Dhurandhar Movie Controversy: આદિત્ય ધર નિર્દેશિત અને તાજેતરમાં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘ધુરંધર’ એક ગંભીર વિવાદમાં ફસાઈ છે. ફિલ્મમાં અભિનેતા સંજય દત્ત દ્વારા બોલાયેલા એક સંવાદને લઈને જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાતમાં વસતા બલોચ મકરાણી સમાજમાં ભારે રોષ અને આક્રોશની લાગણી ફેલાઈ છે. સમાજે આ અભદ્ર ડાયલોગથી તેમની સામાજિક લાગણીઓ દુભાઈ હોવાનો અને સમાજનું અપમાન થયું હોવાનો આક્ષેપ કર્યો છે.
સંજય દત્તનાં ડાયલોગ પર સમાજનો સખત વાંધ
જૂનાગઢ બલોચ મકરાણી સમાજના પ્રમુખ અને એડવોકેટ એજાજ મકરાણીએ આ મામલે સખત વલણ અપનાવ્યું છે. તેમણે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફિલ્મનાં અભિનેતા સંજય દત્ત, ડાયલોગ રાઇટર અને ડિરેક્ટર આદિત્ય ધર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે લેખિત અરજી કરી છે. અરજીમાં મુખ્યત્વે એક વિવાદાસ્પદ ડાયલોગ પર ધ્યાન દોરવામાં આવ્યું છે, જે સંજય દત્ત દ્વારા બોલવામાં આવ્યો છે. આ ડાયલોગ નીચે મુજબ છે:
"હંમેશાં બોલતા હૂં બડે સાબ મગરમચ્છ પે ભરોસા કર સકતે હૈ મગર બલોચ પે નહીં"
બલોચ સમાજનું કહેવું છે કે આ પ્રકારના સંવાદથી સમાજની પ્રતિષ્ઠાને સીધું નુકસાન પહોંચ્યું છે. પ્રમુખ એજાજ મકરાણીએ જણાવ્યું હતું કે આ ટિપ્પણી સીધી રીતે બલોચ મકરાણી સમાજને નિશાન બનાવીને કરવામાં આવી છે અને માત્ર પૈસાની કમાણી કરવા માટે ચોક્કસ જ્ઞાતિને ટાર્ગેટ કરવામાં આવી છે. ફિલ્મના નિર્માતાઓમાં જ્યોતિ દેશપાંડે, આદિત્ય ધર અને લોકેશ ધરનો સમાવેશ થાય છે. ફિલ્મમાં રણવીર સિંહ સાથે સંજય દત્ત, અક્ષય ખન્ના, આર માધવન, અર્જુન રામપાલ, સારા અર્જુન અને રાકેશ બેદી મુખ્ય ભૂમિકાઓમાં છે.
ગુજરાત હાઈકોર્ટ જવાની ચીમકી
આ વિરોધના ભાગરૂપે જૂનાગઢ બલોચ મકરાણી સમાજના આગેવાનોએ આવતીકાલે જિલ્લાકક્ષાએ આવેદનપત્ર પાઠવવાનો નિર્ણય લીધો છે. સમાજના અગ્રણી એજાજ મકરાણીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આગામી દસ દિવસની અંદર આ મામલે યોગ્ય અને સંતોષકારક કાયદાકીય કાર્યવાહી કરવામાં નહીં આવે, તો બલોચ મકરાણી સમાજ સમગ્ર મામલાને લઈને ગુજરાત હાઈકોર્ટનાં દ્વાર ખખડાવશે અને ન્યાય માટે લડત આપશે.
દેશભરમાં સામાજિક તંગદિલી ભર્યું વાતાવરણ ઊભું થઈ શકે
તેમનું માનવું છે કે જો આવા અભદ્ર વર્તન કરનારા કલાકારો, દિગ્દર્શકો અને સ્ક્રિપ્ટ રાઇટરોને રોકવામાં નહીં આવે, તો ભવિષ્યમાં અન્ય સમાજોની લાગણીઓ પણ દુભાવવાનું ચાલુ રહેશે, જેનાથી દેશભરમાં સામાજિક તંગદિલી ભર્યું વાતાવરણ ઊભું થઈ શકે છે. એડવોકેટ એજાજ મકરાણીએ વિનંતી કરી છે કે વહેલી તકે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને આવા સંવાદોને ફિલ્મમાંથી તાત્કાલિક દૂર કરવામાં આવે, અન્યથા સમાજ પોતાની માન-મર્યાદાના રક્ષણ માટે કોર્ટનાં તમામ પગલાં ભરવા તૈયાર છે.
ગુજરાત અને ભારતમાં બલોચ મકરાણી સમાજની વસતિ
બલોચ મકરાણી સમાજ મૂળભૂત રીતે બલૂચિસ્તાનના મકરાણ પ્રદેશમાંથી ભારત આવ્યા છે. આજે ભારતભરના અલગ અલગ વિસ્તારોમાં તેમની વસતિ નોંધપાત્ર છે. જૂનાગઢ જિલ્લામાં આશરે 25,000થી વધુ બલોચ મકરાણીઓ વસે છે. સમગ્ર ગુજરાતમાં 8 લાખથી વધુ બલોચ મકરાણીઓ વસવાટ કરે છે. ગુજરાતમાં જૂનાગઢ, ભાવનગર, કચ્છ, જામનગર, ગીર સોમનાથ, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત અનેક શહેરોમાં આ સમાજની મોટી વસતિ છે. ભારતભરમાં તેમની વસતિ દોઢ કરોડથી પણ વધુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આટલી મોટી વસતિ ધરાવતા અને શાંતિપૂર્ણ રીતે વસતા સમાજની લાગણીને માત્ર કમાણી માટે દુભાવવામાં આવી હોવાથી સમગ્ર સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
ફિલ્મ ‘ધુરંધર’ની વાર્તાની પૃષ્ઠભૂમિ
ફિલ્મ ‘ધુરંધર’ની સ્ટોરી 1999માં થયેલા IC-814 વિમાન અપહરણ અને 2001ના ભારતીય સંસદ હુમલાની પૃષ્ઠભૂમિથી પ્રેરિત છે. વાર્તાની શરૂઆત ભારતીય ગુપ્તચર એજન્સીના પ્રમુખ અજય સાન્યાલ (આર માધવન)થી થાય છે, જે પાકિસ્તાનમાં ચાલી રહેલા આતંકવાદ અને અંડરવર્લ્ડ નેટવર્કને ખતમ કરવાની યોજના બનાવે છે. આ માટે તેમને એક એવા યુવકની જરૂર હોય છે, જેની કોઈ ઓળખ ન હોય અને જે કોઈ ગુનામાં ફસાયેલો હોય. તેમની શોધ પંજાબના 20 વર્ષના હમઝા (રણવીર સિંહ) સુધી પહોંચે છે, જે જેલમાં બંધ છે. હમઝાને વિશેષ તાલીમ આપવામાં આવે છે અને મિશન માટે પાકિસ્તાન મોકલવામાં આવે છે.
પાકિસ્તાનમાં હમઝાનો સામનો લ્યારીના ખતરનાક અંડરવર્લ્ડ સાથે થાય છે, જ્યાં તેને ગેંગસ્ટર રહેમાન ડાકુ (અક્ષય ખન્ના) અને કરાચીના એસપી ચૌધરી અસલમ (સંજય દત્ત) જેવા ખતરનાક લોકો સાથે કામ પાર પાડવું પડે છે. ફિલ્મનો પહેલો ભાગ ગેંગસ્ટર દુનિયા, અપરાધ અને હિંસા દર્શાવે છે, જ્યારે ફિલ્મનો બીજો ભાગ જાસૂસી, છેતરપિંડી અને ષડયંત્રથી ભરેલો છે. સ્ટોરી દર્શકોને અંત સુધી ઉત્સુક રાખે છે કે શું હમઝા તેના મિશનમાં સફળ થાય છે અને કેવી રીતે તે અંડરવર્લ્ડનો સફાયો કરે છે.
કોણ છે બલોચ? તેમનો ઇતિહાસ અને ભારત સાથેનું જોડાણ
બલોચ મકરાણી સમાજ પોતાનો એક સમૃદ્ધ અને લાંબો ઇતિહાસ ધરાવે છે. ઇતિહાસકારોના મતે, બલોચ લોકો સિરિયાના આરબો કરતાં ઇન્ડો-ઈરાનીઓની વધુ નજીક છે, જેમને આર્ય પણ કહેવામાં આવે છે. આ સંદર્ભમાં, ઇતિહાસકારો માને છે કે બલોચ પણ આર્ય છે.
પયગંબર ઇબ્રાહિમ સાથે વંશજોનો દાવો
બલૂચિસ્તાનના કલાત રજવાડાના છેલ્લા શાસક મીર અહેમદ યાર ખાને તેમના પુસ્તક ‘ઇનસાઇડ બલૂચિસ્તાન’માં લખ્યું છે કે બલોચ પોતાને પયગંબર ઇબ્રાહિમના વંશજ માને છે. તેઓ મૂળભૂત રીતે સિરિયાના વિસ્તારમાં રહેતા હતા. વરસાદના અભાવ અને દુષ્કાળને કારણે આ લોકોએ સ્થળાંતર કરવાનું શરૂ કર્યું.
બલોચે ઈરાન છોડ્યું ત્યારે તેમનો નેતા મીર ઇબ્રાહિમ હતા
સિરિયા છોડ્યા પછી આ લોકોએ ઈરાનના પ્રદેશમાં પડાવ નાખ્યો. તત્કાલીન ઈરાની રાજા નુશેરવાનને આ ગમ્યું નહીં અને તેમણે આ લોકોને અહીંથી ભગાડી દીધા. જ્યારે બલોચે ઈરાન છોડ્યું ત્યારે તેમનો નેતા મીર ઇબ્રાહિમ હતા. ત્યારબાદ તેઓ એ વિસ્તારમાં પહોંચ્યા, જેનું નામ પાછળથી બલૂચિસ્તાન રાખવામાં આવ્યું. અહીં આવ્યા બાદ મીર ઇબ્રાહિમની જગ્યાએ મીર કમ્બર અલી ખાન આવ્યા. આ કુળને પયગંબર ઇબ્રાહિમના નામ પરથી બ્રાહીમી કહેવામાં આવતું હતું, જે પાછળથી બ્રાવી અથવા બ્રોહી બન્યું.
મુઘલોને હિન્દુ રાજવંશ હટાવવામાં મદદ
બલોચ લોકો આ વિસ્તારમાં સ્થાયી થયા. ઘણાં વર્ષો પછી જ્યારે મુઘલોએ ભારત પર શાસન કર્યું ત્યારે તેઓ બલોચ લોકોના સાથી બન્યા. આ દરમિયાન બલૂચિસ્તાનના કલાત વિસ્તારમાં સેવા (Sewa) વંશનું શાસન હતું, જેને હિન્દુ રાજવંશ માનવામાં આવે છે. આ રાજવંશના એક પ્રખ્યાત શાસક રાણી સેવી (Rani Sewi) હતાં, જેમના નામ પરથી પાછળથી સિબી પ્રદેશનું નામ પડ્યું.
અકબરે બલોચની મદદથી કલાત પર આક્રમણ કર્યું
સેવા રાજવંશ કલાત અને એની આસપાસના વિસ્તારોમાં શાસન કરતો હતો અને એ સમયે હિન્દુ પરંપરાઓનું પાલન કરતો હતો. ભારતના મુઘલ સમ્રાટ અકબરે 1570ના દાયકામાં બલોચની મદદથી કલાત પર આક્રમણ કર્યું અને સેવા વંશ પાસેથી તેનું નિયંત્રણ છીનવી લીધું. 17મી સદીના મધ્યમાં મુઘલોનું શાસન નબળું પડવા લાગ્યું અને બલૂચ જાતિઓએ બળવો શરૂ કર્યો. મુઘલોએ 18મી સદી સુધી અહીં શાસન કર્યું, પરંતુ બલૂચો દ્વારા તેમને હાંકી કાઢવામાં આવ્યા. અહીંથી બલોચોએ કલાતમાં પોતાના રાજ્યનો પાયો નાખ્યો.
ઈન્ડો-ઈરાની મૂળનો સિદ્ધાંત
ઇતિહાસકારોના મતે, બલોચ લોકોનું મૂળ મધ્ય એશિયામાં છે. હજારો વર્ષ પહેલાં આર્યો મધ્ય એશિયામાં રહેતા હતા, પરંતુ ખરાબ વાતાવરણ અને યુદ્ધની સ્થિતિને કારણે તેઓ બીજી જગ્યાની શોધમાં આ સ્થળ છોડીને ગયા. ત્યાંથી નીકળ્યા પછી પહેલા આર્મેનિયા અને અઝરબૈજાન પહોંચ્યા. અહીં આર્યોની ભાષા અને બોલીનું મિશ્રણ કરીને એક નવી ભાષા બનાવવામાં આવી, જેને બલશક અથવા બલાશોકી નામ આપવામાં આવ્યું. આર્યો બલાશ તરીકે ઓળખાવા લાગ્યા. ઈસ. 550માં અઝરબૈજાન ઈરાનના ખામ સામ્રાજ્યના નિયંત્રણ હેઠળ આવ્યું. છઠ્ઠી સદીના અંતમાં અને સાતમી સદીની શરૂઆતમાં, આ પ્રદેશ પર બાહ્ય હુમલાઓ વધ્યા અને હવામાન પણ વધુ ખરાબ થયું, તેથી મધ્ય એશિયાથી અહીં આવેલા આર્યો વિવિધ વિસ્તારોમાં સ્થાયી થયા. આર્યો જાનુબી (દક્ષિણ) તરફ ગયા અને ત્યાંથી આગળ ઈરાનના કમન અને સિસ્તાન પહોંચ્યા. અહીં તેમનું નામ બાલાશથી બદલીને બલૂચ કરવામાં આવ્યું અને બોલીનું નામ બલાશોકીથી બદલીને બલૂચી કરવામાં આવ્યું. ધીમે ધીમે આ બલૂચ લોકો સિસ્તાનથી આગળના વિસ્તારોમાં પ્રવેશ્યા, જે વિસ્તાર પાછળથી બલૂચિસ્તાન તરીકે ઓળખાતો હતો.








