Diljit Dosanjh: પંજાબી ગાયક દિલજીત દોસાંઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. તે ઘણીવાર તેના ચાહકો સાથે અપડેટ્સ શેર કરે છે. "કૌન બનેગા કરોડપતિ" શોમાં અમિતાભ બચ્ચનના ચરણ સ્પર્શ કર્યા પછી, દિલજીત દોસાંઝને ખાલિસ્તાની ગેંગ તરફથી ધમકી મળી હતી. ચરણ સ્પર્શ કરવા બદલ મળેલી ધમકી પર દિલજીતે પ્રતિક્રિયા આપી છે. દિલજીતે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરીને આ બાબતે પોતાનું મૌન તોડ્યું.
દિલજીતે પોસ્ટમાં શું લખ્યું?
દિલજીત દોસાંઝે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી છે. દિલજીતે સ્ટોરીમાં લખ્યું કે, "હું કોઈ ફિલ્મ કે ગીતના પ્રમોશન માટે શોમાં ગયો ન હતો. હું ત્યાં રાષ્ટ્રીય સ્તરે પંજાબ પૂરનો મુદ્દો ઉઠાવવા અને મદદની અપીલ કરવા ગયો હતો'. દિલજીતે કોઈનું નામ લીધા વિના સ્ટોરી શેર કરી છે. લોકો તેની આ પોસ્ટને મળેલી ધમકીની ઘટના સાથે જોડી રહ્યા છે.
ખાલિસ્તાની ગેંગ SFJએ આપી હતી ધમકી
29 ઓક્ટોબરના રોજ ખાલિસ્તાની આતંકવાદી ગેંગ, શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) એ દિલજીત દોસાંઝને બોલિવૂડના દિગ્ગજ અમિતાભ બચ્ચનના ચરણ સ્પર્શ કરવા બદલ ધમકી આપી હતી. અહેવાલો અનુસાર, SFJના વડા ગુરપતવંત સિંહ પન્નુએ 1 નવેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયામાં દોસાંઝનો શો બંધ કરવાની ધમકી આપી હતી. ગુરપતવંત સિંહે જણાવ્યું હતું કે દિલજીત દોસાંઝે અમિતાભ બચ્ચનના ચરણ સ્પર્શ કરીને 1984ના દિલ્હીમાં થયેલા શીખ વિરોધી રમખાણોના દરેક પીડિતનો અપમાન કર્યો હતો. SFJએ આરોપ લગાવ્યો હતો કે અમિતાભ બચ્ચને "ખુન કા બદલા ખૂન'ના નારા લગાવીને ટોળાને ઉશ્કેર્યા હતા.
ઘણા કલાકારોને મળી ધમકીઓ
ઘણા કલાકારોને એવી ધમકીઓ આપવામાં આવે છે, થોડા દિવસ પહેલા કપિલ શર્માના કેફેમાં ગોળીબાર કરવામાં આવી હતી, આ ઘટના પછી ગાયક ચન્ની નટ્ટનના ઘરે ગોળીબાર કરવામાં આવી હતી. દિલજીત દોસાંઝ કૌન બનેગા કરોડપતિના એક એપિસોડમાં દેખાયો હતો અને શોમાં તેણે એક ગીત પણ ગાયું હતું. એપિસોડમાં દિલજીતે અમિતાભ બચ્ચનના ચરણ સ્પર્શ્યા હતા. આ એપિસોડ 31 ઓક્ટોબરના રોજ પ્રસારિત થયો હતો. SFJએ આ ઘટના પર દિલજીતનો શો બંધ કરવાની ધમકી આપી હતી. ગાયકે હવે કોઈનું નામ લીધા વિના આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે.








