Dipika Kakar TV Comeback: ટીવી જગતની જાણીતી અને લોકપ્રિય અભિનેત્રી દીપિકા કક્કડ છેલ્લા કેટલાક સમયથી પોતાના સ્વાસ્થ્યને લઈને સતત ચર્ચામાં રહી છે. સ્ટેજ-2 લિવર કેન્સર જેવી ગંભીર બીમારી સામે મક્કમતાથી લડાઈ લડી રહેલી દીપિકાએ હવે ફરી એકવાર એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો છે. ફેન્સ માટે આનંદના સમાચાર એ છે કે દીપિકા ટૂંક સમયમાં જ પોતાના પતિ અને એક્ટર શોએબ ઇબ્રાહિમ સાથે એક મ્યુઝિક વિડિયોમાં જોવા મળશે. જોકે, આ ખુશીની સાથે દીપિકાએ પોતાના સ્વાસ્થ્ય અને કામને લઈને એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે.
ટીવી સીરિયલમાં કેમ કામ કરવું અત્યારે શક્ય નથી?
પોતાના લેટેસ્ટ વ્લોગ (Vlog) માં ફેન્સ સાથે વાતચીત કરતી વખતે દીપિકાએ દૈનિક ટીવી સીરિયલ્સ (Daily Soaps) માં કામ ન કરી શકવાનું સાચું કારણ જણાવ્યું હતું. દીપિકાએ કહ્યું, "અત્યારે મારી જે શારીરિક સ્થિતિ છે તેને જોતાં હું કોઈપણ ડેઇલી સોપમાં કામ કરી શકું તેમ નથી. ટીવી સીરિયલ્સમાં રોજના 12 થી 14 કલાક સુધી સતત શૂટિંગ કરવું પડે છે, જે મારી હાલની તબિયત માટે ખૂબ મુશ્કેલ છે. આ ઉપરાંત હું જે સારવારમાંથી પસાર થઈ રહી છું, તેમાં મને કોઈ પણ પ્રોડ્યુસર કે મેકર્સ અત્યારે કાસ્ટ પણ શું કામ કરે?"
શારીરિક નબળાઈ અને સારવારની ગંભીર સાઇડ ઇફેક્ટ્સ
દીપિકાએ ફેન્સ સાથે પોતાના સ્વાસ્થ્યની સ્થિતિ શેર કરતાં જણાવ્યું કે, ઈમ્યુનોથેરાપી અને કેન્સરની અન્ય દવાઓના કારણે તેમના શરીરમાં ઘણી સાઇડ ઇફેક્ટ્સ જોવા મળી રહી છે. તેને સતત ઉબકા, ઊલટી, અશક્તિ અને ઉર્જાનો અભાવ અનુભવાય છે. મ્યુઝિક વિડિયોના ડાન્સ રિહર્સલ દરમિયાનનો પોતાનો અનુભવ શેર કરતાં દીપિકાએ કહ્યું કે, લાંબા સમય પછી જ્યારે તે ડાન્સ ફ્લોર પર ઉતરી ત્યારે તેને દર 10 મિનિટે બ્રેક લેવો પડતો હતો. આ અનુભવથી તેને અહેસાસ થયો કે સારવારને કારણે તેનું શરીર કેટલું નબળું પડી ગયું છે.
ટૂંકા પ્રોજેક્ટ્સ અને એક દિવસનું શૂટિંગ જ યોગ્ય વિકલ્પ
દીપિકાએ સ્પષ્ટ કર્યું કે લાંબા પ્રોજેક્ટ્સ શક્ય ન હોવા છતાં, તે એક દિવસ કે ટૂંકા શિડ્યુલવાળા મ્યુઝિક વિડિયો સરળતાથી પૂર્ણ કરી શકે છે. તેણીએ જણાવ્યું, "ઈલાજની પોતાની અસર અને સાઇડ ઇફેક્ટ્સ હોય છે અને તે ખૂબ જ સામાન્ય બાબત છે. પરંતુ એકાદ દિવસનું ગીતનું શૂટિંગ હોય તો તેને હેન્ડલ કરી શકાય છે." આ મ્યુઝિક વિડિયોનું શૂટિંગ પૂરું થઈ ચૂક્યું છે અને દીપિકા આ નાના કમબેકને લઈને થોડી નર્વસ હોવા છતાં ખૂબ જ ઉત્સાહિત છે.
કેન્સર અને સર્જરી બાદ ધીમી પણ સકારાત્મક શરૂઆત
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2025 માં દીપિકા કક્કડને લિવર કેન્સરનું નિદાન થયું હતું, ત્યારબાદ જૂન 2025 માં તેની સર્જરી કરવામાં આવી હતી. વર્ષ 2026 ના પ્રારંભમાં ફરી લિવરમાં સિસ્ટ (ગાંઠ) જોવા મળતા વધુ એક પ્રોસિજર કરવામાં આવી હતી. હાલમાં ડોક્ટરોની સલાહ મુજબ તેમની ઈમ્યુનોથેરાપી અને રેગ્યુલર ટ્રીટમેન્ટ ચાલી રહી છે. કઠિન પરિસ્થિતિઓ હોવા છતાં, દીપિકા ખૂબ જ હકારાત્મક અભિગમ સાથે ધીમે ધીમે કામ પર પરત ફરી રહી છે, જે તેના ચાહકો માટે પ્રેરણાદાયી છે.








