Border 2 movie review 2026: વર્ષ 2026ની સૌથી વધુ રાહ જોવાયેલી ફિલ્મોમાંથી એક 'બોર્ડર 2' આ શુક્રવારે રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ સાથે બોલીવૂડના સ્ટાર સની દેઓલ ફરી એકવાર યુદ્ધના મેદાનમાં પરત આવ્યા છે. જાણો કેવી છે ફિલ્મ?
'બોર્ડર 2' ફિલ્મ રિવ્યુ
લગભગ 30 વર્ષ પહેલાં આવેલી 'બોર્ડર' માત્ર એક ફિલ્મ ન હતી. એક આખી પેઢી માટે 'બોર્ડર' દેશભક્તિની લાગણી હતી. 'બોર્ડર 2' ની જાહેરાત થતા જ એ લાગણી ફરી જીવંત થવાની ઉત્સુકતા લોકોમાં જોવા મળી હતી, પણ સાથે એક શંકા પણ ઊભી થઈ હતી કે, બોલીવૂડમાં સીક્વલ બનાવવાની હોડમાં ક્યાંક 'બોર્ડર' ની ભાવનાથી છેડછાડ તો નહીં થાય ને? 'બોર્ડર 2' ના ઇન્ટરવલ પોઈન્ટ સુધીની સૌથી મોટી ખુશખબર એ છે કે, સની દેઓલની આ ફિલ્મમાં એ જ જૂની લાગણી અને ફીલ સંપૂર્ણ રીતે જીવંત છે.
'બોર્ડર 2' નું દિલ છે તેનો ફર્સ્ટ હાફ
બોર્ડર 2 ત્યારે શરૂ થાય છે જ્યારે યુદ્ધ હજુ જાહેર થયું નથી, અને આ અંતરાલ પાકિસ્તાનના ઓપરેશન ચંગીઝ ખાનથી શરૂ થાય છે, જે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધની સત્તાવાર શરૂઆત હતી. આ બે બિંદુઓ વચ્ચે, "બોર્ડર 2" તેના હીરોનો પરિચય કરાવે છે. તમે હોશિયાર સિંહ દહિયા (વરુણ ધવન), નિર્મલજીત સિંહ સેખોન (દિલજીત દોસાંઝ), અને એમએસ રાવત (અહાન શેટ્ટી) ને કેડેટ્સ ટ્રેનિંગ એકેડેમીમાં એકસાથે જોશો. ટ્રેનિંગ ઓફિસર ફતેહ સિંહ ક્લેર છે, જેની ભૂમિકા સની દેઓલ ભજવે છે. ટ્રેનિંગમાં ટોપ કરવા માટેની સ્પર્ધા, મિત્રતા અને મસ્તીઓ વચ્ચે કથા ત્રણેયની વ્યક્તિગત જિંદગી બતાવે છે. આ ભાગમાં બે લગ્ન છે, બે સુંદર ગીતો છે, મજાની કોમેડી છે. આ ભાવનાઓ જ એ સંપત્તિ છે, જેને દાવ પર લગાવી એક સૈનિક દેશ માટે સરહદ પર ઊભો રહે છે. 'બોર્ડર 2' ના ઇમોશનલ સીન ખૂબ અસરકારક છે. તેમનો પ્રભાવ તમારી આંખોમાં આંસુ લાવી શેક છે. 'બોર્ડર 2' ની સ્ટોરી કહેવાની રીત સરળ છે. કેટલાક લોકોને આ રીત થોડી ખટકી શકે છે, પણ તેની ભરપાઈ ફિલ્મના ઇમોશનલ સીન પૂરી કરી દે છે.
ફિલ્મનું મજબૂત શરીર છે સની દેઓલ
ફિલ્મમાં જુસ્સો ભરવાનો મોટો ભાર સની દેઓલના મજબૂત ખભા પર છે, અને ત્રીસ વર્ષ પછી પણ તેઓ આ જવાબદારી સંપૂર્ણ તાકાત સાથે નિભાવી રહ્યા છે. વરુણ, દિલજીત અને અહાન પોતાના પાત્રોમાં જામ્યા છે. ઇન્ટરવલ પહેલાં ભાવનાઓને શિખર પર પહોંચાડી યુદ્ધની જાહેરાત કરી દેવામાં આવે છે. હવે સેકન્ડ હાફ શરૂ થવાનો છે. હવે જોવાનું એ છે કે ,આ ઊંચાઈને અંત સુધી 'બોર્ડર 2' કેટલાં અંશે જાળવી રાખે છે.
લાંબા સેકન્ડ હાફમાં છે યુદ્ધનું એક્શન
'બોર્ડર 2' નો સેકન્ડ હાફ પણ ભાવુક ડોઝ સાથે શરૂ થાય છે. ફર્સ્ટ હાફમાં ત્રણેય યુવા પાત્રોની વ્યક્તિગત જિંદગી બતાવવામાં આવી હતી. સેકન્ડ હાફમાં તમને ખબર પડે છે કે, ફતેહની વ્યક્તિગત જિંદગીનો કયો ભાગ યુદ્ધમાં દાવ પર લાગેલો છે. ડિરેક્ટર અનુરાગ સિંહે 'બોર્ડર 2' માટે ખૂબ સ્માર્ટ પસંદગી કરી છે. ફિલ્મ ભવ્ય સ્કેલનો વાયદો નથી કરતી, પરંતુ કહાનીનું સ્ટિયરિંગ ઇમોશનના હાથમાં સોંપી દે છે. અનુરાગની બીજી સમજદાર પસંદગી એ છે કે, તેમણે 1971ના યુદ્ધમાંથી પોતાના નાયકો માટે ચાર લડાઈઓ પસંદ કરી છે.
VFX અને ગ્રાફિક્સ
VFX અને ગ્રાફિક્સ 'બોર્ડર 2' નો સૌથી મજબૂત ભાગ નથી આ અંદાજ ટ્રેલરથી જ સમજાય ગયો હતો. છતાં એ સાવ ખરાબ નથી, જેટલું તેને લઇને ટ્રોલિંગ થઈ રહ્યું છે. આ ખામી ક્યાંય પણ નેરેટિવ પર હાવી થતી નથી. હવા અને સમુદ્રની લડાઈમાં VFX આવશ્યક છે, એટલે ખામીઓ ત્યાં દેખાય છે, પણ સ્માર્ટ સ્ટોરી ટેલિંગ દ્વારા આ ખામીઓને સારી રીતે ઢાંકી દેવામાં આવી છે, અને 'બોર્ડર 2' ના કલાકારો પોતાના અભિનયથી તેને સંપૂર્ણપણે છુપાવી દે છે.
વરુણ અને સનીના શ્રેષ્ઠ એક્શન સીન
યુદ્ધના દ્રશ્યોમાં વરુણ અને સનીને શ્રેષ્ઠ એક્શન સીન મળ્યા છે. ટાઇટ ફ્રેમમાં તેઓ પોતાના બાજૂઓની તાકાત અજમાવતા લડતા દેખાય છે. 'બોર્ડર 2' ની એક ખાસ વાત એ છે કે, અહીં હથિયારોની તાકાત બતાવવાને બદલે પરિસ્થિતિની ગંભીરતા પર ધ્યાન આપવામાં આવ્યું છે. એવી સ્થિતિમાં ઓછા ખર્ચાળ એક્શન સેટ્સથી પણ કામ ખૂબ સારી રીતે સંભાળવામાં આવ્યું છે. જોકે, પાકિસ્તાની સૈનિકો અને અધિકારીઓને ઓવરરિએક્ટ કરતા અને થોડા અજીબ રીતે બતાવવાનો લલચાવ 'બોર્ડર 2' પણ ટાળી શકી નથી. સેકન્ડ હાફમાં કેટલાક સ્થળે ફિલ્મની ગતિ થોડી ધીમી લાગે છે. મૂળ 'બોર્ડર' માં સુનીલ શેટ્ટી, અક્ષય ખન્ના વગેરેના પાત્રોને સુંદર કોલબેક આપવામાં આવ્યો છે. અંતમાં 'મિટ્ટી કે બેટે' ગીત તમારી આંખોમાં આંસુ લાવી શકે છે.
'બોર્ડર 2' ની મુખ્ય વાર્તા
કુલ મળીને 'બોર્ડર' નું સીક્વલ અએ સંદેશ પર આધારિત છે કે, અહીં વાર્તા યુદ્ધની નથી, પરંતુ યુદ્ધ લડનારા લોકોની છે. યુદ્ધ એક સૈનિકની જિંદગીમાં શું બદલાવ લાવે છે, એ 'બોર્ડર 2' ની મુખ્ય વાર્તા છે. અને આ હેતુ સિદ્ધ કરવામાં ફિલ્મ ક્યાંય પણ પાછળ પડી નથી.








