Air India handling fee controversy Anoushka Shankar: અનૂષ્કા શંકરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે એર ઇન્ડિયા પર પોતાનો સિતાર તોડી નાખવાનો આરોપ લગાવ્યો છે. એરલાઇન કંપનીને પ્રશ્ન પૂછતાં તેમણે કહ્યું, "તમે હેન્ડલિંગ ફી લો છો અને છતાં પણ તમે આવું કર્યું?"
અનૂષ્કા શંકરે શેર કર્યો વીડિયો
પ્રખ્યાત સિતારવાદક રવિ શંકરની પુત્રી અનૂષ્કા શંકર પોતે પણ જાણીતા સિતારવાદક છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી, જેમાં તેમણે એર ઇન્ડિયા પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. મ્યુઝિશિયને જણાવ્યું કે, મુસાફરી દરમિયાન તેમનું સિતાર તૂટી ગયું હતું. તેનો વીડિયો પણ તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. અનૂષ્કા શંકરે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો મૂકીને કહ્યું, "લાંબા સમય બાદ હું પહેલી વાર એર ઇન્ડિયામાં મુસાફરી કરી રહી હતી. તમે એ દેશની એરલાઇન છો, જેના સંગીતનું આ વાદ્ય છે. છેલ્લા લગભગ 15–17 વર્ષોમાં મારા વાદ્ય સાથે આવી ઘટના ક્યારેય બની નથી."
સિતાર સંપૂર્ણ રીતે બેકાર થઈ ગયો
અનૂષ્કાએ વીડિયોમાં આગળ કહ્યું, "પહેલા હું મારા સિતારના ઉપરના ભાગ તરફ જોઈ રહી હતી અને મને લાગ્યું કે તેની ધૂન ખરેખર બગડી ગઈ છે. ધૂન ઠીક કર્યા પછી જ્યારે મેં તેને વગાડવા માટે હાથમાં લીધું, ત્યારે મને સમજાયું કે આ તો પૂરેપૂરુ તૂટી ચૂક્યું છે…" એર ઇન્ડિયાને સવાલ કરતા અનૂષ્કાએ કહ્યું, "તમે આ કેવી રીતે કર્યું? મારી પાસે સ્પેશિયલ ક્લાસ છે, તમે હેન્ડલિંગ ફી લો છો અને છતાં પણ આવી હાલત કરી?"
એર ઇન્ડિયા સામે નારાજગી
વીડિયો સાથે તેઓએ એક કેપ્શન પણ પોસ્ટ કર્યું, જેમાં લખ્યું હતું, "એર ઇન્ડિયાએ મારા સિતાર સાથે જે કર્યું છે, તેનાથી હું ખૂબ દુઃખી છું અને ખરેખર હેરાન પણ છું. આવું નુકસાન કેવી રીતે થઈ શકે? વધુ દુઃખની વાત તો એ છે કે ઘણા સમય બાદ મેં એર ઇન્ડિયા સાથે મુસાફરી કરી અને એવું લાગે છે કે ભારતીય વાદ્ય તેમની પાસે સલામત રહી શકે નહીં, કારણ કે મેં બીજી એરલાઇન્સમાં હજારો મુસાફરી કરી છે અને એક પણ વખતે સિતાર તેની જગ્યા પરથી હલ્યો નથી."
અન્ય સેલેબ્સના રિએક્શન
અનૂષ્કાની પોસ્ટ પર સંગીત જગતના ઘણા સેલેબ્સની પ્રતિક્રિયાઓ જોવા મળી છે. વિશાલ દદલાનીએ કમેન્ટમાં લખ્યું, "હે ભગવાન, આ તો હૃદયદ્રાવક છે! મને ખૂબ દુઃખ છે." સંગીતકાર અન્વિતા શંકરે લખ્યું, "એર ઇન્ડિયાએ સિતારને કેટલી ખરાબ રીતે હેન્ડલ કર્યું હશે કે તેની સુરક્ષિત હાર્ડ કેસમાં પણ આવી હાલત થઈ? મને ખૂબ દુઃખ છે." જ્યારે કોમિડિયન ઝાકીર ખાન, જે પોતે પણ સિતાર વગાડે છે, તેમણે લખ્યું, "આ તો દિલ તોડી દે તેવી ઘટના છે."








