Ankit Balyan Murder Case: ઉત્તર પ્રદેશના શામલીમાં હરિયાણાના જાણીતા સિંગર અંકિત બાલિયાનની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. હવે આ હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, અંકિતની હત્યા પાછળ સાડા ત્રણ વર્ષ પહેલાં રિલીઝ થયેલું તેનું એક ગીત મહત્વનું કારણ બન્યું હતું. ગીતના બોલ હતા, ‘કોર્ટ મેં મારેંગે મેરી જાન, જજ કો પસીના આયેગા’. આ ગીતને લઈને કેટલાક ગુનેગારોમાં નારાજગી હતી અને તેમને શંકા હતી કે અંકિત વિરોધી ગેંગના ઈશારે તેમને ડરાવવા માટે આવા ગીતો બનાવી રહ્યો હતો.
ગીતને લઈને સિંગરને મળી હતી ધમકી
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગીત રિલીઝ થયા બાદ અંકિતને દિલ્હીમાં ધમકી પણ આપવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, કેટલાક અપરાધીઓને લાગતું હતું કે ગીતના માધ્યમથી તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સોમવારે સવારે અંકિત હત્યા કેસમાં સંડોવાયેલા બે શૂટર્સ એન્કાઉન્ટરમાં માર્યા ગયા બાદ શામલીના એસપી એનપી સિંહે આ સમગ્ર મામલે મહત્વની વિગતો જાહેર કરી હતી.
ગૌગી ગેંગના ગોલૂ શાહપુરિયાએ મોકલ્યા હતા શૂટર્સ
એસપી એનપી સિંહના જણાવ્યા અનુસાર, અંકિતની હત્યા માટે શૂટર્સને ગૌગી ગેંગ સાથે જોડાયેલા ગોલૂ શાહપુરિયાએ મોકલ્યા હતા. બંને શૂટર્સને સૂચના આપવામાં આવી હતી કે શામલીમાં બે સ્થાનિક યુવકો તેમની સાથે જોડાશે અને ચારેય મળીને અંકિતની હત્યા કરશે. યોજના મુજબ ચારેય શૂટર્સ બુધવારે અંકિત જિમમાંથી બહાર આવે તેની રાહ જોઈ રહ્યા હતા. અંકિત બહાર આવતા જ ચારેયે તેને ઘેરી લીધો હતો અને અંધાધૂંધ ગોળીબાર કરીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
જેલમાં બંધ ગેંગસ્ટરો અને કેનેડા કનેક્શન પણ સામે આવ્યું
પોલીસના જણાવ્યા મુજબ, દિલ્હી રોહિણી કોર્ટમાં ગેંગસ્ટર ગૌગીની હત્યા અને ત્યારબાદ તિહાડ જેલમાં ટિલ્લૂ તાજપુરિયાની હત્યા બાદ ગૌગી ગેંગને અંકિત પર શંકા હતી. તેમને લાગતું હતું કે અંકિત વિરોધી ગેંગ સાથે જોડાઈ ગયો છે. હાલ તિહાડ અને કરનાલ જેલમાં બંધ બે ગુનેગારો આ ગેંગને ચલાવતા હોવાનો પોલીસનો દાવો છે. તેમના માટે ગોલૂ શાહપુરિયા કામ કરતો હતો, જેના પર એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. ગોલૂના કાકાના દીકરા ચિરાગે, જે કેનેડામાં રહે છે, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અંકિતની હત્યાની જવાબદારી લીધી હોવાનું પણ સામે આવ્યું છે.
15 સ્થળોના CCTVમાં શૂટર્સની હિલચાલ કેદ
અંકિતની હત્યા બાદ પોલીસે શૂટર્સની હિલચાલ શોધવા માટે CCTV ફૂટેજ તપાસ્યા હતા. તપાસ દરમિયાન શૂટર્સ હરિયાણાના કરનાલથી શામલી પહોંચ્યા હોવાની હિલચાલ 15 જેટલા સ્થળોના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. હત્યા કર્યા બાદ શૂટર્સ જે રસ્તેથી આવ્યા હતા તે રસ્તે પરત ફર્યા નહોતા. તેમણે પોલીસથી બચવા માટે દિલ્હી રોડથી બડૌત અને બાગપત થઈ હરિયાણા તરફ જવાનો માર્ગ પસંદ કર્યો હતો.બાગપતના ગૌરીપુર નજીક પહોંચ્યા બાદ ચારેય શૂટર્સ બે-બેની ટુકડીમાં વહેંચાઈ ગયા હતા. એક બાઇક પર સવાર બે શૂટર્સ સોનીપત તરફ, જ્યારે અન્ય બે લોની તરફ નીકળી ગયા હતા. બંને ટુકડીઓએ મુખ્ય માર્ગોને બદલે અંદરના વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરીને ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. હાલ પોલીસ દ્વારા સમગ્ર હત્યા કાવતરું, ગેંગ કનેક્શન અને અન્ય સંડોવાયેલા આરોપીઓ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.








