Bigg Boss 20 Mid Week Eviction: રિયાલિટી શૉ 'બિગ બોસ 20'માં દરરોજ નવા-નવા ટ્વિસ્ટ અને હંગામો જોવા મળી રહ્યો છે. પ્રેક્ષકો અઠવાડિયાના અંતમાં થતા 'વીકેન્ડ કા વાર'ની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ તે પહેલાં જ મેકર્સે ઘરમાં એક મોટો ધડાકો કરી દીધો છે. આ વખતે અઠવાડિયાના મધ્યમાં જ એટલે કે મિડ-વીક એવિક્શન કરીને બધાને ચોંકાવી દીધા છે. આ અણધાર્યા નિર્ણયથી ઘરના સભ્યોની સાથે-સાથે શૉના ફેન્સ પણ ભારે આશ્ચર્યમાં પડી ગયા છે.
કેપ્ટનસી ટાસ્ક બન્યો એવિક્શનનું મુખ્ય કારણ
ઘરમાં તાજેતરમાં કેપ્ટનસીની રેસ માટે એક ખાસ ટાસ્ક રમાડવામાં આવ્યો હતો. આ ટાસ્કમાં જીત મેળવ્યા બાદ કેપ્ટનસીના દાવેદારો—યંગ ડીએસએ, માહી વિજ અને ઉદિતિ સિંહને બિગ બોસ તરફથી એક વિશેષ શક્તિ એટલે કે 'વરદાન' આપવામાં આવ્યું હતું. આ પાવર હેઠળ તેઓ કોઈપણ એક સ્પર્ધકની લાઇફલાઇન (જીવનદાન) છીનવી શકતા હતા. આ નિર્ણયે આખી રમતનો પાસો પલટી નાખ્યો અને કેપ્ટનસીની રેસ સીધી એવિક્શનની પ્રક્રિયામાં ફેરવાઈ ગઈ.
રીતિ તિવારીની સફરનો આવ્યો અંત
મળતી માહિતી મુજબ, કેપ્ટનસીના દાવેદારોએ આપસી સમંતિથી રીતિ તિવારીની છેલ્લી વધેલી લાઇફલાઇન પણ છીનવી લેવાનો નિર્ણય કર્યો હતો. રીતિ પાસે પહેલેથી જ માત્ર એક જ લાઇફ બાકી હતી, તેથી આ પાવરનો ઉપયોગ થતાં જ તેનો શૉમાં રહેવાનો સમય પૂરો થઈ ગયો. આ નિર્ણય સાથે જ રીતિ તિવારીની બિગ બોસ 20ની સફરનો અચાનક અંત આવી ગયો છે અને તે ઘરની બહાર થઈ ગઈ છે.
વિવાદો અને ચર્ચામાં રહી હતી રીતિની જર્ની
શૉની શરૂઆતથી જ રીતિ તિવારી પોતાની બોલચાલ અને વર્તનને કારણે સતત ચર્ચામાં રહી હતી. કેપ્ટનસી ટાસ્ક દરમિયાન કાઝી તૌકીર સાથે થયેલા બોલાચાલી અને વિવાદ બાદ સલમાન ખાને પણ 'વીકેન્ડ કા વાર'માં તેને સખત ઠપકો આપ્યો હતો. જોકે, છેલ્લા કેટલાક દિવસોમાં તે પોતાના વર્તનમાં સુધારો લાવીને રમતમાં આગળ વધવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ આ મિડ-વીક ટ્વિસ્ટે તેને ફિનાલેની રેસમાંથી બહાર કરી દીધી છે.
ઘરમાં વધ્યો રોમાંચ
અચાનક થયેલા આ એવિક્શન બાદ બિગ બોસના ઘરમાં હવે સ્પર્ધકો વચ્ચેનો ડર અને રોમાંચ બેવડાઈ ગયો છે. સભ્યોને હવે સમજાઈ ગયું છે કે રમત ગમે ત્યારે ગમે તે વળાંક લઈ શકે છે. કેપ્ટનસીના દાવેદારોએ લીધેલા આ નિર્ણયથી હવે ઘરના બાકીના સભ્યો વચ્ચેના સંબંધો અને સમીકરણો પણ બદલાતા જોવા મળશે, જેનાથી આવનારા એપિસોડ વધુ રસપ્રદ બનશે.








