Diljit Dosanjh Ahmedabad Concert: અમદાવાદ અને ગાંધીનગરમાં યોજાનારા લાઈવ મ્યુઝિક કોન્સર્ટને લઈને ગુજરાતમાં સંગીતપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને 21 નવેમ્બર, 2026ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા પંજાબી સિંગર દિલજીત દોસાંઝના કોન્સર્ટને માણવા દેશભરમાંથી યુવાનો અમદાવાદ આવવા માટે ઉત્સુક છે. કોન્સર્ટની વધતી માંગને કારણે અમદાવાદ આવતી ફ્લાઈટની ટિકિટ અને હોટલના રૂમના ભાડામાં મોટો વધારો થયો છે. સામાન્ય દિવસોમાં જે ફ્લાઈટ ટિકિટ ₹3,500થી ₹8,000માં મળતી હતી, તેના માટે હવે ₹17,000થી ₹40,000 સુધી ચૂકવવા પડી શકે છે. જ્યારે હોટલના રૂમનું ભાડું પણ ₹35,000 સુધી પહોંચી ગયું છે.
21 અને 22 નવેમ્બરે અમદાવાદ-ગાંધીનગરમાં સંગીતનો જલસો
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇન્ટરનેશનલ બેન્ડ કોલ્ડ પ્લેના ભવ્ય કોન્સર્ટની સફળતા બાદ ગુજરાતમાં મોટા મ્યુઝિક ઇવેન્ટ્સનો ક્રેઝ વધ્યો છે. હવે 21 નવેમ્બર, 2026થી 27 માર્ચ, 2027 દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં પંજાબી તથા બોલિવૂડ સિંગર્સના એક પછી એક લાઈવ કોન્સર્ટ યોજાવાના છે.
આગામી કોન્સર્ટનું શેડ્યૂલ પણ સંગીતપ્રેમીઓ માટે ખાસ છે:
21 નવેમ્બર: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલજીત દોસાંઝનો કોન્સર્ટ.
22 નવેમ્બર: રાજપથ ક્લબમાં પપોન (અંગરાગ મહંતા)નો કોન્સર્ટ.
22 નવેમ્બર: સવાના પાર્ટી પ્લોટમાં દર્શન રાવલનો કોન્સર્ટ.
એક પછી એક યોજાનારા આ કાર્યક્રમોને કારણે દેશના વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો અમદાવાદ અને ગાંધીનગર આવી રહ્યા છે.
ફ્લાઈટ ટિકિટના ભાડામાં 6થી 7 ગણો વધારો
કોન્સર્ટના એક દિવસ પહેલાં અને કાર્યક્રમના દિવસે અમદાવાદ આવતી ફ્લાઈટની ટિકિટના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. સામાન્ય દિવસોમાં ₹3,500થી ₹8,000 સુધી મળતી ટિકિટ માટે હવે ₹17,000થી ₹40,000 સુધી ચૂકવવા પડી શકે છે. ચીકી ટ્રાવેલ એજન્સીના ઓનર અંકિત બજાજે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં એરફેર એટલું વધી ગયું છે કે છ સીટના ભાડા બરાબર એક સીટ મળી રહી છે. દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને ઈન્દોર સહિતનાં શહેરોમાંથી અમદાવાદ આવતી ફ્લાઈટના ભાડામાં 6થી 7 ગણો વધારો થયો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વધેલા ભાડાની અસર માત્ર કોન્સર્ટમાં આવનારા લોકો પર જ નહીં, પરંતુ પોતાના ઘરે આવનારા કે બિઝનેસ મિટિંગ માટે અમદાવાદ આવતા મુસાફરો પર પણ પડી રહી છે.
હોટલના રૂમનું ભાડું ₹35,000 સુધી પહોંચ્યું
ફ્લાઈટની સાથે અમદાવાદની હોટલોમાં પણ રૂમની માંગ વધી છે. સામાન્ય દિવસોમાં ₹5,000થી ₹13,000 સુધી મળતા હોટલ રૂમ માટે હવે ₹15,000થી ₹35,000 સુધી ચૂકવવા પડી શકે છે. એટલે કે હોટલના રેગ્યુલર ભાડામાં બેથી ત્રણ ગણો વધારો થયો છે. અમદાવાદની ધી ગ્રાન્ડ ભગવતી હોટલના ઓનર નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું હતું કે, આવી મોટી ઇવેન્ટ્સથી હોટલ ઇન્ડસ્ટ્રીને ઘણો મોટો લાભ થાય છે. 21 નવેમ્બરે દિલજીત દોસાંઝ અને 22 નવેમ્બરે પપોનના શો યોજાવાના હોવાથી બહારનાં શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો અમદાવાદ આવી રહ્યા છે.
કોન્સર્ટથી હોટલ અને ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને પણ ફાયદો
નરેન્દ્ર સોમાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આવી ઇવેન્ટ્સથી હોટલ ઇન્ડસ્ટ્રીની સાથે ટુરિઝમ ક્ષેત્રને પણ લાભ થાય છે. બહારથી આવતા લોકો કોન્સર્ટ માણવાની સાથે અમદાવાદ અને આસપાસનાં ફરવાલાયક સ્થળોની મુલાકાત પણ લે છે. અગાઉ યોજાયેલા કોલ્ડ પ્લેના કોન્સર્ટ અને IPL ફાઇનલ જેવી મોટી ઇવેન્ટ્સથી પણ હોટલ ઇન્ડસ્ટ્રીને મોટો બૂસ્ટ મળ્યો હતો. હવે દિલજીત દોસાંઝ સહિતના સિંગર્સના કોન્સર્ટને કારણે ફરી એકવાર અમદાવાદમાં હોટલ, ટ્રાવેલ અને ટુરિઝમ ક્ષેત્રમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે.








