"
સોશિયલ મીડિયા પર છવાઈ ચર્ચા
મલાઈકા અરોરાની પ્રતિક્રિયા બાદ સોશિયલ મીડિયા પર લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. કેટલાક યુઝર્સે પ્રાણી સાથે થયેલી વર્તણૂકની ટીકા કરીને ઈવેન્ટ મેનેજમેન્ટ અને ખેસારી લાલ યાદવને જવાબદાર ગણાવ્યા છે, જ્યારે તેમના સમર્થકોનું કહેવું છે, કે શ્વાનને હટાવવાની કાર્યવાહી સ્ટાફે કરી હતી અને તેમાં અભિનેતાનો સીધો હાથ નહોતો.
ખેસારી લાલ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા નહીં
આ સમગ્ર વિવાદ વચ્ચે ખેસારી લાલ યાદવ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. બીજી તરફ મલાઈકા અરોરા અવારનવાર રખડતા પ્રાણીઓની સંભાળ લેતી અને તેમની મદદ કરતી જોવા મળે છે, જેના કારણે આ ઘટનાને લઈને તેમની પ્રતિક્રિયાએ સોશિયલ મીડિયા પર વધુ ચર્ચા જગાવી છે.








