Emraan Hashmi Gunmaster G9 Stunt Accident SUV Flip: બોલિવૂડ સુપરસ્ટાર ઇમરાન હાશ્મી પોતાની આગામી મોસ્ટ અવેટેડ એક્શન-રોમેન્ટિક ફિલ્મ 'ગનમાસ્ટર જી-9'ના શૂટિંગને લઈને ભારે ચર્ચામાં છે. બેંગલુરુમાં ફિલ્મ પૂરજોશમાં ચાલી રહેલા ક્લાઇમેક્સ સિક્વન્સના શૂટિંગ દરમિયાન ભયાનક અકસ્માત થતાં થતાં રહી ગયો હતો. ક્રેઈનની મદદથી હવામાં લટકાવવામાં આવેલી એક એસયુવી કાર સ્ટન્ટ શરૂ થતાં જ અચાનક અનિયંત્રિત થઈને હવામાં જ ગોથાં ખાવા લાગી હતી અને નીચે ઉભેલી કાળા રંગની વલેન કારની છત પર ધડાકાભેર ખાબકી હતી.
ઇમરાન હાશ્મીના ચહેરા નજીક જ કાર પડતાં સેટ પર અફરાતફરી સર્જાઈ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, આ ખતરનાક સ્ટન્ટ શરૂ થતાં પહેલાં ક્રૂ મેમ્બર્સ કાઉન્ટડાઉન કરી રહ્યા હતા પરંતુ, અચાનક જ કાર પલટી મારીને ઇમરાન હાશ્મીના અત્યંત નજીક પડી હતી. આ દ્રશ્ય જોઈને સેટ પર હાજર ક્રૂ મેમ્બર્સ અને ટીમમાં ક્ષણભર માટે ભારે ડર અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે, આ ઘટનામાં ઇમરાન હાશ્મી કે અન્ય કોઈ સ્ટન્ટમેન અથવા ક્રૂ મેમ્બરને ગંભીર ઈજા પહોંચી નથી અને મોટો અકસ્માત ટળ્યો છે.
મેકર્સ તરફથી સત્તાવાર સ્પષ્ટતાની રાહ
આ વાયરલ વીડિયો સામે આવ્યા બાદ ચાહકો અને સિનેપ્રેમીઓમાં ઇમરાન હાશ્મીની સુરક્ષાને લઈને ભારે ચિંતા વ્યાપી ગઈ છે. જોકે, ફિલ્મ નિર્માતા દીપક મુકુટ કે દિગ્દર્શક તરફથી હજુ સુધી એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે આ કારનું પલટવું એ પૂર્વ-નિર્ધારિત સ્ક્રિપ્ટ અને પ્લાનિંગનો ભાગ હતું કે પછી ક્રેન અને કેબલ્સમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાવાને કારણે આ અકસ્માત થયો હતો.
અગાઉ હરિદ્વારમાં 'બાર એન્ડ કેફે' સેટને લઈને સર્જાયો હતો વિવાદ
નોંધનીય છે કે 'ગનમાસ્ટર G-9'નું શૂટિંગ આ અગાઉ જૂન મહિનામાં પણ એક વિવાદને કારણે મીડિયાની સુર્ખીઓમાં રહ્યું હતું. ઉત્તરાખંડના પવિત્ર ધામ હરિદ્વાર ખાતે શૂટિંગ લોકેશન પર 'બાર એન્ડ કેફે' નું આર્ટિફિશિયલ બોર્ડ લગાવવામાં આવ્યું હતું. સ્થાનિક નાગરિકોએ તેને વાસ્તવિક બાર સમજીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને શૂટિંગ અટકાવ્યું હતું. ત્યારબાદ નિર્માતા દીપક મુકુટે ધાર્મિક ભવનાઓને ઠેસ પહોંચાડવાનો કોઈ ઈરાદો ન હોવાની સ્પષ્ટતા કરીને સ્થાનિકો સાથે મામલો શાંત પાડ્યો હતો.
27 નવેમ્બરના રોજ રિલીઝ થશે ફિલ્મ
આદિત્ય દત્ત દ્વારા નિર્દેશિત આ હાઇ-ઓક્ટેન એક્શન ફિલ્મમાં ઇમરાન હાશ્મી સાથે જેનિલિયા ડિસોઝા, અપારશક્તિ ખુરાના અને અભિષેક સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. હિમેશ રેશમિયાના સંગીતથી સજ્જ આ ફિલ્મ વિશ્વભરના સિનેમાઘરોમાં 27 નવેમ્બર, 2026ના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મમાં ઇમરાન હાશ્મી 'ઈશ્વર' નામના ડેરી ફાર્મના માલિકનો રોલ કરી રહ્યા છે જે પોતાની પ્રેમિકાના રક્ષણ માટે ગનમાસ્ટર બનીને દુશ્મનો સામે લડે છે.








