Madhuri Dixit Husband Dr Shriram Nene: બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિતના પતિ અને જાણીતા કાર્ડિયોથોરેસિક સર્જન ડૉ. શ્રીરામ નેનેનું પહેલું પુસ્તક ‘21 Days to Good Health’ 10 ઓક્ટોબરે લોન્ચ થયું છે. આ પુસ્તકમાં તેમણે સ્વસ્થ જીવન જીવવા માટે નાની-નાની સારી આદતો અપનાવવાની સલાહ આપી છે. એક ખાસ વાતચીત દરમિયાન ડૉ. નેનેએ ખાણીપીણી, કસરત, ઊંઘ, તણાવ અને માનસિક સ્વાસ્થ્ય અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે માધુરી દીક્ષિતની ફિટનેસની આદતો વિશે પણ વાત કરી હતી. ડૉ. નેનેના મતે, માત્ર બહારથી સારું દેખાવું એ સ્વાસ્થ્યની નિશાની નથી, પરંતુ શરીરની ક્ષમતા અને સ્વસ્થ જીવન જીવવું વધુ મહત્ત્વનું છે.
બીમારી આવે એ પહેલાં જીવનશૈલી સુધારવી જરૂરી
ડૉ. શ્રીરામ નેનેએ જણાવ્યું કે હાર્ટ સર્જન તરીકે તેમણે એવા ઘણા દર્દીઓ જોયા છે, જેમની સારવાર દરમિયાન જીવન અને મૃત્યુ વચ્ચે બહુ નાનો તફાવત રહી જાય છે. સર્જરી દ્વારા દર્દીનો જીવ બચાવી શકાય છે, પરંતુ વર્ષો સુધી ખરાબ જીવનશૈલીના કારણે શરીરને થયેલું નુકસાન તરત દૂર કરવું શક્ય નથી. આ અનુભવમાંથી તેમને લોકોને બીમારી ગંભીર બને એ પહેલાં જ સ્વસ્થ આદતો અપનાવવા માટે પ્રેરિત કરવાનો વિચાર આવ્યો. આ જ તેમના પુસ્તક ‘21 Days to Good Health’ પાછળની મુખ્ય પ્રેરણા બની.
શું 21 દિવસમાં બદલાઈ શકે છે જીવન?
ડૉ. નેનેના જણાવ્યા અનુસાર, 21 દિવસમાં સારી આદતો અપનાવવાની શરૂઆત કરી શકાય છે, પરંતુ નવી આદતને જીવનનો કાયમી ભાગ બનાવવામાં વધુ સમય લાગી શકે છે. તેમણે જણાવ્યું કે નવી આદતો વિકસાવવામાં લગભગ 56થી 66 દિવસ પણ લાગી શકે છે. તેથી માત્ર થોડા દિવસ પ્રયત્ન કરવાને બદલે સતત સારી આદતો જાળવી રાખવી જરૂરી છે. તેમણે સ્વાસ્થ્યના પાંચ મહત્ત્વના આધાર ગણાવ્યા છે. તેમાં યોગ્ય ખાણીપીણી, શારીરિક પ્રવૃત્તિ, સારી ઊંઘ, તણાવનું સંચાલન અને સકારાત્મક વિચારો સાથે લોકો સાથેનું જોડાણ તથા જીવનનો હેતુ સામેલ છે. આ બાબતોને રોજિંદા જીવનમાં સ્થાન આપવાથી સ્વાસ્થ્યમાં લાંબા ગાળે સુધારો લાવવામાં મદદ મળી શકે છે.
સોશિયલ મીડિયા પરની હેલ્થ ટિપ્સ આંખ બંધ કરીને ન માનો
આજના સમયમાં સોશિયલ મીડિયા પર સ્વાસ્થ્યને લગતી અસંખ્ય ટિપ્સ અને દાવાઓ જોવા મળે છે. ડૉ. નેનેએ લોકોને આવી માહિતીની સત્યતા તપાસવાની સલાહ આપી છે. તેમના મતે, કોઈ વ્યક્તિ પોતાને નિષ્ણાત ગણાવે એટલા માત્રથી તેની વાત સાચી બની જતી નથી. તેમણે જણાવ્યું કે કોઈપણ હેલ્થ ટિપ્સ અપનાવતાં પહેલાં માહિતી આપનાર વ્યક્તિની યોગ્યતા, સંશોધનના પુરાવા અને તેની પાછળના આંકડાઓ તપાસવા જોઈએ. કેટલીક વખત પ્રયોગશાળામાં અથવા પ્રાણીઓ પર થયેલા સંશોધનના પરિણામોને માણસો માટે પણ સાચાં હોય તેમ રજૂ કરવામાં આવે છે. તેથી સંશોધનનો સંદર્ભ સમજવો જરૂરી છે. આ જ રીતે, AI દ્વારા મળેલી સ્વાસ્થ્ય સંબંધિત માહિતીને પણ તપાસ્યા વિના સાચી માની લેવી જોઈએ નહીં.
એક કલાક જીમમાં જવાથી જ સ્વાસ્થ્ય સારું નહીં રહે
ભારતમાં બદલાતી જીવનશૈલી અને ખાણીપીણી અંગે ચિંતા વ્યક્ત કરતાં ડૉ. નેનેએ કહ્યું કે આજકાલ લોકો વધુ કેલરીવાળો ખોરાક સરળતાથી મેળવી શકે છે, જ્યારે રોજિંદી શારીરિક પ્રવૃત્તિ ઘટી રહી છે. તેમના મતે, દિવસમાં એક કલાક જીમમાં કસરત કર્યા પછી પણ જો બાકીનો મોટાભાગનો સમય બેસીને પસાર કરવામાં આવે, તો માત્ર કસરત પૂરતી નથી. આખા દિવસ દરમિયાન ચાલવું, હલનચલન કરવું અને ખાણીપીણી પર ધ્યાન આપવું પણ એટલું જ જરૂરી છે. તેમણે સારી ઊંઘ, માનસિક શાંતિ અને તણાવ પર નિયંત્રણ રાખવા પર પણ ભાર મૂક્યો હતો. ફોન, OTT અને સોશિયલ મીડિયા પાછળ વધુ સમય પસાર કરવાને બદલે પરિવાર સાથે સમય વિતાવવો જોઈએ. ડૉ. નેનેના જણાવ્યા અનુસાર, ક્યારેક ફોનને એક બાજુ રાખીને પરિવાર સાથે વાતચીત કરવી પણ જીવનશૈલીમાં સકારાત્મક ફેરફાર લાવી શકે છે.
માધુરી દીક્ષિતની ફિટનેસનું રહસ્ય શું છે?
ડૉ. શ્રીરામ નેનેએ પત્ની માધુરી દીક્ષિતની ફિટનેસ અંગે વાત કરતાં જણાવ્યું કે તેઓ ખૂબ જ અનુશાસિત છે. તેમને માધુરીની ડાન્સ કરવાની આદત સૌથી વધુ ગમે છે. માધુરી માટે ડાન્સ માત્ર કસરત નથી, પરંતુ આનંદ મેળવવાનો અને લોકો સાથે જોડાવાનો એક માર્ગ પણ છે. ડૉ. નેનેના મતે, જો કોઈ વ્યક્તિને એવી શારીરિક પ્રવૃત્તિ મળી જાય, જે કરવામાં તેને આનંદ આવે, તો તેને નિયમિત રીતે ચાલુ રાખવી સરળ બને છે. માધુરી પોતાના ખાણીપીણીના નિયમોનું પણ ધ્યાન રાખે છે અને ક્યારેક ચીટ મીલ લેતી વખતે પણ ખાવાના પ્રમાણ પર નિયંત્રણ રાખે છે. ઘરમાં બાળકોના મામલે ડૉ. નેને પોતાને વધુ કડક ગણાવે છે, જ્યારે સ્વાસ્થ્યના મામલે માધુરી વધુ અનુશાસિત હોવાનું તેમણે જણાવ્યું હતું. માધુરીએ તેમનું પુસ્તક વાંચ્યું છે અને તેમને તે સરળતાથી સમજી શકાય એવું તથા લોકો માટે ઉપયોગી લાગ્યું હોવાનું પણ ડૉ. નેનેએ જણાવ્યું.
ડૉ. નેનેએ 21 કિલો વજન ઘટાડ્યું
પોતાના સ્વાસ્થ્ય વિશે વાત કરતાં ડૉ. નેનેએ જણાવ્યું કે તેમણે લગભગ 21 કિલો વજન ઘટાડ્યું છે. તેઓ અઠવાડિયામાં છ દિવસ વર્કઆઉટ કરે છે અને પોતાની કેલરીની માત્રા પર પણ ધ્યાન આપે છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે માત્ર શરીર કેવું દેખાય છે તેના આધારે સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરવું યોગ્ય નથી. એબ્સ દેખાવા એ સ્વાસ્થ્યનું એકમાત્ર માપદંડ નથી. વ્યક્તિ કેટલી સરળતાથી સીડી ચડી શકે છે, તેની તાકાત કેટલી છે, તે કેટલું ચાલી કે દોડી શકે છે અને તેના શરીરનું સંતુલન કેવું છે, તે પણ મહત્ત્વનું છે. તેમના મતે, ઉંમર વધવાની સાથે હૃદયનું સ્વાસ્થ્ય, ચાલવાની ક્ષમતા, શરીરનું સંતુલન, લવચીકતા અને સ્નાયુઓની તાકાત જાળવી રાખવી જરૂરી છે. લાંબું જીવવા કરતાં સ્વસ્થ રહીને જીવન જીવવું વધુ મહત્ત્વનું છે.
લગભગ અઢી વર્ષથી વિગન ડાયટ અપનાવી
પોતાની ખાણીપીણીની આદતો અંગે ડૉ. નેનેએ જણાવ્યું કે તેમને ખાવાનો શોખ છે, પરંતુ સમય જતાં તેમણે શું ખાવું અને શું ટાળવું તે શીખ્યું છે. તેમણે કહ્યું કે તેઓ લગભગ અઢી વર્ષ પહેલાં વિગન બન્યા હતા. તેમણે લોકોને એક જ દિવસમાં પોતાની આખી જીવનશૈલી બદલવાનો પ્રયાસ કરવાને બદલે ધીમે-ધીમે સારી આદતો અપનાવવાની સલાહ આપી છે. તેમના પુસ્તકમાં પણ રોજ થોડું વાંચીને તેમાં જણાવેલી સલાહનો અમલ કરવાની વાત કરવામાં આવી છે. સાતમા, 14મા અને 21મા દિવસે પોતાની પ્રગતિનું મૂલ્યાંકન કરવાની સલાહ પણ આપવામાં આવી છે.
કપલ્સ માટે સારી ઊંઘ સૌથી મહત્ત્વની
ડૉ. નેનેના મતે, દરેક કપલે તેમના પુસ્તકમાં સારી ઊંઘ અંગેનો અધ્યાય ખાસ વાંચવો જોઈએ. પૂરતી ઊંઘથી શરીરને આરામ મળે છે અને વ્યક્તિ તાજગી અનુભવે છે. ઊંઘની કમીને કારણે ચીડિયાપણું વધી શકે છે, જે સંબંધો પર પણ અસર કરી શકે છે. માધુરીની કઈ આદત અપનાવવા માગશે તેવા સવાલના જવાબમાં ડૉ. નેનેએ કહ્યું કે માધુરી હંમેશાં સકારાત્મક રહે છે અને અન્યની વાત ધ્યાનથી સાંભળે છે. તેમને માધુરીની આ આદત ખૂબ ગમે છે.
સ્વાસ્થ્યને લક્ઝરી નહીં, પ્રાથમિકતા બનાવો
પોતાના પુસ્તકનો મુખ્ય સંદેશ આપતાં ડૉ. શ્રીરામ નેનેએ જણાવ્યું કે 21 દિવસ સારી આદતો શરૂ કરવા માટેનું પહેલું પગલું બની શકે છે. શરૂઆતમાં શરીરમાં મોટો ફેરફાર દેખાય નહીં, પરંતુ સતત પ્રયત્નથી સારી આદતો જીવનનો ભાગ બની શકે છે. તેમણે હૃદયની બીમારીઓ અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓ સામે જાગૃતિ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. દરેક વ્યક્તિનું શરીર અને જરૂરિયાતો અલગ હોય છે, તેથી પોતાના સ્વાસ્થ્યને સમજવું અને યોગ્ય નિર્ણયો લેવા જરૂરી છે. તેમના મતે, બીમારી ગંભીર બને પછી સારવાર કરાવવા કરતાં સમય રહેતાં સ્વાસ્થ્યની કાળજી લેવી વધુ મહત્ત્વપૂર્ણ છે.








