Bipasha Basu Protein Powder Worm: બોલિવૂડની જાણીતી અભિનેત્રી બિપાશા બાસુએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વિડીયો શેર કરીને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. બિપાશાએ ઓનલાઈન મંગાવેલા પ્રોટીન પાઉડરના નવા સીલબંધ ડબ્બાને ખોલતા જ તેમાં નાની-નાની ઈયળો અને જીવાતો જોવા મળી હતી. આ ઘટનાથી નારાજ થઈને અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર વિડીયો પોસ્ટ કરી મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ના કમિશનર તુકારામ મુંઢેને ટૅગ કર્યા હતા અને આ બાબતે તાત્કાલિક દખલગીરી કરવાની વિનંતી કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે નાગરિકો જે વસ્તુઓ ખરીદે છે તેમાં ભેળસેળ કે ખરાબ સામાન ન મળે તે માટે હવે આ કડક અધિકારી જ તેમની એકમાત્ર આશા છે.
શ્વેતા તિવારી સાથે પણ ઘટી હતી આવી જ ઘટના
ખાદ્ય સામગ્રીમાં જીવાત અને ગંદકી મળવાની આ પ્રથમ ઘટના નથી. તાજેતરમાં જ ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીએ ઓનલાઈન એપ ઇન્સ્ટામાર્ટ પરથી એનર્જી ડ્રિંક ઓર્ડર કર્યું હતું, પરંતુ ડિલિવરી બોક્સ ખોલતા જ તેમાંથી જીવતો વંદો (કોકરોચ) બહાર નીકળી આવ્યો હતો. શ્વેતાએ પણ આ ઘટનાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને તુકારામ મુંઢેને ટેગ કરીને મહારાષ્ટ્રમાં ફૂડ સેફ્ટીની કડક અમલવારી માટે અપીલ કરી હતી. સેલેબ્સ દ્વારા વારંવાર ઉઠાવવામાં આવતા આ અવાજને કારણે મહારાષ્ટ્રમાં પ્રોસેસ્ડ ફૂડ અને ઓનલાઈન ગ્રોસરી ડિલિવરી પ્લેટફોર્મ્સની ચકાસણી પર ચર્ચા તેજ બની છે.
બોલિવૂડમાં છવાયો 'ટીમ તુકારામ મુંઢે' નો ક્રેઝ
મહારાષ્ટ્રમાં ખાદ્ય સુરક્ષાના કડક નિયમો લાગુ કરવા અને બેદરકાર વેપારીઓ સામે આકરા પગલાં લેવા માટે જાણીતા IAS અધિકારી તુકારામ મુંઢેનું સમર્થન હવે બોલિવૂડના દિગ્ગજો પણ કરી રહ્યા છે. તાજેતરમાં અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા 'ટીમ તુકારામ મુંઢે' લખેલી ટી-શર્ટ પહેરીને મુંબઈમાં જોવા મળી હતી, જેને આ અધિકારીના અભિયાન માટેના સમર્થન તરીકે જોવામાં આવ્યું હતું. આ સિવાય લેખિકા ટ્વિંકલ ખન્નાએ પણ આ વિષય પર પોતાનો પક્ષ રાખ્યો હતો. એટલું જ નહીં, સલમાન ખાને પણ પોતાના મિત્રના નવા કેફેના ઉદ્ઘાટન પર સ્વચ્છતા અને ગુણવત્તા જાળવવા માટે મજાકિયા અંદાજમાં આ કડક અધિકારીનો ઈશારો કરીને ચેતવણી આપી હતી.
વધારાની માહિતી:
તુકારામ મુંઢે 2005 બેચના મહારાષ્ટ્ર કેડરના આઈએએસ (IAS) અધિકારી છે, જેઓ તેમની પ્રામાણિકતા, કડક વહીવટી શૈલી અને ભ્રષ્ટાચાર સામેના ઝીરો-ટોલરન્સ વલણ માટે દેશભરમાં જાણીતા છે. મહારાષ્ટ્ર FDA કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ તેમણે મુંબઈ અને રાજ્યભરની રેસ્ટોરાં, હોટલો, ફૂડ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ અને પ્રોસેસ્ડ પ્રોડક્ટ કંપનીઓ પર અચાનક દરોડા પાડવાનું અભિયાન શરૂ કર્યું છે. આ કડક તપાસમાં અનેક જાણીતી બ્રાન્ડ્સ અને કેફેમાં અસ્વચ્છતા તેમજ ભેળસેળ સામે આવી છે, જેના કારણે હાલ મહારાષ્ટ્રમાં ફૂડ સેફ્ટીને લઈને મોટું સફાઈ અભિયાન ચાલી રહ્યું છે.








